News of Thursday, 30th April 2026
૧ લાખ લોકોને આમંત્રણઃ ૧૫ એકરમાં માંડવોઃ સુરક્ષામાં ૮૦૦ પોલીસ
ધારાસભ્યના દીકરાના લગ્નમાં વટ પાડી દીધો : મહેમાનો માટે ૫૬ ભોગની વિશેષ વ્યવસ્થાઃ ૭૦૦ જેટલા વેઇટર તૈનાત કર્યા હતા

બહાદુરગઢ તા.૩૦: હરિયાણાના બહાદુરગઢમાં અપક્ષ ધારાસભ્ય રાજેશ જૂનના દીકરા સચિન જૂનની મંગળવારે સગાઈ થઈ. આ સમારંભમાં મુખ્યમંત્રી નાયબ સિહ સૈનીએ પણ હાજરી આપી અને વરરાજા સચિન જૂન અને દુલ્હન ડોક્ટર સનોજને આશીર્વાદ આપ્યા હતા. આ દરમ્યાન સીએમે ધારાસભ્ય રાજેશ જૂન અને તેમના પરિવારને શુભકામના આપી હતી.
જાણકારી અનુસાર, આ સગાઈ સમારંભના ભવ્ય આયોજન માટે સેક્ટર ૯માં લગભગ ૧૫ એકર વિસ્તારમાં વિશાળ ટેન્ટ લગાવ્યા હતા. કહેવાય છે કે લગભગ ૧ લાખથી વધારે લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહેમાનો માટે ૫૬ ભોગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી લોકો બોલાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીના પહોંચવા પર ધારાસભ્ય રાજેશ જૂને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ત્યાર બાદ મુખ્યમંત્રીએ પરિવાર સાથે ભોજન પણ લીધું. સુરક્ષા વ્યવસ્થા જોતા સમારંભ સ્થળ પર ૮૦૦ પોલીસકર્મી તૈનાત કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે રાજેશ જૂન પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા, પણ વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં ન આવી તો તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા અને જીતી ગયા.
ધારાસભ્યના દીકરા સચિન જૂનના લગ્ન હિસાર જિલ્લાના સિસાય ગામમાં થવાના છે. સચિન જૂન બિઝનેસ કરે છે અને સાથે જ એક હોસ્પિટલ પણ ચલાવે છે. તો વળી ડોક્ટર સનોજે (દુલ્હન) એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. તેના પિતા હરિયાણા પોલીસમાં ઇન્સ્પેક્ટર હતા અને તેમનું નિધન થઈ ચૂક્યું છે. વેડિગ કાર્ડ અનુસાર, સચિન અને સનોજના લગ્ન ૩૦ એપ્રિલના રોજ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ મંદિરમાં થશે. માન્યતા છે કે આ પાવન સ્થળ પર ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ થયા હતા.
મંગળવારે થયેલી સગાઈમાં લગભગ ૧૫ એકરમાં વિશાળ ૧૪ પંડાલ લગાવ્યા હતા. જ્યાં મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પંડાલની ડિઝાઇન એવી રીતે તૈયાર કરી છે, ખાસ કરીને અતિથિઓને એરકંડિશનર ટેન્ટ લગાવ્યા છે. તો વળી ૭૦૦ જેટલા વેઇટર તૈનાત કર્યા હતા.
આ સગાઈ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ હરવિદર કલ્યાણ, ભાજપ હરિયાણા પ્રભારી સતીશ પુનિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડૌલી, ચરખી દાદરીના ધારાસભ્ય સુનીલ સાંગવાન, પૂર્વ ધારાસભ્ય નરેશ કૌશિક અને સોમબીર સાંગવાન સહિત ગણમાન્ય લોકો હાજર રહ્યા હતા
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
