<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

જાણો શું છે એન્ટીમેટર:કઈ રીતે તે કામ કરે છે

એન્ટિમેટર એટલે કે પ્રતિદ્રવ્યની ફક્ત એક ચપટી આખા શહેરનો ક્ષણભરમાં નાશ કરી શકે તેમ છે:હિરોશિમા પર 1945માં ફેંકાયેલો અણુબોમ્બ 15 કિલોટનનો હતો:એન્ટિમેટર દ્વારા થનારો વિસ્ફોટ હિરોશિમા કરતાં લગભગ ત્રણ ગણો વધુ તીવ્ર હશે અને લાખોનો જીવ લઈ લેશે

નવી દિલ્હી: એન્ટિમેટર એટલે કે પ્રતિદ્રવ્યની ફક્ત એક ચપટી આખા શહેરનો ક્ષણભરમાં નાશ કરી શકે એમ છે. વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, 1 ગ્રામ પ્રતિદ્રવ્ય જો સામાન્ય દ્રવ્ય સાથે અથડાઈ જાય તો 43 કિલોટન TNT (Trinitrotoluene- ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન) જેટલી ઊર્જા છૂટે છે. હિરોશિમા પર 1945માં ફેંકાયેલો અણુબોમ્બ 15 કિલોટનનો હતો. તેનો અર્થ એ કે એન્ટિમેટર દ્વારા થનારો વિસ્ફોટ હિરોશિમા કરતાં લગભગ ત્રણ ગણો વધુ તીવ્ર હશે અને લાખોનો જીવ લઈ લેશે. TNT એ એક અત્યંત શક્તિશાળી વિસ્ફોટક (Explosive) પદાર્થ છે. તેમાં વિસ્ફોટ થાય, ત્યારે ખૂબ જ ટૂંકા સમયમાં પુષ્કળ ગરમી અને દબાણ પેદા થાય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, 1 કિલોગ્રામ TNT ફાટવાથી લગભગ 4.184 થી 4.6 મેગાજ્યુલ (MJ) ઊર્જા મુક્ત થાય છે. આપણું વિશ્વ ‘મેટર’ એટલે કે ‘પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન’થી બનેલું છે. એન્ટિમેટર (પ્રતિદ્રવ્ય) તેની બિલકુલ વિરુદ્ધ છે– જેમ કે ‘ઇલેક્ટ્રોન’નું પ્રતિરૂપ ‘પોઝિટ્રોન’ છે. 1928માં વિજ્ઞાની પોલ ડિરેકે તે આગાહી કરી, એ પછી 1932માં પોઝિટ્રોનની શોધ થઈ હતી. જ્યારે ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બંને એકબીજા સાથે અથડાય છે ત્યારે તેઓ સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અને તેમનું સમગ્ર દળ શુદ્ધ ઊર્જામાં ફેરવાઈ જાય છે. અણુબોમ્બમાં માત્ર 0.1% દળની જ ઊર્જા બને છે, પણ અહીં તો 100% દળ E=mc² અનુસાર ઊર્જામાં રૂપાંતરિત થાય છે, જેને લીધે ખૂબ મોટો વિસ્ફોટ થાય છે. આ પ્રક્રિયામાં એન્ટિમેટરનો કોઈ અવશેષ રહેતો નથી.
1 ગ્રામ પ્રતિદ્રવ્ય અને 1 ગ્રામ સામાન્ય દ્રવ્ય મળીને કુલ 2 ગ્રામ દળ થાય છે. આટલું અમસ્તું દળ પણ  ઊર્જામાં ફેરવાય ત્યારે એમાંથી આશરે 1.8 × 10¹⁴ જુલ જેટલી ઊર્જા મળે છે, જે 43 કિલોટન TNT જેટલી થાય છે. હિરોશિમા બોમ્બની સરખામણીમાં આ 3 ગણી વધુ શક્તિ છે.
જો એન્ટિમેટરનો વિસ્ફોટ અમદાવાદ જેવા મહાનગરમાં થાય તો પહેલી જ ક્ષણમાં એક વિશાળ અગનગોળો 500થી 600 મીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ જશે. એનું તાપમાન લાખો ડિગ્રી સેલ્સિયસ હશે, જેને લીધે લોખંડ અને કોંક્રીટ પણ પીગળી જશે. માણસો તો તરત જ વરાળ બનીને ગાયબ થઈ જશે. શોકવેવ 4 થી 5 કિલોમીટરના વિસ્તારમાં મકાનો અને વૃક્ષો સહિતનું બધું તોડી નાખશે. એ વિસ્તારની તમામ સંપત્તિ આગમાં ભસ્મ થઈ જશે.
વિસ્ફોટ જ્યાં થશે ત્યાંથી 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં કંઈ બચશે નહીં. બધી ઇમારતો કાટમાળમાં ફેરવાઈ જશે, બધે આગ લાગશે, કોઈ જીવ બચી નહીં શકે. 2થી 6 કિલોમીટર વચ્ચેના મકાનો ધરાશાયી થઈ જશે, આગ લાગશે. લોકો ગંભીર રીતે દાઝી જશે. હાડકાં ભાંગી જશે. 6થી 15 કિલોમીટર વચ્ચેના વિસ્તારમાં કાચના ટુકડા ઉડશે. આંખો અને કાનને નુકસાન થશે અને હળવી ઇજાઓ થશે. અમદાવાદ જેવા વસ્તીની વધુ ઘનતાવાળા મહાનગરોમાં લાખો લોકો તરત મૃત્યુ પામશે. બીજા લાખો ગંભીર રીતે ઘાયલ થશે.
અણુબોમ્બ ફાટે ત્યારે તાત્કાલિક વિનાશ તો થાય જ છે, પણ લાંબા ગાળે પણ વિનાશનું ચક્ર ચાલતું રહે છે. કિરણોત્સર્ગ ફેલાતાં હવા અને પાણી પ્રદૂષિત થાય છે અને એવા વિસ્તારમાં તાત્કાલિક બચાવ કરવા જનાર પણ કિરણોત્સર્ગનો ભોગ બને છે. જમીનમાં ઉતરી ગયેલા કિરણોત્સર્ગને લીધે વર્ષો સુધી જમીન પ્રદૂષિત રહે છે. ઉદાહરણ- ચેર્નોબિલ.

 

(5:43 PM IST)