<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સ્પેસએક્સનું રોકેટ ચંદ્રની સપાટી સાથે ધડાકાભેર ટકરાશે: સ્પેસ સાયન્સમાં ઐતિહાસિક ઘટના: વિજ્ઞાનીઓને અનંત અવકાશના સંશોધનની દુર્લભ તક

અંતરિક્ષમાં બિનવારસી રખડતા રોકેટના ટુકડાની સ્પેસ ટક્કર પર વિજ્ઞાનીઓની મીટ: ધમાકાથી સર્જાનારા ખાડા અને ઊડતી રજકણોથી ચંદ્રના રહસ્યો પરથી પડદો ઊંચકાશે

નવી દિલ્હી:એલોન મસ્કની સ્પેસએક્સ કંપનીનું એક રોકેટ અવકાશમાં પોતાના મિશન બાદ ભ્રમણકક્ષામાં ભટકી ગયા પછી હવે સીધું ચંદ્રની સપાટી સાથે ટકરાવા જઈ રહ્યું છે. આ ભયાનક અંતરિક્ષ ટક્કરને લઈને સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ અને સ્પેસ વિજ્ઞાનીઓમાં ભારે ઉત્સુકતા વ્યાપી ગઈ છે. વર્ષોથી સ્પેસમાં રખડતા આ રોકેટ બૂસ્ટરના ક્રેશ લેન્ડિંગના કારણે ચંદ્રની સપાટી પર મોટો ધમાકો થશે અને વિશાળ ખાડો (ક્રેટર) સર્જાશે. વિજ્ઞાનીઓના મતે, આ માત્ર એક ટક્કર નથી પરંતુ સંશોધન માટેની એક અત્યંત દુર્લભ અને સુવર્ણ તક છે. ટક્કર વખતે ચંદ્રની સપાટી પરથી ઉછળતી માટી, ખડકો અને રજકણોનો અભ્યાસ કરીને ચંદ્રના પેટાળમાં રહેલા તત્ત્વો અને પાણીની હાજરી અંગેના અણઉકેલાયેલા રહસ્યો ઉકેલવામાં વૈજ્ઞાનિકોને અભૂતપૂર્વ સફળતા મળી શકે છે.

બાર મીટર લાંબા અને ૪,૫૦૦ કિલોગ્રામ વજનનો આ રોકેટનો હિસ્સો જાન્યુઆરી ૨૦૨૫માં બે ખાનગી લ્યુનર લેન્ડર્સને લઈને ગયો હતો. એમાંથી એક ફાયરફ્લાય એરોસ્પેસનો બ્લ્યુ ઘોસ્ટ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યો, જ્યારે જાપાનનો આઈસ્પેસ લેન્ડર ક્રેશ થઈ ગયો. વિશેષજ્ઞાોના જણાવ્યા અનુસાર જો મિશન પુરુ થયા પછી રોકેટને સૂર્યની ચારે બાજુ ભ્રમણકક્ષામાં મોકલી દેવામાં આવ્યું હોત તો આ અથડામણ નિવારી શકાઈ હોત.
વિજ્ઞાનીઓનું અનુમાન છે કે અથડામણથી લગભગ ત્રણ ટન ટીએનટી જેટલી ઊર્જા નિકળશે, જેનાથી લગભગ ૨૭ મીટર પહોળો અને પાંચ મીટર ઊંડો ખાડો બનશે. જો કે આ અથડામણથી થનારો પ્રકાશ એટલો ઝાંખો હશે કે તેને જોઈ નહિ શકાય,પણ ધૂળ અને કાટમાળના વાદળ ટેલીસ્કોપથી કેટલીક મિનિટો સુધી જોઈ શકાશે. નાસાનું લ્યુનર રીકોનેસાન્સ ઓર્બિટર અને દક્ષિણ કોરિયાનું દાનુરી ઓર્બિટર ટક્કરથી પહેલા અને પછી આ સ્થળની માહિતી એકત્ર કરશે.
આ ઘટના ચંદ્ર વિશે થતા સંશોધનો સાથે અંતરીક્ષ કાટમાળને સંભાળવામાં વધતા પડકાર પણ ઉજાગર કરે છે. સંશોધકોના મતે આ યોગ્ય રીતે ટ્રેક કરવામાં આવતી ટક્કરનો અભ્યાસ કરીને ભવિષ્યના અંતરીક્ષ યાત્રિઓ અને રોબોટિક મિશનો માટે કાટમાળથી થતા જોખમો વિશે બહેતર જાણકારી મળશે. અમેરિકા અને ચીનના નવા સમાનવ ચંદ્ર મિશનોની તૈયારી સાથે, વિશેષજ્ઞાોએ બહેતર અંતરીક્ષ ટ્રેફિક મેનેજમેન્ટ અને કાટમાળની દેખરેખ કરતી સીસ્ટમની ભલામણ કરી છે.

(5:19 PM IST)