News of Wednesday, 1st April 2026
ભડભડતી ગરમીમાં ઘર બનશે 'કાશ્મીર': એસીના તોતિંગ બિલ વગર પણ ઘરને ઠંડું રાખવાના અક્સીર નુસખા
સૂર્યદેવના પ્રકોપ સામે દેશી 'જુગાડ': બપોરે બારી-બારણા બંધ રાખી ગરમીને મ્હાત આપો:પડદા પલાળીને રાખશો તો લૂ પણ ડરી જશે: લાઈટ-પંખાના બિનજરૂરી વપરાશથી બચો: ટેરેસ પર સફેદ ચૂનો કે ગ્રીન નેટ લગાવી 'સ્માર્ટ' બનો:આંતરિક તાપમાન ઘટાડવા માટે ઈન્ડોર પ્લાન્ટ્સ અને માટીના માટલાની કમાલ: વીજળીના બિલમાં થશે મોટો ઘટાડો અને સ્વાસ્થ્ય પણ જળવાશે: હોસ્પિટલના ખર્ચથી બચવા અને કુદરતી ઠંડક મેળવવા આટલું તો કરવું જ પડશે

નવી દિલ્હી: ઉનાળો હવે ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે અને ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચવાની તૈયારીમાં છે. મધ્યમવર્ગીય પરિવારો માટે ૨૪ કલાક એસી ચલાવવું ખિસ્સા પર ભારે પડી શકે છે, ત્યારે કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો છે જેનાથી તમે એસી વગર પણ ઘરને ઠંડક આપી શકો છો. નિષ્ણાતોના મતે, સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી ઘરની પશ્ચિમ દિશાની બારીઓ બંધ રાખવી જોઈએ અને જાડા પડદા લગાવવા જોઈએ. જો પડદાને હળવા પલાળી રાખવામાં આવે, તો બહારથી આવતી હવા કુદરતી રીતે ઠંડી થઈ જશે. આ ઉપરાંત, છત પર સફેદ પેઈન્ટ કે ચૂનો કરવાથી સૂર્યના કિરણો પરાવર્તિત થાય છે અને નીચેના રૂમમાં ગરમી ઓછી લાગે છે. ઘરમાં મનીપ્લાન્ટ, એલોવેરા કે સ્નેક પ્લાન્ટ જેવા છોડ રાખવાથી ઓક્સિજન વધે છે અને વાતાવરણ ઠંડું રહે છે. રાત્રિના સમયે ક્રોસ વેન્ટિલેશન ચાલુ રાખવાથી આખા દિવસની ગરમી બહાર નીકળી જાય છે. ટોપ ફ્લોરને ઠંડુ રાખવા માટે સૌથી અસરકારક ઉપાય વ્હાઇટ કૂલ રૂફ પેન્ટ છે. ગરમી વધતા પહેલા છત પર ચૂનો અથવા ખાસ 'હીટ રિફ્લેક્ટિવ પેન્ટ' લગાવવાથી સૂર્યના કિરણો રિફ્લેક્ટ થાય છે, જેનાથી ઘરના તાપમાનમાં 4°Cથી 5°C સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય છત પર નાનું ટેરેસ ગાર્ડન બનાવવો પણ ફાયદાકારક છે. કુંડા અને ક્યારીઓમાં રહેલી માટી અને છોડ ગરમીને શોષી લે છે, જેના પરિણામે નીચેનો રૂમ ઠંડો રહે છે. રાત્રે ઠંડક મેળવવા માટે સાંજે છત પર ઘાસની ચટાઈ બિછાવી તેના પર પાણીનો છંટકાવ કરવો જોઈએ. ઘરની અંદરની ગરમ હવા બહાર કાઢવા માટે વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બપોરના સમયે કિચન અને બાથરૂમના એક્ઝોસ્ટ ફેન ચલાવવાથી અંદર જમા થયેલી ગરમ હવા બહાર નીકળી જાય છે. રાત્રિના સમયે જ્યારે બહારનું તાપમાન ઘટે ત્યારે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ જેથી તાજી હવા અંદર આવી શકે. આ ઉપરાંત, સાંજના સમયે નિયમિતપણે છત પર પાણીનો છંટકાવ કરવાથી પણ રૂમને ઠંડો રાખવામાં મોટી મદદ મળે છે. આ નાની પણ મહત્ત્વની સાવચેતીઓ રાખીને તમે ઉનાળામાં પણ તમારા ઘરને ઠંડકભર્યું બનાવી શકો છો.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
