News of Tuesday, 12th May 2026
૧ કરોડ ૧ લાખ ૧૧ હજાર રોકડાઃ લગ્નમાં રૂપિયાનો વરસાદઃ દહેજમાં રોકડ સાથે આપી BMW કાર અને દાગીના
ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં થયેલા એક શાહી લગ્નનો વીડિયો વાયરલ

ગાઝિયાબાદ તા.૧૨: ગાઝિયાબાદમાં કરોડોના દહેજવાળા લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઇદ્રીસી સમાજમાં થયેલા આ લગ્નમાં દહેજમાં આશરે ૧ કરોડથી વધુની રોકડ, BMW કાર, હીરાના દાગીના અને ઘણી મિલકતો આપવામાં આવી છે. એટલું જ નહીં, લગ્ન કરાવનાર વચેટિયાને સ્કોર્પિયો ફ અને નાની-નાની ભૂમિકા ભજવનાર લોકોને સ્પ્લેન્ડર બાઇક આપવાની પણ ચર્ચા છે. જાણવા મળી રહ્યું છે કે, આ લગ્ન ગઈકાલે રાત્રે થયા હતા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે વાયરલ વીડિયોના લોકેશનની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ શકી નથી, પરંતુ તેને ગાઝિયાબાદનો બતાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયોને લઈને લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો તેને શાન અને મોભા સાથે જોડીને જોઈ રહ્યા છે, તો વળી ઘણા લોકો તેને દહેજ પ્રથાને પ્રોત્સાહન આપનાર અને સમાજ માટે ખોટો સંદેશ ગણાવી રહ્યા છે.
દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયેલા આ શાહી લગ્નના વાયરલ વીડિયોમાં લગ્ન સમારોહ દરમિયાન મોટી માત્રામાં રોકડ અને દહેજનું પ્રદર્શન દેખાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મામલો મુસ્લિમ સમાજના ઇદ્રીસી સમુદાય સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે.
હકીકતમાં, દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન તે જ વિસ્તારની યુવતી સાથે ૯ મેની રાત્રે ઇન્દિરાપુરમ સ્થિત રોયલ એમ્બિયન્સ ફાર્મ હાઉસમાં સંપન્ન થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, લગ્નમાં દહેજ તરીકે ૧ કરોડ ૧ લાખ ૧૧ હજાર રૂપિયા રોકડા, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિમતી સામાન આપવામાં આવ્યો છે.
એટલું જ નહીં, લગ્નથી આશરે છ મહિના પહેલા થયેલી સગાઈમાં પણ વર પક્ષને એક THAR અને ૩૧ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હોવાની ચર્ચા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં મોટી માત્રામાં રોકડથી ભરેલી બેગ જોવા મળી રહી છે, જેના પછી આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરીનો પરિવાર ખજૂરી ખાસ વિસ્તારનો એક સંપન્ન વેપારી પરિવાર હોવાનું કહેવાય છે, જ્યારે છોકરાનો પરિવાર સામાન્ય આર્થિક સ્થિતિવાળો હોવાનું જણાવાયું છે. હાલમાં વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર જાતજાતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જોકે રોકડ અને દહેજની રકમને લઈને સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બીજી તરફ, દહેજ પ્રદર્શનને લઈને લોકોમાં ચર્ચા પણ તેજ થઈ ગઈ છે
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
