News of Monday, 13th July 2026
અખતરો કાળ બન્યો: રશિયામાં મિલિટરી હેલિકોપ્ટરની ગનનું ટેસ્ટિંગ કરતા જ અચાનક ફાયરિંગ શરૂ: આસપાસ દોડધામ
વાયરલ વીડિયોમાં કેદ થઈ ભયાનક ક્ષણો:હથિયાર બેકાબૂ બનતા સૈન્ય એન્જિનિયરો જીવ બચાવવા ભાગ્યા: રશિયન સંરક્ષણ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે શક્તિશાળી ગણાતી રશિયન સેનાના હથિયારો અવારનવાર દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે, પરંતુ આ વખતે તેમનું એક ઘાતક હથિયાર પોતાના જ એરબેઝ પર ભારે પડી ગયું છે. રશિયાના એક લશ્કરી મથક પર એન્જિનિયરો દ્વારા એટેક હેલિકોપ્ટરની મુખ્ય કેનન ગનનું ગ્રાઉન્ડ કેલિબ્રેશન અને લાઈવ ફાયરિંગ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન સિસ્ટમમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા ડિજિટલ ગ્લિચ સર્જાઈ હતી.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સૈનિકો સોવિયત કાળના Mi-24 અટેક હેલિકોપ્ટરની ખાસ 'YakB-12.7' મશીનગનને જમીન પર ફિટ કરીને ટેસ્ટ કરી રહ્યા હતા. ફાયરિંગ શરૂ થતાં જ ગનના જોરદાર રિકોઈલ (પાછળ તરફ લાગતો ધક્કો)ના કારણે આખું માઉન્ટિંગ ઉખડી ગયું હતું. મશીનગન હવામાં ગોળ-ગોળ ઘૂમવા લાગી હતી અને ત્યાં ઊભેલા સૈનિકો તરફ વળી ગઈ હતી. આ અકસ્માતમાં એક સૈનિક તો છેલ્લી સેકન્ડે કૂદીને માંડ બચી શક્યો હતો.
આ હથિયાર 4 બેરલ વાળી ગેસ ઓપરેટેડ ગન છે, જે 12.7x108 mmના રાઉન્ડ વાપરે છે. તે 1 મિનિટમાં 4000થી 5000 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. હેલિકોપ્ટરનું મજબૂત માળખું આ ગનના ધ્રુજારી અને ધક્કાને સહન કરી લે છે, પરંતુ જમીન પર સામાન્ય સ્ટેન્ડ આ દબાણ ઝીલી શક્યું નહીં અને ગન આપમેળે ઘૂમવા લાગી હતી. આ ઘટના કોઈ ટ્રેનિંગ સેશન દરમિયાન બની હોવાનું મનાય છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં સસ્તા ડ્રોન મોટા હથિયારો માટે મોટો પડકાર બન્યા છે. તેનાથી બચવા માટે રશિયન સેના જૂના અને હેલિકોપ્ટરના હથિયારોને જમીન પર 'મોબાઈલ એન્ટી-ડ્રોન સિસ્ટમ' તરીકે વાપરવાનો નવો પ્રયોગ કરી રહી છે. લાંબા યુદ્ધ અને સંસાધનોની અછત વચ્ચે આ પ્રકારની વ્યૂહરચના સુરક્ષાના મોટા જોખમો પણ ઊભા કરે છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
