<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

યુરોપમાં હીટવેવનો હાહાકાર: આકાશમાંથી વરસી રહી છે આગ: ફ્રાન્સમાં વધુ ૨,૦૨૫ જ્યારે બેલ્જિયમમાં ૧,૨૨૨ લોકોના કમકમાટીભર્યા મોત

ગ્લોબલ વોર્મિંગનો પ્રકોપ: આકરા ઉનાળાએ લીધો ભયાનક ભોગ: સૂર્યદેવના કોપથી હોસ્પિટલો ઉભરાઈ, બંને દેશોમાં રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) કેવો ભયાનક વિનાશ નોતરી શકે છે તેનો વધુ એક હૃદયદ્રાવક અને કંપાવી દેતો કિસ્સો યુરોપમાંથી સામે આવ્યો છે. વિગત મુજબ, હાલ ફ્રાન્સ અને બેલ્જિયમ સહિતના યુરોપિયન દેશો ભયંકર અને અભૂતપૂર્વ હીટવેવ (કાળઝાળ ગરમીના મોજા) ની ઝપેટમાં આવી ગયા છે, જેમાં ગરમીનો પારો તમામ રેકોર્ડ તોડીને આસમાને પહોંચતા હાહાકાર મચી ગયો છે. સત્તાવાર અહેવાલો અનુસાર, આ અસહ્ય અને કિલર ગરમીના કારણે ફ્રાન્સમાં વધુ ૨,૦૨૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે પાડોશી દેશ બેલ્જિયમમાં પણ આ આંકડો ૧,૨૨૨ પર પહોંચતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં મોટાભાગે વૃદ્ધો, બાળકો અને શ્રમિકોનો સમાવેશ થાય છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે બંને દેશોની આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને સરકારે નાગરિકોને બપોરના સમયે ઘરમાં જ રહેવાની કડક અપીલ સાથે ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી સ્ટીફની રિસ્ટે જણાવ્યું કે, ગયા સપ્તાહે હીટવેવના કારણે મૃત્યુ પામનારા લોકની સંખ્યા અગાઉના સપ્તાહ કરતાં ૨૯ ટકા વધી હતી, જેમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોના મોત થવાનું પ્રમાણ વધુ હતું. ફ્રાન્સમાં જૂન મહિનામાં સૌથી ગરમ દિવસ ૨૪ જૂનનો હતો જ્યાર લગભગ આખા દેશમાં સૌથી વધુ ગરમી પડી હતી. આ દિવસે પેરિસમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને લગભગ અડધા દેશમાં રેડ એલર્ટ જાહેર કરાઈ હતી. પેરિસમાં ફ્યુનરલ સર્વિસના ડિરેક્ટર્સે કહ્યું કે, તેમણે દફનવિધિ પહેલાં મૃતદેહોને રાખવા જગ્યાઓ શોધવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક શબઘરોએ મૃતદેહો માટે હવે તેમના ત્યાં જગ્યા નહીં હોવાનો દાવો કર્યો હતો. હવામાન વિભાગે કહ્યું કે, અઝોરેથી પોર્ટુગલ અને સ્પેન સુધીના વિસ્તારમાં ઊંચું દબાણ સર્જાયું છે અને સપ્તાહના અંત સુધીમાં ફ્રાન્સ અને દક્ષિણ બ્રિટનમાં ગરમી વધવાની આશંકા છે. હાલમાં પણ તાપમાનના પારાએ યુરોપના અનેક શહેરોમાં રેકોર્ડ તોડયા છે. પબ્લિક હેલ્થ ફ્રાન્સે કહ્યું કે, ગયા સપ્તાહે દેશમાં કુલ ૮,૯૭૩ લોકો માર્યા ગયા હતા. આ આંકડો હજુ આંશિક છે. વૃદ્ધો માટેના કેર હોમ્સમાં મોત ૩૭ ટકા અને હોસ્પિટલોમાં ૨૦ ટકા વધ્યા હોવાના અહેવાલો છે. પેરિસ-સ્કેલી હોસ્પિટલમાં ગરમીના કારણે બીમારીની સારવાર લેવા આવનારા દર્દીઓની સંખ્યા વધી છે. હાર્ટ એટેક્સ, ડીહાઈડ્રેશન, કિડનીની બીમારી અને ગરમી સંબંધિત અન્ય બીમારીઓના દર્દી વધ્યા છે. ફ્રાન્સમાં ૧૮ જૂનથી અત્યાર સુધીમાં ડૂબી જવાના કારણે ૭૨ લોકોનાં મોત નીપજ્યાં છે.

(5:21 PM IST)