<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

વૈશ્વિક ફાયનાન્સ માર્કેટમાં ડ્રેગનનો અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક ધડાકો: ચીને સતત ૧૯ મહિના સુધી ટનબંધ સોનું ખરીદતાં અમેરિકન ડૉલરના સામ્રાજ્યના પાયા હલ્યા: વિશ્વભરના આર્થિક સમીકરણો રાતોરાત બદલાયા

અમેરિકાના આર્થિક પ્રતિબંધો અને ડૉલરના દબદબાને માત આપવા ચીનનો માસ્ટરસ્ટ્રોક: વૈશ્વિક બજારમાં સોનાના ભાવો આસમાને પહોંચાડવામાં પેકિંગનો મોટો હાથ: પશ્ચિમી અર્થતંત્રોમાં ફફડાટ

નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્રમાં સુપરપાવર અમેરિકાની આર્થિક પકડ ઢીલી કરવા માટે ચીને પડદા પાછળ એક અત્યંત આયોજનબદ્ધ અને રાક્ષસી કૂટનીતિ અંજામ આપી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. વૈશ્વિક નાણાકીય એજન્સીઓના પાકા અહેવાલ મુજબ, ચીનની સેન્ટ્રલ બેંકે કાયદા અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોની પરવા કર્યા વિના સતત ૧૯મા મહિના સુધી આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી સોનાના અબજો રૂપિયાના અનામત જથ્થાની આક્રમક ખરીદી ચાલુ રાખી છે. આ અંધાધૂંધ ખરીદી પાછળ ચીનનો મુખ્ય હેતુ પોતાના અર્થતંત્રને 'ડી-ડૉલરાઇઝેશન' (De-dollarization) તરફ લઈ જવાનો અને ભવિષ્યમાં અમેરિકા સાથે થનારા કોઈ પણ ભૌગોલિક તણાવ કે યુદ્ધની સ્થિતિમાં પોતાના અનામત ભંડારને સુરક્ષિત કરવાનો છે. ચીનના આ આક્રમક પેતરાને કારણે વૈશ્વિક સેન્ટ્રલ બેંકોમાં પણ સોનાનો સંગ્રહ કરવાની હોડ જામી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવો અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે અને પશ્ચિમી દેશો આ આર્થિક યુદ્ધ સામે બિલકુલ લાચાર દેખાઈ રહ્યા છે!
મેના અંત સુધીમાં ચીનના સ્વર્ણ ભંડારનું મૂલ્ય વધીને ૩૪૦.૭૫ અબજ ડોલર થઈ ગયું છે. બજાર વિશેષજ્ઞાો અનુસાર ડિસેમ્બર ૨૦૨૪ પછી આ ચીનની સૌથી મોટી માસિક ખરીદદારી છે. લગાતાર દોઢ વર્ષ કરતા વધુ સમયથી દર મહિને સોનાની ખરીદી એ વાતનો સંકેત છે કે ચીન પોતાની આરક્ષિત સંપતિને મજબૂત કરીને દીર્ઘકાલીન નીતિ પર કામ કરી રહ્યું છે. આને ૨૦૧૫ પછી ચીનની સૌથી લાંબી ખરીદ શ્રુંખલા પણ ગણવામાં આવી રહી છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો પર દબાણ વધી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટ નિષ્ફળ રહેવાથી તેલની કિંમતોમાં વૃદ્ધિ અને મોંઘવારીની આશંકાને કારણે અમેરિકી ડોલર મજબૂત બન્યો છે. તેના પરિણામે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં ચીને કિંમતમાં ઘટાડાને તક સમજીને પોતાની ખરીદી જારી રાખી છે, જેનાથી તેના વ્યૂહાત્મક અભિગમની જાણકારી મળે છે.
વિશેષજ્ઞાોના મતે ચીનની આ નીતિ માત્ર રોકાણ સુધી સીમિત નથી, પણ અમેરિકી ડોલર પર નિર્ભરતા ઓછી કરવાની વ્યાપક આર્થિક યોજનાનો હિસ્સો છે. ચીન પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં વૈવિધ્ય લાવવા સોના જેવી સુરક્ષિત સંપતિમાં રોકાણ વધારી રહ્યું છે. સાથે જ તેનો વિદેશી મુદ્રા ભંડાર પણ વધીને ૩.૪૪૨૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, જે ૨૦૧૫ પછીનું ઉચ્ચતમ સ્તર છે. આ પગલુ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીનની આર્થિક શક્તિ અને પ્રભાવને વધુ મજબૂત કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

 

(5:48 PM IST)