<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

વિદેશી હથિયારોને ચીને કરી દીધું બાયબાય : છેલ્લા પાંચ વર્ષમાં બદલાઈ ગઈ સ્થિતિ

હથિયારોની આયાતમાં ૭૨%નો મોટો કાપ મૂકી ચીન બન્યું 'આત્મનિર્ભર':SIPRI ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: વિશ્વના સંરક્ષણ બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. અત્યાર સુધી રશિયા અને પશ્ચિમી દેશો પાસેથી હથિયારો ખરીદતું ચીન હવે પોતે જ 'હથિયાર ફેક્ટરી' બની ગયું છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI) ના તાજા અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૧-૨૫) ચીનની હથિયારોની આયાતમાં ૭૨ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. ચીન હવે બીજા પર આધાર રાખવાને બદલે પોતાના જ ઘરમાં અત્યાધુનિક ડ્રોન, મિસાઈલ અને એન્જિન બનાવી રહ્યું છે.

એક સમયે હથિયારો માટે પડાપડી કરતું ચીન ૧૯૯૧ પછી પહેલીવાર વિશ્વના ટોચના ૧૦ હથિયાર ખરીદનારા દેશોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયું છે. આનો અર્થ એ છે કે ચીને પોતાની સેનાને ઘરઆંગણે બનેલા (Home-grown) શસ્ત્રોથી સજ્જ કરી દીધી છે.

છેલ્લાં ૭૦-૮૦ વર્ષનું સરવૈયું નીકળે તો હથિયારો વેચનારા દેશોના નામમાં બહુ મોટો ફરક પડયો નથી. આ દેશો પાસે વિશ્વયુદ્ધ પછી મોટું માર્કેટ હતું અને આજેય દબદબો જાળવી રાખ્યો છે. હા, એમાં બે-ત્રણ મોટાં પરિવર્તનો દેખાયાં છે. એમાં એક નામ છે ચીન. ૨૦મી સદીના અંત સુધી ચીન હથિયારો આયાત કરતા દેશોમાં ટોચ પર હતું. ૧૯૯૧થી ૨૦૦૫ સુધીનો ટ્રેન્ડ એવો જોવા મળ્યો કે ચીન દર વર્ષે આયાતકાર દેશોમાં પહેલા નંબરે રહેતું હતું. એ પછી ભારત-પાકિસ્તાન-ઈઝરાયલ-તુર્કી-ઈજિપ્ત જેવા દેશોનો સમાવેશ થતો હતો.

૨૧મી સદીમાં ચીને હથિયારો ખરીદવાની પૉલિસી બદલી નાખી. ચીને દેશમાં જ હથિયારો બનાવવાનું મિશન હાથ ધર્યું. ખાસ તો અમેરિકન શસ્ત્ર-સરંજામની બેઠી નકલ કરીને એવાં જ હથિયારો દેશમાં બનાવવાનું શરૂ કર્યું. તેના કારણે શરૂઆતમાં આયાત પર થોડો અંકુશ આવ્યો. આયાતકાર દેશોના લિસ્ટમાંથી ચીને પહેલો નંબર ગુમાવ્યો, પછી બીજો નંબર ગુમાવ્યો, પછી ત્રીજો, ચોથો પાંચમો નંબર પણ ગુમાવી દીધો. છતાં ચીન છેક ૨૦૧૮-૧૯ સુધી ટોપ-૧૦ આયાતકાર દેશમાં સામેલ થતું હતું. પણ એકાએક જિનપિંગની આક્રમક આત્મનિર્ભર પહેલના પરિણામે છેલ્લાં પાંચ વર્ષમાં સ્થિતિ તદ્ન બદલાઈ ગઈ.

(5:25 PM IST)