<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ચીનના શાંઘાઈ શહેરમાં એક મહિલાના શાંત મૃત્યુએ ઉભો કર્યો જટિલ પ્રશ્ન

એકલી રહેતી મહિલાનું મૃત્યુ થઇ જતા કેટલાય દિવસો સુધી મૃતદેહ ઘરમાં જ પડી રહ્યો:પાડોશીઓને દુર્ગધ આવતા પોલીસને જાણ કરવામાં આવી:આ ઘટનાએ ચીનના સોશિયલ મીડિયામાં એક અલગ જ પ્રકારની ચર્ચા જગાવી દીધી

નવી દિલ્હી:  ડિસેમ્બર 2025માં ચીનના શાંઘાઈ શહેરમાં એક ઘટના બની. 46 વર્ષીય મહિલા જિયાંગ ટિંગનું અવસાન થયું. તે એકલી રહેતી હતી, લાંબા સમયથી બીમાર હતી અને તેના નજીકના કોઈ સગાં-સંબંધી નહોતા. પાડોશીઓ સાથે પણ તે ભાગ્યે જ વાત કરતી. તે દરરોજ સવારે કામ પર જતી, સાંજે ઘરે આવતી, અને જમીને ઊંઘી જતી. આ જ તેનું દૈનિક જીવન હતું. એ ઘરમાં એકલી મરી ગઈ, એની કોઈને ખબર ન પડી. એનું શરીર સડવા લાગ્યું અને ગંધાઈ ઊઠ્યું ત્યારે પડોશીઓએ પોલીસને કૉલ કર્યો અને સૌને જાણ થઈ કે જિયાંગ મરી ચૂકી છે. આ ઘટનાએ ચીનના સોશિયલ મીડિયામાં એક અલગ જ પ્રકારની ચર્ચા જગાવી. જિયાંગ ટિંગના મૃત્યુ પછી એવો પ્રશ્ન ઊઠ્યો કે, જો કોઈ એકલી રહેતી વ્યક્તિ મરી જાય તો સમાજ તેની સાથે શું કરે? મૃતકને સમયસર અંતિમ સંસ્કાર પણ નસીબ ન થાય એ કેટલું અયોગ્ય કહેવાય! જિયાંગની મોત ફક્ત જિયાંગ પૂરતી ન રહેતા એના જેવા એકલા રહેતા લાખો લોકોની ચિંતાનું કારણ બની ગયું. સોશિયલ મીડિયા પર જાગેલી ચર્ચાઓનો સૂર એવો હતો કે, એકલા મરી જવામાં જેટલી તકલીફ હતી, એના કરતાં વધુ ડરામણો વિચાર એ હતો કે મારી લાશ મારા ઘરમાં પડી પડી સડી જશે!

જિયાંગના મોતને પગલે વાયરલ થયેલી ચર્ચા અને ચિંતાઓના કારણે ‘આર યુ ડેડ?’ નામની એક મોબાઇલ એપ પ્રકાશમાં આવી. એપ તો અગાઉથી કાર્યરત હતી જ, પણ એનો ફેલાવો જિયાંગના મોત પછી એકાએક વધી ગયો. 

એપનું નામ ‘આર યુ ડેડ?’ ડરામણું લાગે એવું છે, પણ આ એપ અનિશ્ચિતતાના ડરથી છુટકારો અપાવવાનું કામ કરે છે. આ એપમાં યુઝરે પોતાના નામ, સરનામા, ઉંમર, મોબાઇલ નંબર જેવી વિગતો નોંધવાની હોય છે. પછી દરરોજ સવારે આ એપ યુઝરને એક સવાલ પૂછે છે - ‘આર યુ ડેડ?’, જેનો જવાબ યુઝરે ‘ના’ પર ક્લિક કરીને આપી દેવાનો. એનો અર્થ એ કે યુઝર હજુ જીવે છે. જો સળંગ બે દિવસ સુધી યુઝર કોઈ જવાબ ન આપે તો એપ એવું માની લે છે કે કોઈપણ કારણસર યુઝરનું મૃત્યુ થઈ ગયું છે. તેથી એપ પોલીસને અને જો યુઝરે કોઈ મિત્ર વગેરેની વિગતો  નાંખી હોય તો તેમને યુઝરના મૃત્યુ વિશે જણાવી દે છે. 

‘આ કોઈ મરતા માણસનો જીવ બચાવી લેતી એપ તો છે નહીં! તો પછી મરી ગયા પછી શેની ચિંતા? ભલેને શરીર સડી જતું!’ એવી મજાક પણ ચીનના સોશિયલ મીડિયા પર ચાલી છે. પણ, ‘આર યુ ડેડ?’ એપનો ઉપયોગ કરનાર જણાવે છે કે, આ એપ તેમના માટે માનસિક શાંતિનું સાધન બની ગઈ છે. તેના ઉપયોગથી એમને રાહત મળી છે કે, એકલા મરવાનો વારો આવ્યો તો પણ તેઓ લાંબો સમય એક જગ્યાએ પડી નહીં રહે. કોઈક તો સમયસર એમના મૃત શરીર સુધી પહોંચીને એના અંતિમસંસ્કાર કરી જ આપશે. આ મુદ્દો મજાકનો નથી, પરંતુ મૃત્યુ પછીના અધિકાર, સન્માનનો છે.   

માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો માને છે કે, આવી એપ્સ સંપૂર્ણ ઉકેલ નથી, પણ આ એક શરૂઆત છે. એપ દ્વારા અપાતો સધિયારો યુઝર્સને એવો અનુભવ કરાવે છે કે, ‘કોઈ છે, જે એમનું ધ્યાન રાખે છે.’ કેટલાક નિષ્ણાતો કહે છે કે, આવી એપ લોકોને જીવતેજીવ મદદ કરી શકે એવી હોવી જોઈએ, જેમાં ‘હું ઠીક નથી’ જેવી માહિતી આપીને યુઝર્સ મદદ મેળવી શકે. 

(5:28 PM IST)