<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ઇન્ડો-ઇઝરાયલ મિલિટરી ટાઇ-અપ: ભારતમાં ધમધમશે ઇઝરાયલના 'આયરન ડોમ' મિસાઇલનું પ્રોડક્શન: શત્રુ દેશોના ડ્રોન અને રોકેટ હુમલા થશે કાગળના વાઘ

'મેક ઇન ઇન્ડિયા' ને મળશે ગ્લોબલ બૂસ્ટ: સરહદી વિસ્તારો અને સંવેદનશીલ એરપોર્ટ્સ પર તૈનાત થઈ શકે છે સ્વેડશી આયરન ડોમ:સંરક્ષણ મંત્રાલયની બ્લુપ્રિન્ટ તૈયાર

નવી દિલ્હી: ભારતીય સેના અને વાયુસેનાની તાકાતમાં ટૂંક સમયમાં અભૂતપૂર્વ વધારો થવા જઈ રહ્યો છે. ઇઝરાયલની ડિફેન્સ જાયન્ટ કંપની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ (Rafael Advanced Defense Systems) દ્વારા વિકસિત કરાયેલી અને પશ્ચિમ એશિયાના યુદ્ધમાં ગેમ-ચેન્જર સાબિત થયેલી 'આયરન ડોમ' સિસ્ટમના મુખ્ય મિસાઇલ ઇન્ટરસેપ્ટર, જેને 'તામીર' (Tamir) તરીકે ઓળખવામાં આવે છે, તેનું ઉત્પાદન હવે ભારતીય કંપનીઓ સાથે મળીને ભારતમાં જ કરવાની ઓફર ઇઝરાયલે મૂકી છે.

ઈઝરાયલની સરકારી સંરક્ષણ કંપની રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ ભારતમાં આયર્ન ડોમ ઇન્ટરસેપ્ટર મિસાઇલો માટે એક આખી પ્રોડક્શન લાઇન (ઉત્પાદન એકમ) સ્થાપવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ માટે કંપની અત્યારે ભારતની કેટલીક અગ્રણી સંરક્ષણ કંપનીઓ સાથે ગંભીર ચર્ચા-વિચારણા કરી રહી છે. જો આ ડીલ ફાઇનલ થશે, તો ઈઝરાયલ અને અમેરિકા બાદ ભારત વિશ્વનો ત્રીજો એવો દેશ બનશે જ્યાં આ અદ્યતન મિસાઇલોનું ઉત્પાદન કરવામાં આવશે. આ વ્યૂહાત્મક ભાગીદારી ભારત સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાન માટે એક બહુ મોટી સફળતા માનવામાં આવી રહી છે. ભારત લાંબા સમયથી વૈશ્વિક ડિફેન્સ કંપનીઓને ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેનાથી દેશની સૈન્ય તાકાત વધવાની સાથે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પણ ભારતનો દબદબો વધશે.

હાલના સમયમાં આયર્ન ડોમ ઇન્ટરસેપ્ટર મિસાઇલોનું મુખ્ય ઉત્પાદન ઉત્તરી ઈઝરાયલમાં થાય છે. આ સિવાય, અમેરિકામાં પણ 'રેથિયૉન' (Raytheon) કંપની સાથેની ભાગીદારીમાં એક પ્રોડક્શન લાઇન કાર્યરત છે. હવે ભારતમાં આ નવી પ્રોડક્શન લાઇન શરૂ થવાથી મિસાઇલોના ઉત્પાદન ખર્ચ (પ્રોડક્શન કોસ્ટ)માં મોટો ઘટાડો થશે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મિસાઇલોની સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે અને કટોકટીના સમયે વૈશ્વિક માંગને ખૂબ જ ઝડપથી પૂરી કરી શકાશે.

(5:09 PM IST)