News of Thursday, 15th October 2026
બ્રાઝિલની સંસદે દેશમાં અઠવાડિયામાં મહત્તમ 40 કલાક કામ કરવા માટેના બંધારણીય સુધારાને મંજૂરી આપી દીધી: પ્રસ્તાવની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર ચાલેલા 'લાઈફ બિયોન્ડ વર્ક' નામના એક અભિયાનથી થઈ હતી
સોશિયલ મીડિયાની આંધી સામે ઝૂકવા મજબૂર બનેલી સરકારનો ઐતિહાસિક સ્ફોટક નિર્ણય: જનતાના આક્રોશ આગળ સરકારના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:દક્ષિણ અમેરિકાના વિશાળ દેશ બ્રાઝિલમાંથી સોશિયલ મીડિયાની અકલ્પનીય તાકાત અને વર્ચસ્વનો પર્દાફાશ કરતી અત્યંત રોમાંચક અને ક્રાંતિકારી ઘટના સામે આવી છે. બ્રાઝિલમાં સામાન્ય યુવાનો દ્વારા લોકપ્રિય શોર્ટ-વિડિયો પ્લેટફોર્મ 'ટિકટોક' પર શરૂ કરવામાં આવેલા એક ડિજિટલ આંદોલને દેશની આખી સંસદ અને શાસન પ્રણાલીને હચમચાવીને મૂકી દીધી છે. લાંબા સમયથી કામના ભારણ અને શોષણ સામે ઝઝૂમતા કર્મચારીઓએ ટિકટોક પર અભિયાન છેડીને જબરદસ્ત સપાટો બોલાવ્યો હતો, જેના દબાણ હેઠળ આખરે સરકારે ઝૂકવું પડ્યું છે અને દેશના લેબર કાયદામાં ધરખમ ફેરફાર કરવાની ફરજ પડી છે.
આ નવા બંધારણીય સુધારા હેઠળ બ્રાઝિલમાં હાલમાં ચાલી રહેલી 6 દિવસીય કામકાજની પદ્ધતિ (6x1 શિડ્યુલ) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં દેશના 1.6 કરોડ લોકો અઠવાડિયામાં 6 દિવસ કામ કરે છે. આ સુધારાથી અઠવાડિયાના કામના કલાકો 44થી ઘટાડીને 40 કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયનો મુખ્ય લાભ રિટેલ, રેસ્ટોરન્ટ અને હોટેલ ક્ષેત્ર જેવા ઓછા પગાર ધરાવતા ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓને મળશે.
પ્રમુખ લુલા તેમના વિરોધી અને ઉગ્ર જમણેરી વિચારસરણી ધરાવતા સેનેટર ફ્લાવિયો બોલ્સોનારો સામે ચૂંટણી પ્રચારમાં આગળ નીકળવા માટે આ કાયદાને સતત પ્રોત્સાહન આપી રહ્યા હતા. શરૂઆતમાં બોલ્સોનારોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો અને તેનાથી બેરોજગારી વધવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ, સર્વેક્ષણોમાં 70%થી વધુ લોકો આ કાયદાની તરફેણમાં હોવાનું સામે આવતાં, તેમણે પોતાનું વલણ બદલવું પડ્યું હતું અને સુધારાની તરફેણમાં મત આપવો પડ્યો હતો. સંસદના નીચલા ગૃહ બાદ હવે સેનેટમાં પણ 75 સેનેટરોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું.
આ પ્રસ્તાવની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર ચાલેલા 'લાઈફ બિયોન્ડ વર્ક' નામના એક અભિયાનથી થઈ હતી. વિશ્લેષકો અને સંશોધકોના મતે, અઠવાડિયામાં માત્ર એક જ દિવસ રજા મળવાને કારણે કર્મચારીઓ સામાજિક જીવન જીવી શકતા નહોતા અને માનસિક તણાવ, થાક તથા બીમારીઓનો ભોગ બનતા હતા. આ સુધારો અમલમાં આવવાથી કામદારોને તેમના પરિવાર સાથે સમય વિતાવવાનો, આરામ કરવાનો અને પોતાની સંભાળ રાખવાનો પૂરતો સમય મળશે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
