News of Tuesday, 14th April 2026
ચીનનો સ્પેસમાં 'માસ્ટર સ્ટ્રોક': ૩૬,૦૦૦ કિમીની ઊંચાઈએથી અમેરિકાની જાસૂસી: અંતરિક્ષમાં ડ્રેગનનો દબદબો
અમેરિકાના સેટેલાઈટ્સ હવે ચીનની નજરમાં: સ્પેસ ટેકનોલોજીમાં ચીને યુએસને પછાડ્યું:હજારો કિલોમીટર ઉપરથી પૃથ્વીના ખૂણેખૂણા પર નજર:જાસૂસીમાં ડ્રેગનની લાંબી છલાંગથી પેન્ટાગોનમાં હડકંપ:શું આ ભવિષ્યના 'સ્ટાર વોર્સ'ના સંકેત છે? હાઈ-ટેક સેન્સર્સ અને અત્યાધુનિક કેમેરાની મદદથી અમેરિકાની સૈન્ય ગતિવિધિઓ પર વોચ

નવી દિલ્હી: અંતરિક્ષના મેદાનમાં ચીને અમેરિકાને જોરદાર પછાડ આપી છે. ચીને પૃથ્વીથી અંદાજે ૩૬,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ (Geostationary Orbit) પોતાના એવા જાસૂસી સેટેલાઈટ્સ ગોઠવ્યા છે જે અમેરિકાની દરેક હિલચાલ પર બાજ નજર રાખી રહ્યા છે. આટલી વિરાટ ઊંચાઈએથી ચોકસાઈપૂર્વક જાસૂસી કરવાની ક્ષમતા અત્યાર સુધી માત્ર અમેરિકા પાસે હોવાનું મનાતું હતું, પરંતુ ચીને આ ભ્રમ તોડી નાખ્યો છે.
ચીને દર્શાવ્યું છે કે તે હવે દુનિયામાં અમેરિકા જ નહીં કોઈપણ જહાજોને ગમે તેવા હવામાનમાં ૨૪ કલાક ટ્રેક કરી શકે છે. અંતરિક્ષમાં ૩૬,૦૦૦ કિ.મી.ની ઊંચાઈ પર સ્થિત ચીનના માઇક્રોવેવ સિગ્નલ ટેકનિકથી સજ્જ સેટેલાઇટ હવામાનની તમામ સમસ્યાઓને વટાવીને ૨૪ કલાક હાઇ રેઝોલ્યુશન તસવીરો લેવામાં સક્ષમ છે. ચીને આ સેટેલાઇટની કામગીરીથી અંતરિક્ષમાંથી જાસૂસી કરવાના મામલે અમેરિકા કરતાં આગળ નીકળી ગયું હોવાનું દર્શાવ્યું છે.
ચીનના આ સેટેલાઇટના એક સ્કેનમાં હજારો કિલોમીટરનો સમુદ્રી વિસ્તાર આવરાઇ જાય છે. પૃથ્વીની નીચલી કક્ષામાં હયાત અમેરિકન સેટેલાઇટ્સ પર ઇલેકટ્રોનિક હથિયારો અથવા એન્ટી સેટેલાઇટ મિસાઇલો દ્વારા હુમલા કરવાનું શક્ય છે પણ ૩૬,૦૦૦ કિલોમીટરની ઉંચાઇએથી કામ કરતાં આ ચીની સેટેલાઇટ સુધી પહોંચવું શક્ય ન હોઇ તે એકદમ સુરક્ષિત છે.ચીને સાઉથ ચાઇના સી વિસ્તારમાં આવેલાં સ્પેટલી ટાપુ પાસેથી પસાર થઇ રહેલાં જાપાનના ઓઇલ ટેન્કર તોવા મારુની કેટલીક રડાર તસવીરો જારી કરી છે. ૩૪૦ મીટર લાંબા અને ૬૦ મીટર પહોળાં કદનું આ ટેન્કર કદમાં કોઇપણ વિમાનવાહક જહાજ સમાન છે. ચીને દાવો કર્યો છે કે પૃથ્વીથી ૩૫,૮૦૦ કિલોમીટર દૂર જિયોસિન્ક્રોનસ ઓર્બિટમાં મોજૂદ પોતાના સેટેલાઇટ દ્વારા તેણે આ જહાજનું ટ્રેકિંગ કર્યું છે. ઇતિહાસમાં પહેલીવાર કોઇ સિન્થેટિક અપર્ચર રડાર-એસએઆર-સેટેલાઇટ દ્વારા આટલી ઉંચાઇએથી કોઇ હાલતાં ચાલતાં ટાર્ગેટ પર નજર રાખવામાં આવી છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
