News of Friday, 17th April 2026
AI ની દુનિયામાં અલીબાબાનો ‘જાદુ’: હવે લખાણ લખતા જ સેકન્ડોમાં તૈયાર થઈ જશે ૩-ડી દુનિયા: ટેક જગતમાં ભારે હલચલ
કલ્પના હવે વાસ્તવિકતા બનશે: અલીબાબાનું નવું એઆઈ મોડલ ગેમિંગ અને ફિલ્મી દુનિયાને બદલી નાખશે:ડિઝાઈનરોની છુટ્ટી થઈ જશે?

નવી દિલ્હી: ચીનની દિગ્ગજ ટેક કંપની અલીબાબાએ એક એવું આશ્ચર્યજનક એઆઈ (AI) મોડલ લોન્ચ કર્યું છે જે ટેક્સ્ટ-ટુ-થ્રીડી (Text-to-3D) જનરેશનમાં ક્રાંતિ લાવશે. અત્યાર સુધી આપણે એઆઈ પાસે ફોટા કે વીડિયો બનાવતા જોયા હતા, પણ હવે અલીબાબાનું આ મોડલ માત્ર તમારા શબ્દો વાંચીને આખેઆખું ૩-ડી વાતાવરણ, પાત્રો અને મોડેલ્સ તૈયાર કરી આપશે.
જો તમે લખશો કે "પર્વતોની વચ્ચે એક નાનકડું લાકડાનું ઘર અને વહેતી નદી," તો આ એઆઈ સેકન્ડોમાં તેની ૩-ડી ડિઝાઈન તૈયાર કરી દેશે જેને તમે ચારે બાજુથી જોઈ શકશો. આ ટેકનોલોજીથી વીડિયો ગેમ્સ બનાવવી, આર્કિટેક્ચર ડિઝાઈન અને એનિમેશન ફિલ્મો બનાવવાનું કામ પળવારમાં થઈ જશે. નિષ્ણાતોનું માનવું છે કે આ શોધથી ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરતા લાખો લોકોની કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે.
કંપનીના જણાવ્યા મુજબ, આ મોડલ પરંપરાગત એઆઈ વીડિયો જનરેટરથી અલગ છે. સામાન્ય ટૂલ્સમાં એક વખત પ્રોમ્પ્ટ આપ્યા પછી વીડિયો તૈયાર થાય છે. જ્યારે હેપ્પી ઓઈસ્ટર સતત બદલાતી અને યુઝરના કંટ્રોલ હેઠળ ચાલતી ૩ડી દુનિયા બનાવે છે.
આ મોડલમાં બે મુખ્ય મોડ આપવામાં આવ્યા છે. ડિરેક્ટિંગ મોડમાં યુઝર કેમેરા એંગલ, પાત્રો અને દ્રશ્યોેને તરત જ બદલી શકે છે. જ્યારે, વેન્ડરિંગ મોડમાં એક પ્રોમ્પ્ટ પરથી તૈયાર થયેલી દુનિયામાં યુઝર ફરી શકે છે અને નવા દ્રશ્યોને શોધી શકે છે.
કંપનીનું કહેવું છે કે આ ટેકનોલોજી ફિલ્મમેકિંગ, ગેમ ડેવલપમેન્ટ, સ્ટોરીબોર્ડિંગ અને ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ બનાવવા માટે ઉપયોગી બની શકે છે. રીઅલ-ટાઈમમાં દ્રશ્યો બદલવાની ક્ષમતા તેને ક્રિએટિવ સેક્ટર માટે મહત્વપૂર્ણ સાધન બનાવી શકે છે. હાલમાં, હેપ્પી ઓઈસ્ટર સીમિત યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. તેના ટ્રાયલ માટે વેઇટલિસ્ટ સિસ્ટમ રાખવામાં આવી છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
