News of Saturday, 15th August 2026
ચીનમાં બુલેટ ટ્રેનનો મહારેકોર્ડ: માત્ર ૫.૩ સેકન્ડમાં ૮૦૦ કલાકની ગતિ પકડી પૃથ્વી પર સુપરસ્પીડની નવી ક્રાંતિ
પ્લેન કરતાં પણ સુપરફાસ્ટ: મેગલેવ ટેકનોલોજીની મદદથી ચીની એન્જિનિયરોએ રચ્યો ઈતિહાસ: ભવિષ્યની હાઈ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશનમાં વિશ્વને ચોંકાવ્યું

નવી દિલ્હી :દુનિયાભરમાં નવીનતમ ટેકનોલોજી અને સ્પીડના મામલે સતત આગળ રહેતા ચીને ફરી એકવાર સમગ્ર વિશ્વને અચંબીત કરી દીધું છે. ચીને પોતાની હાઈ-સ્પીડ મેગલેવ (Maglev) ટ્રેનનું એવું સફળ પરીક્ષણ કર્યું છે, જેમાં ટ્રેને માત્ર ૫.૩ સેકન્ડના સમયમાં ૮૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ભયાનક ઝડપ પકડીને એક નવો જ વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે.
ઈસ્ટ લેક લેબોરેટરીના પ્લેટફોર્મ પર હાઈ સ્પીડ ટ્રેનનું ટેસ્ટિંગ થયું હતું. હુબેઈ પ્રાંતમાં થયેલા આ પરીક્ષણમાં ટ્રેન કુલ આઠ સેકન્ડ દોડી હતી. ૮ સેકન્ડમાંથી ૫.૩ સેકન્ડ થઈ ત્યારે ટ્રેને ૮૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપ હાંસલ કરી હતી. આટલી ઝડપ અગાઉ દુનિયાની એકેય ટ્રેનને મળી ન હતી. આટલા ટૂંકાગાળામાં આ ઝડપ અભૂતપૂર્વ ગણાય. એક કિલોમીટરનું અંતર ટ્રેને આઠ સેકન્ડમાં પૂરું કર્યું હતું. મેગ્નેટ સસ્પેન્શન ટ્રેકમાં ટ્રેન વિદ્યુત મેગ્નેટિક સાથે જોડાયેલી રહે છે. આ મોડલ વ્હીલ અને ટ્રેકના પરંપરાગત સંપર્ક પ્રમાણે કામ નથી કરતું. તેના કારણે રોલિંગ ઘર્ષણ ઘટી જાય છે ને ટ્રેનને અભૂતપૂર્વ ઝડપ મળે છે. ટ્રેનનું વજન નોંધપાત્ર રીતે ૧.૧ ટન હોવા છતાં એક કિલોમીટરના વિસ્તારમાં જે રીતે શરૂ થઈ એ જ રીતે અંતર પૂરું કરીને કોઈ ગરબડ વગર રોકાઈ ગઈ હતી. અત્યારે આ પરીક્ષણ પેસેન્જર ટ્રેન માટે થઈ રહ્યું નથી, પરંતુ આટલી ઝડપ હાંસિલ થઈ હોવાથી ભવિષ્યમાં કદાચ આ પ્રકારની ટ્રેનમાં પેસેન્જર સવાર થતાં હોય તો નવાઈ પામવા જેવું નહીં રહે. સંશોધકોએ કહ્યું હતું કે આ ટેકનોલોજી માત્ર સ્પીડ માટે જ મહત્ત્વની નથી, પ્લેટફોર્મની ટેકનોલોજી માટે પણ ભવિષ્યમાં એ બહુ અગત્યની બની રહેશે. હાઈ સ્પીડ ટ્રેનના સંશોધન માટે આ પરીક્ષણોનો અનુભવ બહુ કામ લાગશે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
