<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO લોન્ચ થતા જ ૮૧.૩ અબજ ડોલર એકત્ર થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર

AI ક્રાંતિના ઈતિહાસમાં અકલ્પનીય રકમ ઠલવાતા હરીફ ટેક દિગ્ગજો અને વૈશ્વિક બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરના આ ધમાકેદાર IPOથી શેરબજાર અને ટેક જગતમાં ભારે ખળભળાટ અને ચકચાર: રોકાણકારોમાં દોડધામ

નવી દિલ્હી:વૈશ્વિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં એક એવો અત્યંત ચોંકાવનારો, ઐતિહાસિક અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર નાણાકીય જગતની ઊંઘ હરામ કરી દીધી છે. જાણીતી AI કંપની એન્થ્રોપિક (Anthropic) ના ઐતિહાસિક આઈપીઓ (IPO) મારફતે અધધ ૮૧.૩ અબજ ડોલર જેટલી માતબર રકમ એકત્ર કરવામાં આવતા વૈશ્વિક બજારોમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.

એન્થ્રોપિકે આઈપીઓમાં એક શેરની કિંમત ૮૩ ડોલર નક્કી કરી હતી, જે અગાઉ નક્કી કરાયેલી ૭૦થી ૭૮ ડોલરની રેન્જ કરતાં વધારે હતી. રોકાણકારો તરફથી મળેલા સારા પ્રતિસાદને પગલે કંપનીએ વેચાણ માટેના શેરની સંખ્યા વધારીને ૯૮ કરોડ કરી હતી. તેમાંથી આશરે ૯૫.૬૪ કરોડ શેર કંપનીએ પોતે વેચ્યા હતા, જ્યારે બાકીના આશરે ૨.૩૬ કરોડ શેર જૂના શેરધારકોએ વેચ્યા હતા.
આ પહેલાં જૂન ૨૦૨૬માં સ્પેસએક્સે આઈપીઓ દ્વારા ૭૫ અબજ ડોલર એકત્ર કરીને રેકોર્ડ બનાવ્યો હતો. એન્થ્રોપિકના આઈપીઓ ઉપરાંત ૨૬ અબજ ડોલરનું પ્રાઈવેટ પ્લેસમેન્ટ પણ સામેલ છે. આમ, જાહેર શેર વેચાણ અને પ્રાઈવેટ પ્લેસમેન્ટ મળીને કુલ સોદો ૧૦૭.૩૪ અબજ ડોલરનો થયો છે.એન્થ્રોપિકનું વેલ્યુએશન શેર ઓપ્શન અને અન્ય શેર આધારિત લાભો સહિત આશરે ૧.૫ ટ્રિલિયન ડોલર છે. આ ગણતરી વગર કંપનીનું વેલ્યુએશન આશરે ૧.૧ ટ્રિલિયન ડોલર થાય છે.

(5:40 PM IST)