News of Wednesday, 9th September 2026
પાડોશીઓની પંચાત કરીને આ દાદીએ બનાવી લીધા ૨ મકાનઃ એક સિક્રેટના લે છે રૂા.૨૧૦૦૦
કોલંબિયાની ૬૭ વર્ષની મિરિયમએ પાડોશની ગોસિપને જ કમાણીનું અનોખું સાધન બનાવી દીધું : ઘરની બહાર બેસીને પાડોશીઓની હિલચાલ પર નજર રાખતી મિરિયમ ચટપટી માહિતી માટે પૈસા લે છેઃ નાની ગોસિપ માટે રૂા. ૧૫૦થી રૂા. ૩૦૦ અને મોટા રહસ્ય માટે રૂા. ૨૧,૦૦૦ સુધી ચાર્જ કરે છે

આર્મેનિયા તા.૯: શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાડોશીઓના જીવન વિશે માહિતી મેળવવાની આદત પણ કોઈ વ્યક્તિ માટે કમાણીનું સાધન બની શકે? સામાન્ય રીતે અન્ય લોકોની વાતો જાણવી અને ગોસિપ કરવી માત્ર સમય પસાર કરવાની આદત માનવામાં આવે છે. જોકે, કોલંબિયાની ૬૭ વર્ષની એક દાદીએ આ જ આદતને અનોખા બિઝનેસ માં ફેરવી દીધી છે. કોલંબિયાના આર્મેનિયા શહેરમાં રહેતી મિરિયમ નું અનોખું કામ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યું છે. પાડોશીઓના રહસ્યો અને ગોસિપની માહિતી આપીને તેમણે એટલી કમાણી કરી છે કે તેમાંથી ૨ મકાન સુધી ઊભાં કરી લીધાં છે.
એક અહેવાલ મુજબ, મિરિયમ પોતાના ઘરની બહાર ખુરશી મૂકીને બેસી જાય છે અને આસપાસના વિસ્તારમાં થતી દરેક નાની-મોટી હિલચાલ પર નજર રાખે છે. કોના ઘરમાં શું બની રહ્યું છે, કોનો કોની સાથે ઝઘડો થયો છે અથવા કોણ કોની સાથે ગુપ્ત રીતે મળી રહ્યું છે, આવી અનેક બાબતોની માહિતી તેઓ એકઠી કરે છે. મિરિયમની નજર માત્ર સામાન્ય વાતો સુધી મર્યાદિત નથી. પાડોશીઓના અંગત જીવન સાથે જોડાયેલી રસપ્રદ માહિતી પણ તેઓ યાદ રાખે છે અને જરૂર પડ્યે તેને પોતાના ગ્રાહકો સાથે શેર કરે છે.
મિરિયમે પોતાની આ આદતને વ્યવસ્થિત રીતે પ્રોફેશનલ ગોસિપ બિઝનેસમાં ફેરવી નાખ્યો છે. તેઓ પોતાને ગર્વથી Professional Chismosa એટલે કે Gossip Queen તરીકે ઓળખાવે છે. પાડોશમાં કોઈ વ્યક્તિને અન્ય રહેવાસી વિશે ચટપટી કે ગુપ્ત માહિતી જાણવી હોય તો તેઓ મિરિયમનો સંપર્ક કરે છે. જોકે, આ માહિતી મફતમાં મળતી નથી. નાની-મોટી ગોસિપ માટે મિરિયમ ૫,૦૦૦થી ૧૦,૦૦૦ કોલંબિયન પેસો એટલે કે આશરે રૂા. ૧૫૦થી પરંતુ જો વાત કોઈ મોટા રહસ્ય (Secret) સાથે જોડાયેલી હોય તો તેની કિમત પણ ઘણી વધારે હોય છે. મિરિયમના જણાવ્યા પ્રમાણે, તેમની સૌથી મોંઘી ગોસિપ માટે એક વ્યક્તિ પાસેથી તેમણે ૭ લાખ કોલંબિયન પેસો એટલે કે આશરે રૂા.૨૧,૦૦૦ લીધા હતા. આ વ્યક્તિ પોતાની પત્ની ઘરની બહાર જાય ત્યારે તેને છેતરતો હતો અને આ રહસ્ય છુપાવવા માટે તેણે મિરિયમને આટલી મોટી રકમ ચૂકવી હતી.
મિરિયમનું કામ માત્ર અફવા કે અંદાજ પર આધારિત નથી. તેઓ જાણે કોઈ પત્રકાર (Journalist)ની જેમ પોતાની માહિતીનો રેકોર્ડ રાખે છે. તેમના પાસે એક ખાસ નોટબુક (Notebook) છે, જેમાં તેઓ ગોસિપ સાથે તારીખ અને સમય પણ નોંધે છે. આ ઉપરાંત, તેમના ઘરની અંદર એક ખાસ Gossip Board પણ બનાવવામાં આવ્યું છે. તેમાં તસવીરો, કાગળો અને દોરાની મદદથી પાડોશીઓ સાથે જોડાયેલી માહિતી અને રહસ્યોને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે.
મિરિયમના આ વ્યવસાયને કારણે કેટલાક પાડોશીઓ તેમનાથી નારાજ પણ રહે છે. તેમ છતાં, જ્યારે કોઈને કોઈની ગુપ્ત માહિતી કે ચટપટી ખબર જાણવાની ઉત્સુકતા થાય છે, ત્યારે તેઓ ફરી મિરિયમના દરવાજે જ પહોંચે છે. આ રીતે, લોકોની ગોસિપ કરવાની અને જાણવાની ઉત્સુકતાને મિરિયમે એક અનોખા કમાણીના મોડેલમાં બદલી નાખી છે
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
