<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

વિશ્વભરમાં વધી રહેલા સંઘર્ષો અને યુદ્ધોના કારણે શસ્ત્ર ઉત્પાદક કંપનીઓની કમાણીમાં નોંધપાત્ર વધારો થયો

હથિયારોનું ઉત્પાદન કરતી કંપનીઓની આવક વિક્રમી સ્તરે પહોંચી ગઈ:આવક વધીને 679અબજ ડોલર થઇ:અત્યાર સુધીનો આ સૌથી વધુ આંકડો છે

નવી દિલ્હી:  રશિયા-યુક્રેન, ગાઝામાં ઈઝરાયેલ-હમાસ સહિતના યુદ્ધોના પગલે દુનિયામાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે ત્યારે હથિયારોનું ઉત્પાદન કરતી કંપનીઓની આવક વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2024માં દુનિયાની ટોચની 100 હથિયાર બનાવતી કંપનીઓની કમાણી 5.9 ટકા વધી ગઈ હતી અને તેમની આવક વધીને 679 અબજ ડોલર થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં આ આંકડો સૌથી વધુ છે. જોકે, હથિયારોની આ રેસમાં સૌથી વધુ લાભ અમેરિકન કંપનીઓને થયો છે જ્યારે ચીનની કંપનીઓને કોઈ લાભ થયો નથી.

રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા સંઘર્ષ અને અનેક દેશો દ્વારા પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે વધુ ખર્ચ કરવાના કારણે દુનિયામાં હથિયારોની માગ વધી છે. આવા સમયે દુનિયામાં હથિયારોના સોદાઓ પર નજર રાખતી સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સીપરી)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ દુનિયામાં હથિયારોની રેસના પગલે શસ્ત્રો બનાવતી ટોચની 100 કંપનીઓની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

અહેવાલમાં જણાવાયું છે કે યુક્રેન-રશિયા યુદ્ધ, મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવો, તેમજ અનેક દેશોમાં વધતા રક્ષા ખર્ચો શસ્ત્ર ઉત્પાદકોની આવકમાં થયેલા આ ઉછાળા માટે જવાબદાર છે. મોટા રક્ષા કરાર, અદ્યતન હથિયાર સિસ્ટમોની માંગ અને સેનાઓના આધુનિકીકરણના પ્રયાસો પણ આ વૃદ્ધિને પ્રોત્સાહન આપી રહ્યા છે.

વિશ્વભરમાં કેટલાક માનવાધિકાર સંગઠનોએ વધતી હથિયાર વેચાણની ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે હથિયારોનો આ પ્રવાહ લાંબા સમય સુધી સંઘર્ષોને વધારે ગંભીર બનાવી શકે છે.

ઈઝરાયેલની કંપનીઓની આવકમાં 16 ટકાનો વધીને 16.2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ. ગાઝામાં હમાસ સહિત આજુબાજુના મુસ્લિમ દેશો સાથે ઈઝરાયેલના યુદ્ધના કારણે સરકારે નવા ઓર્ડર આપ્યા છે. દુનિયામાં શસ્ત્રો બનાવતી કંપનીઓની આવક વધવા વચ્ચે ચીનમાં ભ્રષ્ટાચારના આરોપ, અનેક મોટા કરાર ખતમ થવાના પગલે ચીનની આઠ કંપનીઓની કમાણી વધવાના બદલે 10 ટકા ઘટી ગઈ છે.

 

 

 

(6:16 PM IST)