News of Monday, 13th July 2026
વૈશ્વિક તેલ વ્યાપારની લાઈફલાઈન પર બ્રેક: ઈરાન અને અમેરિકાના ટકરાવમાં દુનિયાનો સૌથી મોટો સમુદ્રી ચોકપોઇન્ટ 'હોર્મુઝ' બ્લોક
ખાડી દેશોમાંથી આવતા તેલના અબજો ડોલરના ટેન્કરો દરિયા વચ્ચે અટક્યા: ક્રૂડ ઓઈલ બેરલ દીઠ $૧૦૦ ને પાર થવાની ભીતિ: આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટમાં ભારે ફફડાટ

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાનની લશ્કરી આતશબાજીએ હવે વૈશ્વિક આર્થિક કટોકટીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાને ઇઝરાયલના પાડોશી દેશો પર કરેલા ડ્રોન-મિસાઈલ હુમલા બાદ અમેરિકી નૌસેનાએ વળતો પ્રહાર કરવાની તૈયારી શરૂ કરી હતી. તેના જવાબમાં પોતાની ભૌગોલિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને ઈરાને વિશ્વનો સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ કરી દીધો છે. દુનિયાના કુલ પેટ્રોલિયમ નિકાસનો આશરે ૨૦ ટકાથી વધુ હિસ્સો એકમાત્ર આ સાંકડી સમુદ્રધુની (Strait) માંથી પસાર થાય છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે રવિવારે આક્ષેપ કર્યો કે, ઈરાને સાયપ્રસના ઝંડાવાળા એક કોમર્શિયલ ઓઈલ જહાજ જીએફએસ ગેલેક્સી પર હુમલો કર્યો હતો. આ જહાજમાં ૧૧ ભારતીયો સહિત કુલ ૨૩ ક્રૂ હતા. જેમને બચાવી લેવાયા છે. જોકે, એક ભારતીય ક્રૂ લાપતા છે. ઈરાનના હુમલામાં જહાજને કેટલુંક નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે. બીજીબાજુ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે જણાવ્યું કે હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા નક્કી કરાયેલા માર્ગ કરતાં અલગ માર્ગ પર જતા જહાજો પર હુમલા કરાશે. આ સાથે આઈઆરજીસીએ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, ઈરાન વિરુદ્ધ કોઈપણ નવી સૈન્ય કાર્યવાહીનો જડબાતોડ જવાબ અપાશે.
જોકે, ઈરાનની ધમકીઓની પરવા કર્યા વિના અમેરિકાએ શનિવારે રાતે અને રવિવારે સવારે ઈરાનમાં બંદર અબ્બાસ, સિરિક, કેશમ ટાપુ, બુશહર, અસાલુયેહ અને જાસ્કર સહિતના શહેરોમાં આઈઆરજીસી સૈન્ય માળખા, મિસાઈલ લોન્ચર્સ, કમાન્ડ સેન્ટર્સ, રડાર સાઈટ્સ અને અન્ય વ્યૂહાત્મક એસેટ્સ સહિત કુલ ૧૪૦ સ્થળો પર તાબડતોબ હુમલા કરી ઈરાનને હચમચાવી નાંખ્યું હતું તેમ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું.
મીડિયા અહેવાલો મુજબ અમેરિકાએ ઈરાનમાં ૧૪ મિસાઈલ લોન્ચર્સ, બે એર ડિફેન્સ સિસ્ટમ્સ, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, બે રડાર સાઈટ્સ, ૩૫ ફાસ્ટ એટેક બોટ્સ, બે મિસાઈલ સ્ટોરેજ સુવિધા સહિતના ૧૪૦ સ્થળો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા.
આ સિવાય કેટલાક અહેવાલ મુજબ અમેરિકાએ છેલ્લા ત્રણ દિવસમાં ઈરાનના ૩૦૦ સ્થળોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે.
અમેરિકાના હુમલાથી ધૂંધવાયેલા ઈરાને બહરીન, કુવૈત, કતાર, જોર્ડન, ઓમાન જેવા ખાડી દેશોમાં અમેરિકન સૈન્ય સ્થળોને નિશાન બનાવતા બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઈરાનના હુમલાઓમાં સૌથી ગંભીર હુમલો જોર્ડનના મુવાફલ સલ્તી એર બેઝ પર થયો હતો જ્યાં અમેરિકન એફ-૩૫ વિમાનો તૈનાત હોય છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
