<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

અમેરિકામાં ભારે દુર્ઘટના: આર્મીનું અત્યાધુનિક ‘અપાચે’ હેલિકોપ્ટર ક્રેશ:ધડાકાભેર ખેતરમાં ખાબકતાં બંને પાયલટના કરુણ મોત

સુપરપાવર યુએસએની લશ્કરી છાવણીમાં શોકની કાલીમા: રૂટિન ટ્રેનિંગ દરમિયાન સર્જાયો ભયાનક અકસ્માત: હેલિકોપ્ટરના રમકડાની જેમ કૂચેકૂચા ઉડી ગયા

નવી દિલ્હી :અમેરિકામાંથી એક અત્યંત માઠા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ આર્મીનું સૌથી શક્તિશાળી અને આધુનિક ગણાતું 'એએચ-૬૪ અપાચે' (AH-64 Apache) એટેક હેલિકોપ્ટર એક તાલીમ ઉડાન દરમિયાન ભયાનક રીતે ક્રેશ થઈ ગયું છે. આ અકસ્માત એટલો સખત હતો કે હેલિકોપ્ટર જમીન પરના એક ખેતરમાં સીધું ખાબકતાં જ તેમાં સવાર બંને સૈન્ય પાયલટોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.

બેલ કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા ક્લિફ કોલમેને હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી બંને મૃતક પાયલટોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરનો મલબો દૂર દૂર સુધી વિખેરાઈ ગયો હતો. સદનસીબે હેલિકોપ્ટર નીચે ખાબકતી વખતે કોઈ મકાન કે અન્ય ઈમારત સાથે અથડાયું નહોતું. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

અપાચે હેલિકોપ્ટર ઓપરેશન દરમિયાન અચાનક કેમ નીચે ખાબક્યું તેનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી. ફોર્ટ હૂડની 'ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન' દ્વારા આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે. ફોર્ટ હૂડના કાર્યવાહક કમાન્ડિંગ જનરલ બ્રિગેડિયર જનરલ એથન ડિવેન અને ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ દુર્ઘટના પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી છે.

(6:20 PM IST)