News of Saturday, 8th August 2026
૧૦૬ વર્ષના દાદા રોજ ૫ કિમી ચાલેઃ હાલમાં પાવડો ઉપાડી કામ કરે છેઃ જવાનીમાં પાણીની જેમ ઘી પીતા
રાજસ્થાનના કરૌલીના ૧૦૬ વર્ષીય મોતીલાલ સૈની આજે પણ સક્રિય જીવન જીવી રહ્યા છેઃ દેશી ખાણીપીણી, મહેનત અને નશાથી દૂર રહેવાની આદતને તેઓ પોતાની લાંબી ઉંમરનું રહસ્ય માને છે : તેમની ચુસ્તી-સ્ફૂર્તિ જોઈ યુવાનોને પણ શરમ આવેઃ લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન માટે જિલ્લા પ્રશાસન તરફથી તેમને આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ પર સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે

કરૌલી તા.૮: રાજસ્થાનના કરૌલીના ૧૦૬ વર્ષીય મોતીલાલ સૈની આજે પણ સક્રિય જીવન જીવી રહ્યા છે. દેશી ખાણીપીણી, મહેનત અને નશાથી દૂર રહેવાની આદતને તેઓ પોતાની લાંબી ઉંમરનું રાજ માને છે. લોકલ ૧૮ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, લગભગ ૧૫ વર્ષની ઉંમરથી મજૂરી શરુ કરી હતી. તે સમયે કૂવા ખોદવા, જંગલોમાંથી લાકડા લાવવા અને રાજાઓના દરબારમાં ઊંટોની દેખરેખ કરવા જેવા અઘરા કામ કરતા હતા.
આજની ભાગદોડવાળી જિદગીમાં જ્યાં નાની ઉંમરમાં જ લોકો કેટલીય બીમારીઓથી ઘેરાયેલા રહે છે, ત્યાં કરૌલી જિલ્લાના ૧૦૬ વર્ષીય મોતીલાલ સૈની આજે પણ સક્રિય જીવન જીવી રહ્યા છે. તેમની ચુસ્તી-સ્ફૂર્તિ જોઈ યુવાનોને પણ શરમ આવે. લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન માટે જિલ્લા પ્રશાસન તરફથી તેમને આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ પર સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
મોતીલાલ સૈનીએ નાનપણથી જ સાદગીપૂર્ણ જીવનશૈલી, નિયમિત મહેનત અને દેશી ખાણીપીણી અપનાવી હતી. લોકલ ૧૮ સાથે વાત કરતા જણાવ્યું કે, ૧૫ વર્ષની ઉંમરથી મજૂરી કરે છે. તે સમયે કૂવા ખોદવા, જંગલોમાંથી લાકડા કાપવા, રાજાઓના દરબારમાં ઊંટોની દેખરેખ કરવા જેવા અઘરા કામ કર્યા છે. તેમનું માનવું છે કે સતત શારીરિક શ્રમથી આજે તેમનું શરીર મજબૂત બન્યું છે.
તેમના માતા-પિતાએ બાળક અને યુવાવસ્થામાં તેમને ભરપૂર દૂધ, ઘી અને પૌષ્ટિક ભોજન આપ્યું છે. તેઓ જણાવે છે કે જવાનીમાં તેમણે પાણીની જેમ ઘી અને દૂધ પીધું છે. આ ઉપરાંત ભોજનમાં ચણા પણ લેતા. તેમના જણાવ્યા અનુસાર, તેઓ આખા વર્ષમાં ૧૦૦ કિલોથી પણ વધારે ચણા ખાઈ જતા હતા. તેમનું માનવું છે કે દેશી અને પૌષ્ટિક ખાણીપીણી તેમના મજબૂત સ્વાસ્થ્યનો આધાર છે.
૧૦૬ વર્ષની ઉંમરમાં પણ મોતીલાલ સૈની પોતાનું મોટાભાગનું કામ જાતે કરવાની કોશિશ કરે છે. તેમના મોટા દીકરા રમેશ સૈનીના જણાવ્યા અનુસાર, તેમના પિતા આજે પણ રોજના ૪થી ૫ કિમી ચાલતા આવે છે. ખેતરમાં જઈને કામ કરવું અને પાવડો ચલાવવો તેમની દિનચર્યાનો ભાગ છે. પરિવારના જણાવ્યા અનુસાર, આજ સુધી તેમને કોઈ ગંભીર બીમારી નથી થઈ.
મોતીલાલ સૈની જણાવે છે કે તેમણે જીવનભર ચા, તમાકુ, બીડી અને અન્ય નશીલા પદાર્થનું સેવન નથી કર્યું. લાંબી ઉંમરનું રહસ્ય પૂછતા તેઓ લોકોને ધૂમ્રપાન અને તમાકુથી દૂર રહેવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે સવાર-રાત પાણીમાં પલાળેલા ચણા ખાવા, નિયમિત કસરત કરવી અને સાત્વિક ભોજનને દિનચર્યામાં સામેલ કરવું સ્વસ્થ જીવન માટે ફાયદાકારક છે.
મોતીલાલ સૈનીનું માનવું છે કે સ્વસ્થ જીવનનો કોઈ શોર્ટકટ નથી. અનુશાસિત દિનચર્યા, પ્રાકૃતિક ખાણીપીણી, મહેનત અને નશાથી દૂર રહેવું એક સારી, સ્વસ્થ અને લાંબી આયુની અસલી ચાવી છે. તેમની જિદગી આજની પેઢી માટે સાદગી અને સક્રિય જીવનશૈલીની એક મિસાલ બનેલી છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
