<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

માઈક્રોસોફ્ટ સર્વર ઠપ થતાં દુનિયાભરમાં ભયાનક હાહાકાર: ભારતમાં એરલાઈન્સની એડવાઈઝરી: જાપાનમાં પેન-કાગળ પર કામ શરૂ: જાણો આ મહાસંકટની ૮ મોટી વાતો

વૈશ્વિક ટેકનોલોજી જગતમાં આવેલા સૌથી મોટા ભૂકંપથી એરપોર્ટથી લઈને બૅંકો અને ઓફિસોના કામકાજ અટકી પડતાં કરોડો લોકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટ (Microsoft) ની સેવાઓ અચાનક ઠપ થઈ જતાં સમગ્ર વિશ્વમાં અત્યંત સનસનાટીભર્યો અને અભૂતપૂર્વ ટેકનિકલ હાહાકાર મચી ગયો છે. સર્વર ડાઉન થવાની આ ભયાનક અસર ભારત સહિત જાપાન અને અન્ય દેશોમાં જોવા મળી રહી છે, જેના કારણે એરપોર્ટ, કોર્પોરેટ ઓફિસો અને સરકારી કામકાજ પર સીધી બ્રેક વાગી ગઈ છે.
અમેરિકન ટેક કંપની માઈક્રોસોફ્ટ દ્વારા આ ખામીની પ્રથમ જાણકારી અપાયાના 12 કલાકથી વધુ સમય વીતી જવા છતાં એન્જિનિયરો સિસ્ટમને સંપૂર્ણપણે ઠીક કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કંપનીએ સુધારા અંગે આંશિક પ્રગતિ થઈ હોવાનું જણાવ્યું હતું, પરંતુ સાથે જ સ્વીકાર્યું હતું કે, રિપેરિંગના પ્રયાસો ધાર્યા મુજબ પરિણામ આપી રહ્યા નથી. જોકે, માઈક્રોસોફ્ટે સ્પષ્ટતા કરી છે કે, આ આઉટેજ પાછળ કોઈ સાયબર હુમલા કે દૂષિત પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી.
હોંગકોંગમાં મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સૅક્સ જેવી અગ્રણી નાણાકીય સંસ્થાઓના કર્મચારીઓ ઈમેલ અને માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરી શક્યા નહોતા, જેનાથી દૈનિક કામગીરી અટકી પડી હતી. એક બેન્કરે મીડિયાને જણાવ્યું હતું કે અમુક ઈમેલ મળી રહ્યા છે, પરંતુ લાખો સંદેશાઓ બેકલોગમાં ફસાયા હોવાની શક્યતા છે. વિદેશી ગ્રાહકો સાથે સંવાદ પર નિર્ભર રહેતા વ્યવસાયોને પણ આનાથી મોટો ફટકો પડ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં શાળાઓ, કોર્ટ અને સરકારી કચેરીઓના કર્મચારીઓને આઉટલુક સહિતની માઈક્રોસોફ્ટ એપ્લિકેશન ખોલવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના મંત્રી ટોની બર્કે જણાવ્યું હતું કે માઈક્રોસોફ્ટે આ ઘટનાની સરખામણી જુલાઈ 2024 માં થયેલા ક્રાઉડસ્ટ્રાઈક આઉટેજ સાથે કરી છે. મંત્રી બર્કે ઓસ્ટ્રેલિયા ખાતેના માઈક્રોસોફ્ટના ટોચના અધિકારી અને રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સંયોજક સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે કંપનીને આ કોઈ સાયબર હુમલો લાગતો નથી, પરંતુ કોઈ સોફ્ટવેર અપડેટના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાની આશંકા છે.

 

(5:58 PM IST)