<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ઉનાળાની ગરમીમાં સ્વિમિંગ પૂલના શોખીનો માટે લાલબત્તી:આંખો ગુમાવવાનું આવી શકે છે નોબત: કલાકો સુધી પૂલમાં નહાતા લોકો સાવધાન:આંખોમાં થઈ શકે છે ભયાનક ઇન્ફેક્શન

પૂલને સાફ રાખવા નખાતું ક્લોરીન અને લોકોનો પરસેવો ભળતાં બને છે ખતરનાક કેમિકલ: કન્જક્ટિવાઇટિસ અને કોર્નિયલ અલ્સર જેવી ગંભીર બીમારીઓનો ઘેરો ખતરો:આંખોને સુરક્ષિત રાખવા ડોક્ટરોની કડક ગાઇડલાઇન

નવી દિલ્હી: ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે અત્યારે વડોદરા શહેર સહિત આખા ગુજરાતમાં સ્વિમિંગ પૂલોમાં લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને બાળકો અને યુવાનો કલાકો સુધી પૂલના પાણીમાં મસ્તી કરતા નજરે પડે છે. પરંતુ જો તમે પણ આવું કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા સાબિત થઈ શકે છે. તબીબોના મતે, સ્વિમિંગ પૂલના દૂષિત પાણીના કારણે આંખોમાં ગંભીર પ્રકારના સંક્રમણ (ઇન્ફેક્શન) ના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે.
સ્વિમિંગ પૂલના પાણીને જંતુમુક્ત અને સાફ રાખવા માટે તેમાં ક્લોરિન કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લોરિન પાણીમાં રહેલા કીટાણુઓ અને બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ કરે છે, પરંતુ જો તેની માત્રા વધારે હોય તો તે આંખોની કુદરતી સુરક્ષા પરત એટલે કે 'ટીયર ફિલ્મ'ને નુકસાન પહોંચાડે છે. જેના કારણે આંખોમાં અચાનક બળતરા, લાલાશ અને ચચરાટ થવા લાગે છે. જો કે, યોગ્ય માત્રામાં કલોરિનયુક્ત અને એકદમ ચોખ્ખું પાણી આંખો માટે સુરક્ષિત ગણાય છે.
જો સ્વિમિંગ પૂલની નિયમિત અને યોગ્ય સાફ-સફાઈ ન રાખવામાં આવે, તો તે આંખોમાં ગંભીર ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. પૂલના ગંદા પાણીમાં વાયરસ, બેક્ટેરિયા કે ફંગસ પેદા થાય છે, જે આંખોમાં એલર્જી અથવા કંજક્ટિવાઇટિસ (આંખો આવવી) જેવી બીમારીઓ નોતરે છે. ખાસ કરીને જે લોકોની આંખો વધુ સંવેદનશીલ છે અથવા જેઓ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે, તેમણે આવા પાણીથી વધારે સાવધ રહેવું જોઈએ.
પૂલ પાર્ટી અથવા સ્વિમિંગની મજા બગડે નહીં તે માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્વિમિંગ કરતી વખતે હંમેશા સારી ગુણવત્તાવાળા 'સ્વિમિંગ ગૉગલ્સ' (ચશ્મા) પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ, જે આંખોને ક્લોરિન અને ગંદા પાણીના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે. આ ઉપરાંત, સ્વિમિંગ પૂલમાંથી બહાર આવ્યા પછી તરત જ આંખોને ચોખ્ખા અને ઠંડા પાણીથી બરાબર ધોઈ નાખવી જોઈએ, જેથી આંખો પર ચોંટેલા કેમિકલ્સ કે ગંદકી સાફ થઈ જાય.
જો સ્વિમિંગ કર્યા બાદ આંખોમાં સતત બળતરા થતી હોય, ઝાંખું દેખાવા લાગે, અસહ્ય દુખાવો થાય, આંખો વધુ પડતી લાલ થઈ જાય કે સોજો આવી જાય, તો તેને સામાન્ય ગણીને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના ઘરેલું નુસખા અજમાવવાને બદલે તુરંત જ આંખોના ડૉક્ટર (આઇ સ્પેશિયાલિસ્ટ) પાસે જઈને યોગ્ય સારવાર કરાવવી હિતાવહ છે.

 

(5:56 PM IST)