News of Saturday, 21st November 2026
રેલવે ટ્રેક પર કાળમુખા અકસ્માતનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: ટ્રેન સાથે ભટકાતા જ મિની બસ અગનગોળો બની:ચાલકનું કરુણ મોત પણ ૨૬૪ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતા ભારે હાહાકાર
ધડાકાભેર ટક્કર બાદ આકાશમાં આગની ઊંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા મુસાફરો અને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા: મોતને હાથતાળી આપીને ૨૬૪ જિંદગીઓ બચી જતા ભારે ખળભળાટ:અરેરાટી અને દોડધામ, રેલવે તંત્ર અને પોલીસની તપાસનો ધમધમાટ

નવી દિલ્હી:રેલવે ટ્રેક પર એક એવો અત્યંત કંપારી છૂટી જાય તેવો, ભયાનક અને સનસનાટીભર્યો અકસ્માત સર્જાયો છે, જેના દ્રશ્યો જોઈને ભલભલાના રૂંવાડા ઉભા થઈ ગયા છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેન સાથે એક મિની બસ ધડાકાભેર ભટકાતા જ મિની બસ ગણતરીની સેકન્ડોમાં ભડભડ સળગી ઉઠીને અગનગોળો બની ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં મિની બસના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે, પરંતુ સદનસીબે ૨૬૪ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હોવાના અહેવાલોથી ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.
એક રિપોર્ટ પ્રમાણે કેરેટા આપ્પી ઈન્ડોનેશિયા (KAI)ના ઉત્તરી સુમાત્રા રિજનલ ડિવિઝન-1 ના પબ્લિક રિલેશન મેનેજર અનવર યુલી પ્રાસ્ત્યોએ જણાવ્યું કે, સિયાંતાર એક્સપ્રેસ મેડાન જઈ રહી હતી. મુસાફરી દરમિયાન સિયાંતાર સ્ટેશન અને ડોલોક મેરંગિર સ્ટેશન વચ્ચે કિલોમીટર 38+7/6 પર એક મિનીબસ અચાનક સુરક્ષા વિનાના રેલવે ક્રોસિંગ પરથી પસાર થવા લાગી. આ દરમિયાન ટ્રેન તેની સાથે અથડાઈ ગઈ.
ટક્કર એટલી જોરદાર હતી કે મિનીબસ અનેક મીટર સુધી ઢસડાતી ગઈ. અકસ્માત દરમિયાન ટ્રેનના એન્જિનમાંથી નીકળેલા તણખાએ મિનીબસ અને લોકોમોટિવ બંનેમાં આગ લગાવી દીધી. ઘટના બાદ ટ્રેનને વચ્ચેના રસ્તે રોકવી પડી અને તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
દુર્ઘટનામાં ટ્રેનના બે ચાલક અને એક અન્ય કર્મચારી ઘાયલ થઈ ગયા. તમામ ઘાયલોને ઘટનાસ્થળેથી કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રેલવે અધિકારીઓ અનુસાર ટ્રેનમાં સવાર તમામ 264 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. અનવર પ્રાસ્ત્યોએ કહ્યું કે, 'સિયાંતાર સ્ટેશનથી મુસાફરી શરૂ કરનારા તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ મુસાફરને કોઈ નુકસાન પહોંચ્યું નથી.' મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા. અકસ્માત બાદ લાગેલી આગે ટ્રેનના એન્જિનને પોતાની ઝપેટમાં લઈ લીધું, પરંતુ ફાયર કર્મચારીઓએ સમયસર આગ પર કાબૂ મેળવી લીધો. અધિકારીઓ અનુસાર આગ મુસાફર ડબ્બાઓ સુધી પહોંચી નહીં, જેનાથી મોટું નુકસાન ટળી ગયું. શુક્રવાર મોડી રાત સુધી ફાયરની ટીમો કૂલિંગ ઓપરેશનમાં જોડાયેલી રહી.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
