<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

હાલમાં ઈન્ટરનેટ પર એક હેલમેટ બન્યું ચર્ચાનો વિષય

આ કોઈ સામાન્ય હેલમેટ નહીં પરંતુ AI ટ્રાફિક પોલીસ છે:આ હેલમેટ નિયમ તોડનારને મોકલશે ચલણ:બેંગ્લોરના એક વ્યક્તિએ તૈયાર કર્યું આ અનોખું હેલમેટ

નવી દિલ્હી  : ઇન્ટરનેટ પર એક હેલમેટ ખૂબ જ ચર્ચામાં છે. આ કોઈ સામાન્ય હેલમેટ નથી, પરંતુ AI ટ્રાફિક પોલીસ છે જે નિયમ તોડનારને ચલાણ મોકલે છે. આ હેલમેટને બેંગલોરના એક વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે હવે એક AI ટ્રાફિક પોલીસ બની ગયું છે. આ હેલમેટમાં કેમેરા અને AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી જે પણ યુઝર નિયમ તોડશે એની નોંધ કરવામાં આવશે અને એને સીધું ટ્રાફિક પોલીસને મોકલવામાં આવે છે અને ત્યાર બાદ ચલાણ થઈ શકે છે. આ હેલમેટ કારથી લઈને બાઈક અને મોટી ટ્રક દરેકના વીડિયો કેપ્ચર કરે છે અને જે પણ નિયમ તોડ્યો હશે એને સીધું પોલીસને રિપોર્ટ કરશે. આ યુઝર દ્વારા સોશિયલ મીડિયા પર એને પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેણે હેલમેટ વિશે વાત કરી છે. આ પોસ્ટમાં તેણે કહ્યું છે કે હેલમેટમાં લગાવવામાં આવેલો કેમેરા, સેન્સર અને AI કેવી રીતે નિયમ તોડનારને ડિટેક્ટ કરે છે અને ત્યાર બાદ એને રિપોર્ટ પણ કરે છે.  

આ પોસ્ટમાં યુઝરે લખ્યું, ‘હું રસ્તા પર બેવકૂફી કરનાર લોકોથી કંટાળી ગયો છું. આથી મેં મારા હેલમેટને ટ્રાફિક પોલીસ ડિવાઇસ બનાવવાનું નક્કી કર્યું હતું. હું જ્યારે ડ્રાઇવ કરું ત્યારે AI એજન્ટ ઓટોમેટિક ચાલુ થઈ જશે અને નિયર રિયલ ટાઇમમાં નિયમ તોડનારને શોધશે. આ નિયમ તોડનારનું પ્રૂફ અને લોકેશન બન્નેની સાથે નંબર પ્લેટનો પણ ફોટો સીધો પોલીસ પાસે જશે. આથી લોકોને વિનંતી કરું છું કે હવે સુરક્ષિત ડ્રાઇવિંગ કરો અથવા તો પાછળથી પસ્તાવા માટે તૈયાર રહો.’ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ થોડા જ કલાકમાં ખૂબ જ વાઇરલ થઈ ગઈ હતી. ઘણાં યુઝર્સ દ્વારા આ યુઝરને ખૂબ જ ફાયદાકારક જણાવી છે. ઘણાં લોકો ટ્રાફિક નિયમનું પાલન નથી કરતાં. જો આ નિયમનું પાલન કરવામાં આવે તો ઘણા અકસ્માત અટકાવી શકાય છે. આથી આ એક યુનિક હેલમેટને સોશિયલ મીડિયા પર વાહવાહી મળી રહી છે.

 

 

(5:48 PM IST)