News of Saturday, 4th July 2026
વ્લાદિમીર પુતિને ફરી જગતનું ટેન્શન વધાર્યું: યુક્રેનનો શાંતિ પ્રસ્તાવ ફગાવી આરપારની લડાઈ લડવા હુમલા તેજ કરવાની આપી ગર્જના
યુદ્ધના ભયાનક મંડાણ: કિવ (Kyiv) ની પીછેહઠ વચ્ચે રશિયા પારો સાતમા આસમાને: શાંતિ મંત્રણાના નામે નાટક બંધ કરવા કહી પરમાણુ સંપન્ન દેશે લાલ આંખ કરી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા લોહિયાળ જંગમાં વૈશ્વિક શાંતિની આશા રાખતા દેશોને મોટો ઝાટકો લાગ્યો છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને સદંતર ઠુકરાવી દઈને યુદ્ધ વધુ ભયાનક બનાવવાની ખુલ્લી ચેતવણી આપી દીધી છે. ક્રેમલિન ખાતેથી વહેતા થયેલા અહેવાલો મુજબ, પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પશ્ચિમી દેશોના ઈશારે થતા આવા કોઈ સસ્તી લોકપ્રિયતા મેળવવાના શાંતિ પ્રસ્તાવો રશિયાને મંજૂર નથી અને જ્યાં સુધી રશિયાના સૈન્ય લક્ષ્યાંકો પૂરા નહીં થાય ત્યાં સુધી યુક્રેન પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો દોર સખત રીતે તેજ કરવામાં આવશે. રશિયાના આ આક્રમક વલણ અને કડક તેવરના કારણે સમગ્ર મિડલ ઈસ્ટ અને યુરોપ સહિત સમગ્ર જગતમાં ફરી એકવાર તણાવનો માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
બીજી તરફ, રશિયા દ્વારા ગુરુવારે યુક્રેનની રાજધાની કીવ પર કરવામાં આવેલા ભયાનક હુમલામાં જાનમાલનું મોટું નુકસાન થયું છે અને મૃત્યુઆંક વધીને 30 પર પહોંચી ગયો છે. રાષ્ટ્રપતિ પુતિને આ અંગે દાવો કર્યો છે કે, યુક્રેન રશિયાના ઊર્જા પ્લાન્ટ્સ (એનર્જી સેક્ટર્સ) પર હુમલા કરીને યુદ્ધના મોરચે થઈ રહેલી પોતાની હાર પરથી વિશ્વનું ધ્યાન ભટકાવવા માંગે છે. જોકે, વૈશ્વિક સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધના મેદાનમાં રશિયન સેનાની આગળ વધવાની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે.
વ્લાદિમીર પુતિને સ્વીકાર્યું છે કે હાલનો સમય રશિયા માટે ખૂબ જ પડકારજનક છે, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી છે કે તેલ અને ગેસની આ કટોકટી પર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેવાશે. ઉલ્લેખનીય છે કે, યુક્રેને તાજેતરના મહિનાઓમાં રશિયાના ઓઈલ અને ગેસ સ્ટેશનો પર 50 થી વધુ મોટા હુમલા કર્યા છે. આ હુમલાઓમાં રશિયાની કુલ 33 રિફાઈનરીઓમાંથી 24 ને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેમાંથી લગભગ અડધા કારખાનાઓમાં તેલ શુદ્ધિકરણનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
