News of Monday, 13th July 2026
વર્ષો સુધી રોજ પગની આંગળી પર બટકું ભરીને પત્નીએ પતિને કોમામાંથી જગાડયો
દિવસમાં બે વાર પતિના શરીરને માલિશ કરતી જેથી સ્નાયુઓ મજબૂત રહે

હેનાન,તા.૧૩: એક ચીની મહિલાએ કોમામાં સરી પડેલા પતિની સંભાળ અને સારવાર કરીને તેના બેજાન શરીરમાં આખરે જાન ફૂંક્યો. ઘટના એવી છે કે સેન્ટ્રલ ચીનના હેનાન પ્રાંતમાં રહેતી ૪૫ વર્ષની સોન્ગ મેઈ નામની આર્ટ-ટીચરનો પતિ ઝાઓ વોટરપ્રૂફિગનું કામ કરતો હતો. બે બાળકો સાથે પરિવાર ખુશ હતો, પરંતુ ૮ વર્ષ પહેલાં એક દુર્ઘટનાએ તેમનું જીવન ઊલટપુલટ કરી નાખ્યું. ઝાઓ ૨૦૧૯માં એક વેઅરહાઉસની છતમાં ફસાયેલાં ૩ વર્ષના બાળકને બચાવવા માટે દોડ્યો હતો. દોડીને તેણે બાળકને તો ઝીલી લીધું, પરંતુ એ પછી સંતુલન જતાં તે ૬ મીટર નીચે માથાભેર પડ્યો. પેલું બાળક તો હેમખેમ બચી ગયું, પરંતુ ઝાઓના મગજને એટલું નુકસાન થયું કે તે લગભગ કોમામાં સરી પડ્યો. તેના શરીરમાં કોઈ ચેતના જ નહોતી, માત્ર શ્વાસ ચાલતા હતા. ૬ મહિનાના પ્રયત્ન પછી તો ડોક્ટરોએ પણ આશા ગુમાવી દીધી હતી. જોકે પત્નીએ હાર ન માની. તેણે નોકરી છોડી દીધી અને આખો દિવસ પતિની સેવામાં લાગી ગઈ.
દિવસમાં બે વાર પતિના શરીરને માલિશ કરતી જેથી સ્નાયુઓ મજબૂત રહે. પતિ સાંભળી શકે છે કે કેમ એની ખબર ન હોવા છતાં તે પતિ પાસે બેસીને ખૂબબધી વાતો કરતી. બાળકો સૂઈ જાય એ પછી તે પોતાની સંવેદનાઓને અભિવ્યક્ત કરવા માટે ચિત્રો દોરતી. આ ચિત્રો ઑનલાઇન વેચીને જે કમાણી થતી એનાથી તેનું ઘર ચાલતું. એક વાર મસ્તી-મસ્તીમાં વાતો કરતી વખતે સોન્ગે પતિના પગના અંગૂઠાને ચીમટો ભર્યો તો તેના શરીરમાં એક હળવું કંપન જેવું થયું. આ ઘટના વિશે તેણે ડોક્ટરને વાત કરી તો ડોક્ટરે કહ્યું કે આવું વારંવાર કરો, પગના અંગૂઠા પર સ્ટિમ્યુલેશન કરવાથી બની શકે કે ચેતાતંતુઓ ફરીથી કામ કરતા થાય. ચેતાતંતુની રિકવરી સ્ટિમ્યુલેટ કરવા માટે પત્નીએ રોજ પગની આંગળીઓને મરોડવાનું અને અંગૂઠા પર બચકું ભરવાનું શરૂ કર્યું. લગાતાર પાંચ વર્ષ સુધી રોજ તે પતિના પગને સ્ટિમ્યુલેટ કરતી રહી. તાજેતરમાં ૩૦ જૂને સોન્ગે જ્યારે પતિના અંગૂઠાને કરડ્યો ત્યારે તેના શરીરમાં હરકત આવી ગઈ અને પહેલી વાર પતિ ધીમું-ધીમું બોલ્યો, ‘સોન્ગ, આઇ લવ યુ'. એ પછીથી ઝાઓના શરીરમાં ઘણી હલચલ થવાની શરૂ થઈ છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
