News of Thursday, 28th May 2026
તમારા રસોડામાં મુખવાસના નામે ધીમું ઝેર: વધુ પડતી લીલી અને ચમકદાર વરિયાળી ખરીદતા પહેલાં સો વાર ચેતજો, લિવર-કિડની થઈ શકે છે ફેઈલ
વરિયાળીને આકર્ષક બનાવવા માટે ઝેરી કેમિકલ અને આર્ટિફિશિયલ કલરનું થઈ રહ્યું છે અંધાધૂંધ મિશ્રણ: ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં, ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું

નવી દિલ્હી: સામાન્ય રીતે ભારતીય ઘરોમાં જમ્યા પછી મુખવાસ તરીકે વરિયાળી ખાવાની જૂની પરંપરા છે. પરંતુ જો તમે બજારમાંથી બહુ જ વધારે પડતી લીલી અને કાચ જેવી ચમકદાર વરિયાળી ખરીદી રહ્યા છો, તો સાવધાન થઈ જજો! ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (FSSAI) અને આરોગ્ય નિષ્ણાતોના ચોંકાવનારા અહેવાલો મુજબ, વરિયાળીને સુંદર અને પ્રીમિયમ બતાવવા માટે તેના પર 'મેલાકાઈટ ગ્રીન' (Malachite Green) જેવા ઝેરી કેમિકલ કલરનો કડક સ્પ્રે કરવામાં આવે છે. આ ભેળસેળયુક્ત વરિયાળી ખાવાથી માનવ શરીરના સૌથી મહત્વના અંગો જેવા કે લિવર અને કિડની સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે.
હોટેલ-રેસ્ટોરન્ટમાં જમ્યા પછી કે ઘરમાં માઉથ ફ્રેશનર તરીકે વરિયાળીનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે. પરંતુ બજારમાં મળતી જરૂરિયાત કરતાં વધુ પડતી લીલી અને ચમકદાર વરિયાળી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત વધુ કમાણી કરવાની લાલચમાં ફેક્ટરી માલિકો તેમાં એવો કેમિકલ રંગ ભેળવે છે જે માનવ શરીર માટે બિલકુલ સુરક્ષિત નથી. આ રંગ પેટની ગંભીર બીમારીઓથી લઈને લિવર અને કિડનીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. જો કે, કેટલીક સરળ રીતો અપનાવીને નકલી અને અસલી વરિયાળીને સરળતાથી ઓળખી શકાય છે.
બજારમાંથી ખરીદેલી વરિયાળી અસલી છે કે તેમાં કેમિકલ ભળેલું છે, તેની તપાસ તમે ઘરે જ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આ માટેની સૌથી પહેલી રીત 'હથેળી ટેસ્ટ' છે. સૌથી પહેલા થોડી વરિયાળી લઈને તેને તમારી હથેળીઓ પર રાખો અને આપસમાં બરાબર ઘસો. જો ઘસ્યા પછી તમારી હથેળી પર લીલો રંગ લાગી જાય અથવા હથેળીનો રંગ બદલાઈ જાય, તો સમજી જવું કે તેમાં આર્ટિફિશિયલ કલર ઉમેરવામાં આવ્યો છે. અસલી વરિયાળીને હાથથી ઘસવા પર તે ક્યારેય પોતાનો રંગ છોડતી નથી.
નકલી વરિયાળીને ઓળખવાનો બીજો સૌથી બેસ્ટ રસ્તો પાણીનો ટેસ્ટ છે. આ માટે કાચના એક ગ્લાસમાં થોડું ચોખ્ખું પાણી લો અને તેમાં એક ચમચી વરિયાળી નાખો. ત્યાર બાદ પાણીને બરાબર હલાવો અને થોડીવાર માટે એમ જ છોડી દો. જો વરિયાળીમાં કેમિકલ ડાઈ મિક્સ કરેલી હશે, તો પાણીનો રંગ તરત જ ઘાટો લીલો અથવા કેમિકલ જેવો દેખાવા લાગશે. બીજી તરફ, જો વરિયાળી નેચરલ હશે તો પાણીના રંગમાં બહુ સામાન્ય કે નજીવો બદલાવ આવશે.
વધુ પડતી ચમકથી દૂર રહો: વરિયાળી ખરીદતી વખતે હંમેશા બહુ વધારે ઘાટા લીલા અને એકદમ ચમકદાર દાણા જોઈને લાલચમાં ન આવવું જોઈએ. અસલી વરિયાળીનો રંગ થોડો આછો અને નેચરલ હોય છે.
FSSAI માર્ક ચેક કરો: હંમેશા પેક્ડ અને ભરોસાપાત્ર બ્રાન્ડ્સમાંથી જ વરિયાળી કે અન્ય મસાલા ખરીદો, જેના પેકિંગ પર FSSAIનો લોગો અને લાયસન્સ નંબર સ્પષ્ટ રીતે લખેલો હોય.
ખુલ્લી વરિયાળી ખરીદવાનું ટાળો: બજારમાં ખુલ્લામાં મળતી, ખૂબ જ સસ્તી અને અજીબ સુગંધ આવતી વરિયાળી ખરીદવાનું હંમેશા ટાળવું જોઈએ, કારણ કે તે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
