<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ટેકનોલોજીની દુનિયામાં મહાક્રાંતિ: દેખાવમાં સામાન્ય ચશ્મા પણ કામમાં સુપર કમ્પ્યુટર જેવા: સેમસંગે લોન્ચ કર્યા AI ગ્લાસીસ

ગૂગલ પ્લેટફોર્મ સાથે હાથ મિલાવીને તૈયાર કર્યા અત્યાધુનિક સ્માર્ટ ગ્લાસીસ: આંખ સામે જ મળશે પલકવારમાં તમામ માહિતી

નવી દિલ્હી: વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની સેમસંગે સ્માર્ટ ગેજેટ્સની દુનિયામાં એક નવો અધ્યાય શરૂ કરતાં ગૂગલ પ્લેટફોર્મની મદદથી અત્યાધુનિક AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ગ્લાસીસ તૈયાર કર્યા છે; જોવામાં એકદમ સામાન્ય અને હળવા વજનના લાગતા આ ચશ્મા કામગીરીમાં કોઈ સુપર કમ્પ્યુટરથી કમ નથી, જેમાં રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ યુઝરને રિયલ ટાઈમ ટ્રાન્સલેશન, નેવિગેશન અને ફેસ રેકોગ્નિશન જેવી અસંખ્ય સુવિધાઓ સીધી જ આંખો સામે ડિસ્પ્લે કરી આપશે; ટેક નિષ્ણાતોના મતે સેમસંગ અને ગૂગલની આ યુગલબંધી વેરેબલ ટેકનોલોજી ક્ષેત્રે મોટો બદલાવ લાવશે અને આગામી સમયમાં આ AI સ્માર્ટ ગ્લાસીસ સ્માર્ટફોનની જરૂરિયાતને પણ સીમિત કરી દેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ગૂગલના Android XR પ્લેટફોર્મ પર આધારિત આ સ્માર્ટ ગ્લાસીસ Gemini AI સપોર્ટ સાથે આવે છે, જે વોઇસ કમાન્ડ, જેસ્ચર્સ અને વિઝ્યુઅલ ઇનપુટ્સના આધારે કોન્ટેક્સ્ટ-અવેર મદદ પૂરી પાડે છે.

સેમસંગના આ ઇન્ટેલિજન્ટ આઇવેઅરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે અત્યાધુનિક AI ક્ષમતાઓ ધરાવતું હોવા છતાં લુકમાં બિલકુલ ટ્રેડિશનલ ચશ્મા જેવું જ દેખાય છે. ચશ્માની સાઇઝ અને આકર્ષક ડિઝાઇનને જાળવી રાખવા માટે તેમાં ક્વાલકોમનું પાવરફુલ 'Snapdragon AR1 Gen 1' પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, જે ખાસ કરીને કોમ્પેક્ટ ઓગમેન્ટેડ રિયાલિટી ડિવાઇસીસ માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે.

કંપનીના દાવા અનુસાર, આ સ્માર્ટ ગ્લાસીસ સિંગલ ચાર્જ પર 9 કલાક સુધીનો પાવર બેકઅપ આપે છે. એટલું જ નહીં, આ ડિવાઇસ સાથે એક ખાસ ચાર્જિંગ કેસ પણ મળે છે, જે ચશ્માને 7 વખત ફુલ ચાર્જ કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી યુઝર્સ લાંબી મુસાફરી દરમિયાન પણ બેટરીની ચિંતા વિના તેનો ઉપયોગ કરી શકે.

આ સ્માર્ટ ગ્લાસીસમાં ઇન-બિલ્ટ કેમેરા આપવામાં આવ્યો છે, જેની મદદથી Gemini AI યુઝર જે વસ્તુ તરફ જોઈ રહ્યો છે તેને તુરંત સમજી લે છે અને રિયલ-ટાઇમમાં જરૂરી વિગતો કે આસિસ્ટન્સ સ્ક્રીન પર રજૂ કરે છે.

યુઝર્સ વોઇસ કમાન્ડ અને સપોર્ટેડ જેસ્ચર કંટ્રોલ વડે ડિવાઇસ ઓપરેટ કરી શકે છે. આ ચશ્મા લાંબા મેસેજીસને ટૂંકમાં સમરાઇઝ કરી શકે છે, મહત્ત્વની નોટિફિકેશન્સ મોટેથી વાંચી સંભળાવે છે અને વાતો ચાલતી હોય ત્યારે જ લાઈવ કન્વર્ઝેશનનું રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન કરી આપે છે. આ સિવાય, યુઝર્સ વારંવાર ફોન ચેક કર્યા વગર માત્ર ચશ્માની મદદથી જ રસ્તા પર નેવિગેશન ગાઇડન્સ મેળવી શકે છે.

(4:30 PM IST)