<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

યુક્રેન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટો અને ખૌફનાક ધડાકો: કરવો હતો યુક્રેન પર હુમલો, પણ રશિયાની ઘાતક Kh-101 મિસાઈલ સીધી NATO દેશ પોલેન્ડની સરહદમાં ઘૂસી જતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર

રશિયન મિસાઈલના રૂટ બદલાતા જ નાટો દેશો અને અમેરિકાના છાતીના પાટિયા બેસી ગયા: ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે પોલેન્ડમાં એર ડિફેન્સ સિસ્ટમ અને ફાઈટર જેટ્સ હાઈ એલર્ટ પર મુકાતા વૈશ્વિક રાજકારણમાં ભારે ખળભળાટ અને ફફડાટ

નવી દિલ્હી:યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં એક એવો અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વના શ્વાસ અધ્ધર કરી દીધા છે. રશિયા દ્વારા યુક્રેનના ઠેકાણાઓને નિશાન બનાવવા માટે છોડવામાં આવેલી અત્યંત ઘાતક અને લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ Kh-101 નિશાન ચૂકીને અથવા દિશા ભટકીને સીધી જ નાટો (NATO) સભ્ય દેશ પોલેન્ડની હવાઈ સરહદમાં પહોંચી જતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હડકંપ અને અફરાતફરી મચી ગઈ છે.

પોલેન્ડના ચ્મિયેલેક ગામ નજીક લાગેલા સર્વેલન્સ કેમેરામાં એક તેજ ચમક અને વિસ્ફોટની ઘટના કેદ થઈ હતી. આ સ્થળ યુક્રેનની સરહદથી આશરે 46 કિલોમીટર દૂર આવેલું છે. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ રશિયાની KH-101 મિસાઈલ હતી, જે યુક્રેનના લવીવ વિસ્તાર તરફથી આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક સુરક્ષા એલર્ટ જાહેર કરી દેવાયું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધી ગઈ હતી.

પોલેન્ડના સરકારી સુરક્ષા કેન્દ્રએ લુબલિન અને પોડકાર્પાકી વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે આશ્રય લેવાની સલાહ આપતું એલર્ટ જાહેર કર્યું હતું. એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી હતી અને રેસજો (Rzeszow) એરપોર્ટ પર ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી હતી. નજીકના એક ખેતરમાં કોઈ વસ્તુ સળગતી હાલતમાં મળી આવી હતી, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેનાથી સ્થાનિક રહેવાસીઓને કોઈ જોખમ નથી. થોડા સમય બાદ એલર્ટ હટાવી લેવામાં આવ્યું હતું. યુક્રેન પર રશિયન હુમલા દરમિયાન મિસાઈલો ઘણીવાર સરહદ નજીકથી પસાર થતી હોય છે, તેવામાં આ ઘટના બની હતી.

KH-101 એક લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલ છે, જેનો ઉપયોગ રશિયા યુક્રેનમાં નિશાન સાધવા માટે કરતું આવ્યું છે. આ વખતે તે પોલેન્ડના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી જતાં નાટો (NATO) સભ્ય દેશ પોલેન્ડની સુરક્ષાને લઈને ચિંતાઓ સામે આવી છે. જોકે મિસાઈલથી કોઈ નુકસાન થયું નથી અને તે ખેતરમાં પડીને સળગી ગઈ હતી, તેમ છતાં તેની હાજરીએ પોલેન્ડની એર ડિફેન્સ તૈયારીઓની કસોટી કરી હતી. પોલેન્ડે તાત્કાલિક પ્રતિક્રિયા આપીને દર્શાવ્યું કે સરહદી વિસ્તારોમાં દેખરેખ અને એલર્ટ સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય છે.

આ ઘટનાથી પોલેન્ડના પૂર્વીય વિસ્તારોમાં લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ વહીવટીતંત્રની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિ કાબૂમાં રહી હતી. આ ઘટનાની અસર રેસજો એરપોર્ટ જેવી મહત્ત્વપૂર્ણ સુવિધાઓ પર પણ પડી હતી, જે યુક્રેનને સહાય પહોંચાડવાનું મુખ્ય કેન્દ્ર છે.

(5:39 PM IST)