<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

એન્ટાર્કટિકાનું ૧૦૦ વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું: બરફના પહાડો વચ્ચેથી કેમ વહે છે લોહી જેવું લાલ પાણી? વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો

'બ્લડ ફોલ્સ' પાછળ કોઈ કુદરતી શ્રાપ કે પરગ્રહવાસીઓ નથી, પરંતુ કરોડો ટન લોખંડના કણો જવાબદાર: અદ્યતન માઇક્રોસ્કોપની તપાસમાં કુદરતનો અદભુત કરિશ્મા સામે આવ્યો

નવી દિલ્હી:બરફથી ઢંકાયેલા રહસ્યમય ખંડ એન્ટાર્કટિકાના ટેલર ગ્લેશિયરમાંથી નીકળતા લોહી જેવા લાલ ઝરણાંનું સદી જૂનું રહસ્ય આખરે વૈજ્ઞાનિકોએ ઉકેલી નાખ્યું છે. સન ૧૯૧૧માં બ્રિટિશ સંશોધક થોમસ ગ્રીફિથ દ્વારા શોધાયેલા આ 'બ્લડ ફોલ્સ' પાછળ પહેલાં લાલ શેવાળ જવાબદાર હોવાનું મનાતું હતું, પરંતુ તાજેતરના સંશોધનમાં ચોંકાવનારી સત્ય હકીકત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ શક્તિશાળી ટ્રાન્સમિશન ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વડે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ગ્લેશિયરની નીચે લાખો વર્ષ જૂનું મીઠાના પાણીનું એક તળાવ દબાયેલું છે, જેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન (લોખંડ) ના અતિ સૂક્ષ્મ કણો રહેલા છે. જ્યારે આ પાણી બરફની તિરાડોમાંથી બહાર નીકળીને ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા (ઑક્સિડેશન) થાય છે, જેના કારણે પાણીનો રંગ એકદમ લોહી જેવો લાલચોળ દેખાય છે.

એન્ટાર્કટિકાના અજાયબીઓમાંથી એક અને વૈજ્ઞાનિકો માટે છેલ્લા 100 વર્ષ કરતાં વધુ સમયથી કોયડો બનેલા 'બ્લડ ફોલ્સ’ (લોહીના ઝરણા)નું રહસ્ય આખરે ઉકેલાઈ ગયું છે. એન્ટાર્કટિકાની મેકમુર્ડો ડ્રાય વેલીઝમાં આવેલા ટેલર ગ્લેશિયર માંથી લેક બોનીમાં પડતા આ ઘટ્ટ લાલ રંગના ઝરણાને જોઈને અવારનવાર એવો ભ્રમ થતો હતો કે જાણે તેમાંથી સાચે જ લોહી વહી રહ્યું છે. પરંતુ હવે સંશોધકોએ આ અદભુત ઘટના પાછળ છુપાયેલા વિજ્ઞાનના તમામ ટુકડાઓને જોડીને સાચું કારણ શોધી કાઢ્યું છે.

વર્ષ 1911માં ઓસ્ટ્રેલિયાના ભૂસ્તરશાસ્ત્રી ગ્રીફિથ ટેલર દ્વારા સૌપ્રથમ વખત આ બ્લડ ફોલ્સની શોધ કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ બરફની વચ્ચેથી નીકળતું કાટ જેવા લાલ રંગનું પાણી વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે ભારે ઉત્સુકતા અને અવનવા તર્ક-વિતર્કનું કેન્દ્ર રહ્યું હતું.

તાજેતરમાં 'એન્ટાર્કટિકા સાયન્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુસાર, બ્લડ ફોલ્સ કોઈ લોહી કે જ્વાળામુખીની પ્રક્રિયા નથી, પરંતુ તે ટેલર ગ્લેશિયરની નીચે દબાયેલા લોખંડથી ભરપૂર અત્યંત ખારા પાણીના કારણે બને છે.

આ પાણી ગ્લેશિયરની નીચે આવેલા એક પ્રાચીન ભૂગર્ભ જળાશયમાંથી આવે છે. જ્યારે ગ્લેશિયર ખસે છે ત્યારે તેના પ્રચંડ દબાણને કારણે આ ખારું પાણી બરફની અંદર છુપાયેલી રહસ્યમય માર્ગો દ્વારા દબાણપૂર્વક સપાટી પર બહાર આવે છે.

(5:21 PM IST)