<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

મિડલ ઈસ્ટના ઇતિહાસનો સૌથી મોટો સટ્ટો:ટ્રમ્પનો વિસ્ફોટક દાવો: ઇઝરાયેલ સાથેના 'અબ્રાહમ એકોર્ડ'માં કટ્ટર દુશ્મન ઇરાન પણ સામેલ થશે

ટ્રમ્પે ઇરાન પીસ ડીલ સાથે અબ્રાહમ એકોર્ડનું જોડાણ કરી નવો મોરચો ખોલ્યો: સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો માટે ઇઝરાયેલ સાથે સંબંધો સુધારવા 'મેન્ડેટરી' શરત મૂકતા વૈશ્વિક રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ભયાનક સૈન્ય હુમલાની ઘટનાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયાના નકશા અને મિત્રતાના સમીકરણોને ધરમૂળથી બદલી નાખનારો એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક લાંબી પોસ્ટ શેર કરીને ટ્રમ્પે જણાવ્યું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણાઓ ખૂબ જ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. જો આ કરાર સફળતાપૂર્વક પૂર્ણ થશે, તો ઈઝરાયેલના કટ્ટર હરીફ ગણાતા 'ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન'ને પણ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવા માટેના ઐતિહાસિક 'અબ્રાહમ એકોર્ડ્સ' ગઠબંધનનો હિસ્સો બનાવવામાં આવશે, જે સમગ્ર વિશ્વ માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ઘટના સાબિત થશે.
હવે જો ટ્રમ્પની વાત સાચી સાબિત થાય છે તો પશ્ચિમ એશિયામાં એક નવી જ વૈશ્વિક વ્યવસ્થા બની શકે છે. ટ્રમ્પે મધ્યપૂર્વના આરબ દેશોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ઐતિહાસિક અબ્રાહમ સમજૂતીમાં સામેલ થવાથી આ સહયોગ વધારે મજબૂત થશે, કોણ જાણે છે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન પણ તેની સાથે જોડાય. ઇરાન હંમેશા માટે ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચેના સામાન્ય સબંધોનો વિરોધ કરે છે. ઇરાન અમેરિકાની મધ્યસ્થીથી થયેલા આ કરારોને પેલેસ્ટાઇન સાથે વિશ્વાસઘાત માને છે. બીજી બાજુએ ટ્રમ્પ ઇરાનને અબ્રાહમ સમજૂતીમાં લાવવાનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ૨૦૨૫માં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ સમજૂતી કરાવતા ટ્રમ્પે જણાવ્યું હતું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઇરાન પણ એક દિવસ તેમા જોડાશે. ઇરાનના વિદેશ મંત્રી અરાઘાચીએ  ત્યારે જણાવ્યું હતું કે ઇરાન તેમા ક્યારેય નહીં જોડાય.
પાકિસ્તાને હજી સુધી ઇઝરાયેલને માન્યતા આપી નથી. પાકિસ્તાનની સ્થાપના મુસ્લિમ ઓળખ અને પેલેસ્ટાઇન સમર્થનના રાજકારણ સાથે જોડાયેલી રહી છે. તેથી જો પાકિસ્તાન અબ્રાહમ સંધિમાં સામેલ થાય તો તેના ઘણા લાંબા સૂચિતાર્થ હશે. આ એટલો સંવેદનશીલ મામલો છે કે પાકિસ્તાન જો અબ્રાહમ સંધિમાં સામેલ થયું તો તેના દેશમાં બળવો સુદ્ધા થઈ શકે છે. આનો સીધો અર્થ એમ જ કરી શકાય કે પાકિસ્તાન ઇઝરોયેલને માન્યતા આપશે અને તેની પરંપરાગત પેલેસ્ટાઇન સમર્થક તરીકેની નીતિ પણ બદલાશે. જો કે પાક.ના ધાર્મિક ફિરકાઓ ઇઝરાયેલને અત્યંત નફરત કરે છે. ફક્ત પાકિસ્તાન જ નહીં બીજા અરબી શાસકોની પણ આવી જ સ્થિતિ છે. તેમને ત્યાં ઇઝરાયેલ સામેની નફરત એટલી છે કે તેની સાથે કરાર કરવા જતાં શાસન ગુમાવવાનો સમયપણ આવી શકે છે.

 

(5:52 PM IST)