<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધ જ્વાળા: અમેરિકાના હુમલાથી ભડકેલા ઈરાને જોર્ડન: કુવૈત અને બહેરીન પર કર્યો મોટો મિસાઈલ મારો

સેંકડો આત્મઘાતી ડ્રોન આકાશમાં દેખાતા જ ગલ્ફ દેશોમાં હાઇ-એલર્ટ: એરસ્પેસ તાત્કાલિક બંધ કરાઈ: અમેરિકી સૈન્ય એરબેઝને ટાર્ગેટ કરાયા હોવાની આશંકા

નવી દિલ્હી: ખાડી દેશોમાં સત્તાવાર રીતે યુદ્ધ ફાટી નીકળ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકી વાયુસેના દ્વારા ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેના પ્રત્યાઘાત રૂપે ઈરાને તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓને નેવે મૂકીને સીધો અને મોટો હુમલો કરી દીધો છે. ઈરાની સૈન્ય 'રિવોલ્યુશનરી ગાર્ડ્સ' દ્વારા ઇઝરાયલની બોર્ડર પર આવેલા જોર્ડન, તેમજ અમેરિકી સૈન્ય મથકો ધરાવતા કુવૈત અને બહેરીનની દિશામાં એકસાથે ઘાતક બેલિસ્ટિક મિસાઇલો અને વિસ્ફોટક ડ્રોન છોડવામાં આવ્યા છે.

ઈરાને દાવો કર્યો છે કે આ હુમલામાં ઈઝરાયલના પાડોશી દેશ જોર્ડનમાં સ્થિત અમેરિકન એરબેઝના કમાન્ડ સેન્ટર અને ડ્રોન હેંગર્સને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઈરાનની સરકારી મીડિયા 'IRIB' દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે જોર્ડનમાં અમેરિકન સૈન્ય મથકો પર થયેલા આ હુમલા બાદ ત્યાં તમામ ફ્લાઇટ્સની અવરજવર પર અસ્થાયી ધોરણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પહેલાં પણ ઈરાને જોર્ડનના 'પ્રિન્સ હસન એરબેઝ' પર ઘણી બેલિસ્ટિક મિસાઇલો છોડીને તેના કમાન્ડ સેન્ટર અને MQ9 ડ્રોનના હેંગર્સને નિશાન બનાવ્યા હતા.

બીજી તરફ, જોર્ડને સત્તાવાર જાહેરાત કરી છે કે તેણે પોતાની સરહદ તરફ આવી રહેલી ઈરાનની ચાર મિસાઇલોને હવામાં જ તોડી પાડી છે. જોર્ડનની સરકારી સમાચાર એજન્સી 'પેટ્રા'એ સેનાના હવાલાથી જણાવ્યું છે કે, આ એન્ટી-મિસાઇલ એક્શન દરમિયાન કોઈ નાગરિકના હતાહત થવાના કે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.

ઈરાની સેના (IRGC)એ એક નિવેદન જાહેર કરીને આ હુમલા પાછળનું કારણ જણાવ્યું છે. ઈરાને આક્ષેપ કર્યો છે કે, અપરાધી અમેરિકન સરકારે ઓમાનની સરકાર પર પોતાની મરજી થોપીને ફરી એકવાર અમને અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમેરિકાએ કેટલાક જહાજોને ઉશ્કેરીને 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'ની દક્ષિણમાં એક ગેરકાયદેસર દરિયાઈ રસ્તો બનાવવાની કોશિશ કરી હતી, જેને ઈરાનની નૌસેનાએ કડક કાર્યવાહી કરીને રોકી દીધી હતી. આ હારની અકળામણમાં અમેરિકાએ ઈરાનના દક્ષિણી તટ પર આવેલા કેટલાક તટીય વિસ્તારો અને ટેલિકોમ ટાવર્સ પર હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાં ઈરાને તુરંત જ આ વળતો પ્રહાર કર્યો છે.

(5:06 PM IST)