<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અવકાશમાં માનવજાતનો વિજયધ્વજ: નાસાનું વોયેજર-1 પૃથ્વીથી 'એક પ્રકાશ દિવસ' દૂર પહોંચીને રચશે નવો ઈતિહાસ

અનંત બ્રહ્માંડની સફરે નીકળેલું યાન હવે ૨૪ અબજ કિલોમીટરથી પણ દૂર: ૧૯૭૭માં લોન્ચ થયેલું વોયેજર-1 સૌરમંડળની સરહદો વટાવી ગયું:પૃથ્વી પરથી મોકલેલા સિગ્નલને યાન સુધી પહોંચતા જ ૨૪ કલાકનો સમય લાગશે:ટેકનોલોજીની અદ્ભુત સિદ્ધિ સાથે બ્રહ્માંડના રહસ્યો ખોલતું નાસાનું સૌથી જૂનું અને પરાક્રમી મિશન

નવી દિલ્હી: વિજ્ઞાન અને ટેકનોલોજીના ઈતિહાસમાં આજે એક સુવર્ણ અક્ષરે લખાનારી ઘટના બનવા જઈ રહી છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનું પ્રખ્યાત યાન 'વોયેજર-1' હવે પૃથ્વીથી એટલું દૂર નીકળી ગયું છે કે તે 'વન લાઈટ ડે' (એક પ્રકાશ દિવસ) ના અંતરને સ્પર્શવા જઈ રહ્યું છે. આ અંતરનો અર્થ એ થાય કે પ્રકાશની ગતિએ મુસાફરી કરતા સિગ્નલને પણ પૃથ્વી પરથી આ યાન સુધી પહોંચતા આખા ૨૪ કલાકનો સમય લાગશે. છેલ્લા ૪૮ વર્ષથી સતત મુસાફરી કરી રહેલું આ યાન અત્યારે પૃથ્વીથી આશરે ૨૪ અબજ કિલોમીટર કરતા પણ વધુ દૂર છે. આટલા લાંબા સમય અને અંતર છતાં, વોયેજર-1 હજુ પણ પૃથ્વી સાથે સંપર્કમાં છે અને મહત્ત્વપૂર્ણ ડેટા મોકલી રહ્યું છે. સૌરમંડળના ગ્રહોની મુલાકાત લીધા બાદ હવે આ યાન ઈન્ટરસ્ટેલર સ્પેસ (તારાઓ વચ્ચેની ખાલી જગ્યા) માં આગળ વધી રહ્યું છે, જે માનવ નિર્મિત કોઈપણ વસ્તુ માટે અત્યાર સુધીનું સૌથી લાંબુ અંતર છે.

વોયેજર-૧ હાલ પૃથ્વીથી લગભગ ૨૫.૮ અબજ કિમી દૂર છે. એક પ્રકાશ દિવસ એટલે કે, ૨૫.૯ અબજ કિમીનું અંતર, કે જે વોયેજર-૧ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં કાપી લેશે તેવો નાસાનો અંદાજ છે. વોયેજર-૧ને અત્યારે રેડિયો સિગ્નલ મોકલવામાં આશરે ૨૩ કલાક અને ૪૦ મિનિટનો સમય લાગે છે. નવેમ્બર ૨૦૨૬ સુધીમાં આ સમય વધીને પૂરા ૨૪ કલાક થઈ જશે. આ યાનને મૂળ ગુરુ અને શનિ જેવા ગ્રહોનો અભ્યાસ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૧૨માં તે સૌરમંડળની સીમા ઓળંગીને ઈન્ટરસ્ટેલર સ્પેસમાં પ્રવેશ કરનારું પહેલું યાન બન્યું હતું. મોબાઈલ ફોન કરતા પણ જૂની ટેકનોલોજીથી બનેલા યાનનું હાલમાં પણ કાર્યરત હોવું એક ચમત્કાર સમાન છે. જોકે તેની પ્લુયોનિયમ બેટરી ધીમે ધીમે ઓછી થઈ રહી છે, તેમ છતાં તે સતત ડેટા મોકલી રહ્યુંં છે.  વૈજ્ઞાાનિકોના મતે, વોયેજર-૧ની બેટરી ૨૦૩૦ના દાયકા સુધીમાં પૂરી થઈ શકે છે. ત્યારબાદ તે પૃથ્વી સાથેનો સંપર્ક ગુમાવી દેશે. પરંતુ, તેની મુસાફરી અટકશે નહીં. તે આવનારા હજારો વર્ષો સુધી બ્રહ્માંડની સફર ચાલુ રાખશે. આ યાન પોતાની સાથે ગોલ્ડન રેકોર્ડ પણ લઈ ગયું છે. જેમાં, વિવિધ અવાજો, મ્યુઝિક અને ૫૫ ભાષામાં અભિવાદન સામેલ છે. જેમાં, ગુજરાતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

(7:34 PM IST)