News of Tuesday, 24th March 2026
વધતા વૈશ્વિક તણાવ વચ્ચે કિમ જોંગ ઉનની ગર્જના: ઈરાન પરના હુમલા બાદ ઉત્તર કોરિયાના તાનાશાહે પરમાણુ શક્તિનું મહત્વ સમજાવ્યું
"પરમાણુ હથિયારો રાખવાનો અમારો નિર્ણય સો ટકા સાચો હતો": ઈરાનની સ્થિતિ જોઈ કિમ જોંગે પશ્ચિમી દેશો અને અમેરિકાને આડકતરો ઈશારો કર્યો:વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે ઉત્તર કોરિયાની આક્રમક રણનીતિ: પોતાની સુરક્ષા માટે પરમાણુ શસ્ત્રો જ એકમાત્ર શસ્ત્ર હોવાનો કિમ જોંગનો દાવો, વૈશ્વિક રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી :ઈરાન પર થયેલા તાજેતરના હુમલા બાદ વિશ્વભરમાં ફફડાટ વ્યાપ્યો છે, ત્યારે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને એક અત્યંત વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપ્યું છે. કિમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈરાનની વર્તમાન સ્થિતિ સાબિત કરે છે કે ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારો વિકસાવવાનો જે નિર્ણય લીધો હતો તે એકદમ સાચો અને સમયસરનો હતો. કિમ જોંગે વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈ દેશ પાસે પરમાણુ તાકાત ન હોય તો શક્તિશાળી દેશો તેને ગમે ત્યારે નિશાન બનાવી શકે છે. આ નિવેદનથી અમેરિકા અને પશ્ચિમી દેશોમાં ફરી એકવાર ચિંતાની લહેર પ્રસરી છે. ખાસ કરીને જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે, ત્યારે ઉત્તર કોરિયાનું આ વલણ એશિયા અને વિશ્વની સુરક્ષા માટે નવા પડકારો ઊભા કરી શકે છે.
કિમ જોંગ ઉને વર્ષ 2019માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત નિષ્ફળ ગયા પછી પરમાણુ શક્તિ વધારવાના નિર્ણયને તેમનું સૌથી શ્રેષ્ઠ કદમ ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે નોર્થ કોરિયા હવે અમેરિકા વિરુદ્ધના એકજૂથ મોરચામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે. જોકે, તેમણે ટ્રમ્પનું નામ સીધું લીધું ન હતું, પરંતુ એટલું જરૂર કહ્યું કે વિરોધીઓ શાંતિ ઈચ્છે છે કે સંઘર્ષ, તે તેમના પર નિર્ભર છે. નોર્થ કોરિયા હવે વધુ શક્તિશાળી મિસાઈલો અને પરમાણુ હથિયારો બનાવીને પોતાની સુરક્ષા અભેદ્ય કરવા માંગે છે, જેથી તે આર્થિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
નોંધનીય છે કે નોર્થ' કોરિયા પાસે હાલમાં અમેરિકા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતી 'હ્વાસૉંગ-15' અને 'હ્વાસૉંગ-18' જેવી ખતરનાક આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલો(ICBM) છે, જેની રેન્જ 10,000થી 15,000 કિલોમીટર સુધીની માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, નોર્થ કોરિયા પાસે લગભગ 50થી 100 જેટલા પરમાણુ હથિયારો લઈ જઈ શકે તેવી મિસાઈલો હોઈ શકે છે. કિમે લીબિયા અને ઈરાકનું ઉદાહરણ આપતા કહ્યું કે જો તેમની પાસે પરમાણુ શક્તિ હોત તો તેમનો અંત આવો ન આવ્યો હોત. હવે જ્યારે ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા છે, ત્યારે કિમે સ્પષ્ટ કર્યું છે કે વાતચીત ત્યારે જ શક્ય છે જ્યારે અમેરિકા સત્તાવાર રીતે નોર્થ કોરિયાને પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્ર તરીકે માન્યતા આપે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
