News of Tuesday, 24th March 2026
સાવધાન! મોબાઈલ પર આવતો 'સાઈલેન્ટ કોલ' ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ: AI સ્કેમનો નવો ખતરો
માત્ર થોડી સેકન્ડનો તમારો અવાજ ચોરી કરી આબેહૂબ નકલ તૈયાર કરે છે આધુનિક AI ટેકનોલોજી: અજાણ્યા નંબર પરથી આવતા કોલ ઉપાડતા પહેલા સો વાર વિચારજો:વોઈસ કોલિંગ દ્વારા પરિવારના સભ્ય બનીને લાખોની ઠગાઈનું નવું મોડસ ઓપરેન્ડી: સાઈલેન્ટ કોલથી બચવા અને તમારી ડિજિટલ પ્રાઈવસી જાળવવા માટે જાણો નિષ્ણાતોની સલાહ

નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં સાયબર અપરાધીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ઠગાઈના નવા રસ્તા અપનાવી રહ્યા છે, જેમાં 'સાઈલેન્ટ કોલ' સૌથી મોટો ખતરો બનીને ઉભર્યો છે. આ સ્કેમમાં તમને અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને તમે જેવું 'હેલો' બોલો કે તરત જ સામેથી કોઈ જવાબ આપ્યા વિના કોલ કટ થઈ જાય છે. આ થોડી સેકન્ડોમાં AI સોફ્ટવેર તમારા અવાજના નમૂના (વોઈસ સેમ્પલ) રેકોર્ડ કરી લે છે. ત્યારબાદ આ અવાજને ક્લોન કરીને તમારા સગા-સંબંધીઓને કોલ કરવામાં આવે છે અને કોઈ ઈમરજન્સી કે અકસ્માતનું બહાનું બતાવી પૈસા પડાવવામાં આવે છે. નિષ્ણાતોના મતે, અજાણ્યા નંબર પરથી આવતા શંકાસ્પદ કોલ ઉપાડવાનું ટાળવું જોઈએ અને જો ઉપાડો તો તરત જ કોઈ અંગત માહિતી શેર ન કરવી જોઈએ. ટેકનોલોજીના આ યુગમાં સતર્કતા જ સૌથી મોટું હથિયાર છે.
સ્કેમર સાઈલેન્ટ કોલ કરે છે, ત્યારે તે સામાન્ય રીતે સામેની વ્યક્તિના બોલવાની રાહ જુએ છે. મોટા ભાગના લોકો સ્વાભાવિક રીતે “હેલો” કહે છે અથવા કોલ કનેક્ટ થયો છે કે નહીં તે ચેક કરે છે, અને આ બધું રેકોર્ડ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ થોડા સેકન્ડના અવાજના સેમ્પલથી પણ અવાજને પ્રોસેસ કરીને નકલ કરી શકે છે. એટલું જ નહીં, સ્કેમર્સ યુઝર્સના બોલવાના અંદાજ, અવાજનો ટોન, આત્મવિશ્વાસ અને સંકોચ જેવા પાસાઓને પણ એનાલાઇઝ કરે છે. આથી તેઓ આગામી પરિસ્થિતિમાં યુઝરની પ્રતિક્રિયા કેવી રહેશે તે જાણી શકે છે.
સમય જતાં સ્કેમર્સ યુઝરની કોલ ઉઠાવવાની આદતો અને પ્રતિભાવનો સમય ટ્રેક કરી શકે છે. આ માહિતીના આધારે તેઓ વધુ ટાર્ગેટેડ સ્કેમ તૈયાર કરે છે, જેમ કે કોઈની નકલ કરીને કોલ કરવો અથવા તાત્કાલિક છેતરપિંડીના પ્રયાસો વગેરે દ્વારા કરવામાં આવી શકે છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારના કોલનો શિકાર બની શકે છે, પરંતુ કેટલાક લોકો વધુ સંવેદનશીલ હોય છે. વૃદ્ધ લોકો શું ચાલી રહ્યું છે તે સમજવા માટે વધુ સમય સુધી કોલ પર રહે છે, જ્યારે માતા-પિતા કોઈ અજીબ લાગણી થાય તો તરત પ્રતિક્રિયા આપે છે. આથી યુઝરના અવાજનો ઉપયોગ કરીને તેમની ફેમિલીને પણ ટાર્ગેટ કરી શકાય છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
