<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સ્પેનમાં ૩,૦૦૦થી વધુ ગેરકાયદેસર પ્રવાસીઓ સુરક્ષા ઘેરો તોડી સરહદમાં ઘૂસ્યા: ભારે અફરાતફરી વચ્ચે ૯ લોકોના મોત

યુરોપમાં ગેરકાયદે ઘૂસણખોરીનો મોટો પ્રયાસ: વાડ કુદવાની લ્હાયમાં અને ભાગદોડમાં સર્જાયેલી દુર્ઘટના:સ્પેનિશ સુરક્ષા દળોએ સરહદ પર નાકાબંધી સજ્જડ કરી

નવી દિલ્હી: સ્પેન સરહદે આફ્રિકન દેશોમાંથી આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ (પ્રવાસીઓ) દ્વારા સરહદી સુરક્ષા ઘેરો તોડીને દેશમાં ઘૂસણખોરી કરવાનો એક અત્યંત સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે; આશરે ૩,૦૦૦થી પણ વધુ ગેરકાયદેસર પ્રવાસીઓએ એકસાથે સરહદ પર લગાવેલી ઊંચી સુરક્ષા વાડ અને બેરિકેડ્સ તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો; આ મોટાપાયે થયેલી ભાગદોડ અને સુરક્ષા દળો સાથેની ઘર્ષણની સ્થિતિમાં અત્યાર સુધીમાં ૯ લોકોના કરૂણ મોત નીપજ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે; સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સ્પેનિશ બોર્ડર સિક્યોરિટી અને પોલીસ દળોએ વધારાનો કાફલો તૈનાત કર્યો છે; યુરોપિયન યુનિયનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના આ ખતરનાક પ્રયાસે આંતરરાષ્ટ્રીય સ્તરે સરહદી સુરક્ષા અને માનવ તસ્કરી અંગે ફરી એકવાર ગંભીર ચર્ચાઓ જગાવી છે.

આ સામૂહિક ઘૂસણખોરીની પદ્ધતિ અત્યંત ભયાવહ હતી. મોરોક્કોના સરહદી વિસ્તાર કાસતીલેજોસ માંથી હજારો લોકોના ટોળાએ એકસાથે દરિયામાં ઝંપલાવ્યું હતું. સમુદ્રના ભારે કરંટ અને તોફાની મોજાં હોવા છતાં, સેંકડો લોકો દરિયામાં કિલોમીટરો સુધી તરીને સેઉટાના તારખાલ બીચ પર પહોંચ્યા હતા. આ સિવાય, અસંખ્ય લોકોએ ઇન્ફ્લેટેબલ રમકડાની હોડીઓ, ટાયરની રબર ટ્યુબો અને લાકડાના પાટિયાંનો સહારો લીધો હતો. આ દરમિયાન સમુદ્રમાં ડૂબી જવાથી 1 મોરોક્કન નાગરિકનું મોત નીપજ્યું હોવાના સત્તાવાર અહેવાલ છે.

સ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર જતાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે પોતાના તમામ સત્તાવાર પ્રવાસો રદ કરીને હાઈ-લેવલ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે સેઉટામાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સશસ્ત્ર સૈન્ય દળોને મેદાનમાં ઉતારવાનો આદેશ આપ્યો હતો. સેઉટાના દરિયા કિનારે આર્મીના જવાનોએ બખ્તરબંધ ગાડીઓ અને ટેન્કો સાથે મોરચો સંભાળી લીધો છે. ઘૂસણખોરોને રોકવા માટે સૈનિકો દ્વારા હળવો બળપ્રયોગ અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે. સ્પેન સરકારે મોરોક્કો સાથેના પ્રત્યાર્પણ કરારનો ઉપયોગ કરીને પકડાયેલા શરણાર્થીઓને તાત્કાલિક બસોમાં ભરીને પાછા મોરોક્કો ધકેલવાની આક્રમક કામગીરી શરૂ કરી છે, અને અત્યાર સુધીમાં 1,500થી વધુ લોકોને પરત મોકલી દેવાયા છે.

આ કટોકટી પાછળ મોરોક્કો સરકારની ભૂમિકા ભારે શંકાના દાયરામાં છે. સામાન્ય રીતે મોરોક્કોની પોલીસ સેઉટા સરહદે ચુસ્ત બંદોબસ્ત રાખે છે, પરંતુ આ ઘટના દરમિયાન મોરોક્કન સુરક્ષાકર્મીઓએ જાણીજોઈને સરહદ ઢીલી મૂકી દીધી હતી અને તેઓ મૂકપ્રેક્ષક બનીને ઘૂસણખોરી જોતા ઊભા રહ્યા હતા. નિષ્ણાતોના મતે, આ કોઈ સામાન્ય શરણાર્થી કટોકટી નથી, પરંતુ સ્પેન અને મોરોક્કો વચ્ચેના વણસેલા રાજદ્વારી સંબંધોનું પરિણામ છે. તાજેતરમાં સ્પેનની હોસ્પિટલમાં વેસ્ટર્ન સહારાના ક્રાંતિકારી નેતા અને પોલિસારિયો ફ્રન્ટના પ્રમુખ બ્રાહિમ ઘાલીની ગુપ્ત સારવાર કરવામાં આવી હતી, જેનાથી મોરોક્કો ભારે નારાજ હતું. આ નારાજગીનો બદલો લેવા મોરોક્કોએ સ્પેન પર દબાણ લાવવા માટે 'ઇમિગ્રેશન વેપન' તરીકે આ શરણાર્થીઓનો ઉપયોગ કર્યો હોવાનું મનાય છે.

(5:26 PM IST)