<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

પુતિનનો ડિજિટલ પ્રહાર: રશિયામાં ChatGPT, Gemini અને Claude પર પ્રતિબંધની તૈયારી: પશ્ચિમી AI મોડલ્સ સામે લાલ આંખ

માહિતીની ચોરી કે રશિયન વિરોધી પ્રચાર? ક્રેમલિનનો મોટો પ્લાન: પશ્ચિમી ‘એઆઈ’ ને બદલે હવે રશિયાનું પોતાનું ‘દેશી AI’ મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી : વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો દબદબો વધી રહ્યો છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોના એઆઈ ટૂલ્સ સામે મોરચો માંડ્યો છે. રશિયન સરકાર હવે ChatGPT (OpenAI), Gemini (Google) અને Claude (Anthropic) જેવા લોકપ્રિય એઆઈ પ્લેટફોર્મ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે. મળતી વિગતો મુજબ, રશિયાને આશંકા છે કે આ પશ્ચિમી એઆઈ મોડલ્સ રશિયન નાગરિકોનો ડેટા ચોરી રહ્યા છે અને તેનો ઉપયોગ જાસૂસી માટે થઈ શકે છે. ઉપરાંત, રશિયન સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ એઆઈ ચેટબોટ્સ રશિયા-યુક્રેન યુદ્ધ અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દે રશિયન વિરોધી માનસિકતા (Propaganda) ફેલાવી રહ્યા છે.

આ નિયમો 2027 સુધી અમલમાં આવશે તો રશિયાના ઘણા યુઝર્સ OpenAI અને Google જેવી કંપનીઓના લોકપ્રિય AI મોડલનો ઉપયોગ નહીં કરી શકશે. રશિયાના ડિજિટલ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે આ પગલાં નાગરિકોને ગુપ્ત રીતે થતી અસર અને ભેદભાવભર્યા અલ્ગોરિધમ્સથી સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી રહ્યા છે. એક્સપર્ટ્સ માની રહ્યા છે કે આવા પગલાં સ્થાનિક ટેક્નોલોજી જેવી કે Yandexના AI માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ નિયમો રશિયાના ડિજિટલ ક્ષેત્રને વધુ સ્વતંત્ર બનાવવાના મોટા પ્રયત્નનો ભાગ છે, જે સરકારના કહેવાતા પરંપરાગત રશિયન આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો અનુસાર કામ કરે છે. મોટાભાગના AI મોડલ તેમની ઇચ્છા મુજબ કામ કરે છે અને તેમની કોઈ નૈતિકતા નથી. જોકે રશિયાના AI મોડલમાં તેમના દેશના મૂલ્યોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ નિયમો રશિયાના ડિજિટલ વિકાસ મંત્રાલય દ્વારા ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યા છે. રશિયામાં AI ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે અને તેથી જ આ નિયમ દ્વારા મોસ્કોને એના પર ખૂબ જ કંટ્રોલ મળશે. એ નિયમ દ્વારા રશિયાનો હેતુ અન્ય દેશોના AI ડોમિનેટ ન કરે તે માટે સ્વતંત્ર ઇન્ટરનેટ એક્સેસ તેમના લોકોને આપવાનો છે.

આ નિયમોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે રશિયન ફેડરેશનના કાયદા મુજબ તેઓ ચોક્કસ પરિસ્થિતિઓમાં રશિયાની બહારની કોઈ પણ AI ટેક્નોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ અથવા તો એને મર્યાદિત કરી શકે છે. આ પગલું સ્થાનિક પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવા અને પશ્ચિમી ટેક્નોલોજી પર નિર્ભરતા ઘટાડવા માટેના મોટા પ્રયાસનો ભાગ છે. રશિયા હવે અમેરિકા પર કોઈ પણ રીતે નિર્ભર રહેવા નથી માગતું. આથી તેઓ પોતાના સોશિયલ મીડિયા થી લઈને પોતાની ટેક્નોલોજી અને પોતાના AI પર ફોકસ કરી રહ્યા છે.

 

(5:42 PM IST)