<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સ્પેનમાં ‘વાયરસ’ વિસ્ફોટની દહેશત: હંટા વાયરસગ્રસ્ત ક્રુઝ ટેનેરિફ ટાપુ પર પહોંચતા રણમેદાન જેવી સ્થિતિ

સ્થાનિકોનો ઉગ્ર વિરોધ છતાં ‘મોતનું જહાજ’ લાંગર્યું: ટાપુ પર લોકડાઉન જેવો માહોલ:પ્રશાસન અને પ્રજા આમને-સામને: વાયરસ ફેલાવાની બીકે પર્યટકોમાં નાસભાગ, ક્રુઝના મુસાફરોને ક્વોરેન્ટાઈન કરવા કવાયત

નવી દિલ્હી: સ્પેનના પ્રખ્યાત પર્યટન સ્થળ ટેનેરિફ ટાપુ પર અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. હંટા વાયરસના કેસ ધરાવતું એક લક્ઝરી ક્રુઝ શિપ સ્થાનિકોના પ્રચંડ વિરોધ અને દેખાવો છતાં ટાપુના બંદર પર પહોંચી ગયું છે. આ વાયરસના ખતરાને જોતા સ્પેનિશ સરકાર સામે પણ સવાલો ઉભા થયા છે.
હંટા વાયરસગ્રસ્ત ક્રુઝ એમવી હોંડિયસને ટેનેરિફ ટાપુ પર લાંગરવાની મંજૂરી આપવા સામે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આમ છતાં ક્રૂઝમાંથી પ્રવાસીઓને ટાપુ પર ઉતારવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા, સ્પેનિશ સરકાર અને ક્રૂઝ કંપની ઓશનવાઈડ એક્સપીડિશન્સે કહ્યું કે, હાલ જહાજ પર હયાત કોઈ વ્યક્તિમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા નથી.
બ્રિટિશ આર્મીએ ક્રુઝમાં હંટા વાયરસથી અસરગ્રસ્ત બ્રિટિશરોની સારવાર માટે ટ્રિસ્ટાન ડા કુન્હા પર પેરાશૂટથી સહાય મિશન લોન્ચ કર્યું છે. ક્રુઝના પ્રવાસીઓ ટેનેરિફ પર ઉતરી ગયા છે જ્યારે બ્રિટિશ આર્મીએ વિશ્વના સૌથી દૂરના વસવાટવાળા ટાપુ ટ્રિસ્ટાન ડા કુન્હા પર વિશેષ પેરાશૂટ મિશન દ્વારા સહાય મોકલી છે. અહીં હંટા વાયરસગ્રસ્ત બ્રિટિશ પ્રવાસીઓને બ્રિટનમાં કોરોના સમયે ક્વોરન્ટાઈન માટે વપરાયેલી હોસ્પિટલમાં આઈસોલેશન માટે લઈ જવાશે.
યુકેએચએસએએ જણાવ્યું કે, જાહેર જનતા માટે વાયરસના ફેલાવાનું જોખમ ખૂબ જ ઓછું છે. પ્રવાસીઓને ચાર્ટર્ડ ફ્લાઈટથી યુકે લવાશે અને મર્સીસાઈડના વિરલમાં આરો પાર્ક હોસ્પિટલની આઈસોલેશન સુવિધામાં રખાશે. બ્રિટિશ સરકારે આ હોસ્પિટલનો ઉપયોગ કોરોના મહામારી સમયે વુહાનથી આવેલા બ્રિટિશ નાગરિકોને આઈસોલેટ કરવા કર્યો હતો.

 

 

(6:34 PM IST)