News of Saturday, 25th October 2025
એકજ વર્ષમાં પોલેન્ડની વસ્તી અચાનક 2 લાખ જેટલી ઘટી ગઈ
પોલેન્ડ હાલ એક ગંભીર જનસંખ્યાકીય સંકટમાંથી પસાર થઇ રહ્યો છે:વસ્તુ ઘટાડાનું મુખ્ય કારણ છે નીચો જન્મદર:આ ઘટતો આંકડો છે ચિંતાજનક

નવી દિલ્હી: યુરોપના દેશ પોલેન્ડની વસ્તીના તાજા આંકડા જાહેર થયા છે, જે ચિંતાજનક છે. અહેવાલ મુજબ, 2023ના એક જ વર્ષમાં પોલેન્ડની કુલ વસ્તીમાં 1,58,000 લોકોનો ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે પોલેન્ડ એક ગંભીર જનસંખ્યાકીય સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. આ ઘટાડો કયા કારણોસર થયો છે, એ જાણવું રસપ્રદ છે. પોલેન્ડમાં વસ્તી ઘટાડાનું પ્રમુખ કારણ છે ખૂબ જ નીચો જન્મદર. 2023માં, પોલેન્ડમાં માત્ર 2,72,000 બાળકોનો જન્મ થયો, જે દેશના ઇતિહાસમાં સૌથી ઓછા છે. બીજી તરફ, તે જ વર્ષ દરમિયાન 4,30,000 લોકોના મૃત્યુ નોંધાયા. આનો અર્થ એ થયો કે પોલેન્ડે પોતાની વસ્તીનો એક મોટો ભાગ ગુમાવ્યો.
- જાન્યુઆરીથી સપ્ટેમ્બર, 2025 સુધીમાં 1,81,000 બાળકો જન્મ્યા હતાં, જે વર્ષ 2024ના એટલા જ સમયગાળામાં જન્મેલાં બાળકો કરતાં 11000 ઓછા છે.
- મહિલાઓનો પ્રજનન દર 1.11 છે, જે સમગ્ર યુરોપમાં સૌથી ઓછો છે. દેશની જનસંખ્યા સ્થિર રાખવા માટે પ્રજનન દર 2.1 હોવો જોઈએ.
- 1990 માં મહિલાઓ પહેલા બાળકને જન્મ આપે ત્યારની સરેરાશ વય 22.7 હતી, જે 2024 માં વધીને 29.1 થઈ ગઈ છે. મહિલાઓની પહેલીવાર માતા બનવાની વય વધી ગઈ હોવાથી ઓછા બાળકો પેદા થાય છે.
- પોલેન્ડની વર્તમાન જનસંખ્યા 3.66 કરોડ છે, જે વર્ષ 1989 માં 4 કરોડ હતી.
નીચા જન્મદર પાછળ નીચે મુજબના સામાજિક અને આર્થિક પરિબળો જવાબદાર છે.
- યુવા વર્ગનું કારકિર્દી અને શિક્ષણ પ્રત્યેનું વલણ
- મહિલાઓના મોટી વયે થતા લગ્ન
- મોટી વયે થતા લગ્નને લીધે ઘટી જતી ફળદ્રુપતા
- મોટા શહેરોમાં રહેવાનો ખર્ચ
- અનિશ્ચિત આર્થિક ભવિષ્ય
- પરિવાર નિર્માણ માટે જરૂરી સહાયનો અભાવ હોવાથી લગ્ન પ્રત્યેની ઉદાસિનતા
- પોલેન્ડમાં વસ્તી ઘટાડાનું અન્ય મહત્ત્વપૂર્ણ કારણ છે યુવા વર્ગનું અન્ય યુરોપિયન દેશો તરફ પલાયન. વર્ષ 2025 માં પ્રતિ 10000 નાગરિકો પૈકીના 30 નાગરિક પોલેન્ડ છોડી ગયા છે. 2024 માં આ આંકડો 27 નો હતો. એ હિસાબે જોઈએ તો દર વર્ષે દેશ છોડનારની સંખ્યા સતત વધતી જ જાય છે. પોલેન્ડ યુરોપિયન યુનિયનનો સભ્ય દેશ હોવાથી પોલેન્ડના નાગરિકોને જર્મની, આયરલેન્ડ અને નેધરલેન્ડ્સ જેવા અન્ય સભ્ય દેશોમાં કામ કરવાની સરળતા રહે છે. ઉચ્ચ વેતન, વધુ સારી નોકરીની તકો અને જીવનની ઉચ્ચ ગુણવત્તા જેવા કારણોસર હજારો યુવા પોલેન્ડ છોડીને જતા રહે છે. આ પ્રવૃત્તિના કારણે દેશમાં કાર્યશીલ વસ્તી તો ઘટે છે, પણ સાથોસાથ ભવિષ્યમાં પરિવાર શરૂ કરી શકે તેવા લોકોની સંખ્યા પણ ઘટે છે, જેથી જન્મદર પર વધુ પ્રતિકૂળ અસર પડે છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
