<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ડ્રેગનનો ‘ડ્રોન’ ધડાકો: ચીને બનાવ્યું એવું ઘાતક હથિયાર કે એક જ ઓપરેટર ૧૦૦ ડ્રોન વડે મચાવશે તબાહી

ભારત માટે ખતરાની ઘંટડી: LAC પર તૈનાત થઈ શકે છે ચીનની ‘એટલાસ ડ્રોન સ્વાર્મ સિસ્ટમ’: માત્ર ૩૦૦ સેકન્ડમાં ૧૦૦ ડ્રોન હવામાં ઉડશે:આકાશમાંથી ત્રાટકશે ‘રોબોટિક તીડ’નું ટોળું:એર ડિફેન્સને પણ ચકમો આપી શકે તેવી અત્યાધુનિક ટેકનોલોજી:ચીની સેનાએ તિબેટના બોર્ડર પર પરીક્ષણ કરી ભારત-તાઈવાનને ડરાવવાનો પેતરો રચ્યો

નવી દિલ્હી: પાડોશી દેશ ચીને સૈન્ય શક્તિમાં વધુ એક જોખમી વધારો કર્યો છે. ચીનની સરકારી સંસ્થા CETC દ્વારા ‘એટલાસ ડ્રોન સ્વાર્મ સિસ્ટમ’ વિકસાવવામાં આવી છે, જેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માત્ર એક જ માનવીય ઓપરેટર એકસાથે ૯૬ થી ૧૦૦ ડ્રોનને નિયંત્રિત કરી શકે છે. આ ટેકનોલોજીને ‘સ્વાર્મ ઇન્ટેલિજન્સ’ કહેવામાં આવે છે, જેમાં ડ્રોન એકબીજા સાથે વાતચીત કરીને દુશ્મનના લક્ષ્ય પર તૂટી પડે છે.

એટલાસ એ માત્ર ડ્રોનનું જૂથ નથી, પરંતુ એક અત્યંત જટિલ અને બુદ્ધિશાળી લશ્કરી સિસ્ટમ છે. તેની સૌથી મોટી વિશેષતા તેની સાદગી અને સંહારક શક્તિનો સમન્વય છે. આ સિસ્ટમની ડિઝાઈન એવી છે કે માત્ર એક જ ઓપરેટર એકસાથે આશરે 100 ડ્રોનને નિયંત્રિત કરી શકે છે. એટલે કે, યુદ્ધના મેદાનમાં એક સૈનિક માત્ર એક ટચ સ્ક્રીન દ્વારા આખું ડ્રોન આક્રમણ કરી પણ શકે છે અને એકલા હાથે કંટ્રોલ પણ કરી શકે છે. આ માટે કોઈ મોટા એરબેઝ કે રનવેની જરૂર નથી. તે એક મોબાઈલ પ્લેટફોર્મ છે, જેને ટ્રક કે વાહન પર લાદીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ગણતરીની મિનિટોમાં હુમલો કરી શકાય છે.

એટલાસ સિસ્ટમ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે, જે તેને અત્યંત કાર્યક્ષમ બનાવે છે. ગ્રાઉન્ડ કોમ્બેટ વ્હીકલ આ વાહનમાં ડઝનબંધ ડ્રોન લોડ કરેલા હોય છે. કમાન્ડ વ્હીકલમાં આખા નેટવર્કનું મગજ છે, જે એકસાથે 96 જેટલા ડ્રોનને સૂચના આપી શકે છે. જ્યારે સપોર્ટ યુનિટ લોજિસ્ટિક્સ અને પાવર સપ્લાયની દેખરેખ રાખે છે. તેની લોન્ચિંગ ક્ષમતા આશ્ચર્યજનક છે. આ સિસ્ટમ દર ત્રણ સેકન્ડમાં એક ડ્રોન લોન્ચ કરી શકે છે. જેનો અર્થ થયો કે માત્ર 5 મિનિટમાં 100 ડ્રોન હવામાં ફેલાઈ જશે અને દુશ્મન પર તૂટી પડશે.

(5:46 PM IST)