<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

૧૦૮ વર્ષ જૂનો ઐતિહાસિક વોટર ટાવર બનશે શાનદાર પર્યટન સ્થળ: ₹૪ કરોડના ખર્ચે પટનાની આ વિરાસતને મળશે નવસંજીવની!

બ્રિટિશ કાળમાં સ્ટીમ એન્જિનથી ચાલતી હતી ૧ લાખ ગેલન ક્ષમતાવાળી આ ભવ્ય પાણીની ટાંકી : મિલર હાઇ સ્કૂલ પાસેના આ સ્થાપત્ય અદ્ભુત નમૂનાને જોવા માટે હવે પ્રવાસીઓ ઉમટી પડશે

પટના  :  બિહારની રાજધાની પટનામાંથી એક રસપ્રદ અને ગર્વ લેવા જેવી ખબર સામે આવી છે, જ્યાં શહેરની મિલર હાઇ સ્કૂલ પાસે આવેલો ૧૦૮ વર્ષ જૂનો ઐતિહાસિક વોટર ટાવર હવે માત્ર એક અબોલ ઇમારત બનીને નહીં રહે, પરંતુ તેને એક આકર્ષક પર્યટન સ્થળ (Tourist Spot) તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય વારસાને સાચવવા અને નવી પેઢીને પટનાના સમૃદ્ધ ઇતિહાસથી માહિતગાર કરવા માટે ₹૪ કરોડના માતબર ખર્ચની એક વિશેષ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે પટના નવા પ્રાંત તરીકે આકાર લઈ રહ્યું હતું, ત્યારે આ ટાવર સમગ્ર શહેરની તરસ છિપાવવા માટેનું સૌથી મુખ્ય કેન્દ્ર હતો.

ઇતિહાસકારોના મતે, આ ભવ્ય ટાવરનું નિર્માણ કાર્ય ૧૯૧૫ થી ૧૯૧૮ વચ્ચે પૂર્ણ થયું હતું અને આશરે ૧૩૦ ફૂટ ઊંચાઈ ધરાવતો આ ટાવર તે સમયની અદભુત એન્જિનિયરિંગ કળા અને ઇંટોની વિશિષ્ટ ડિઝાઇનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજના જમાનામાં મોટરાઇઝ્ડ પંપ અને ઓટોમેટિક ટાંકીઓ જોવા મળે છે, પરંતુ એક સદી પહેલા આ ટાંકીમાં પાણી ભરવા માટે અનોખી સ્ટીમ એન્જિન સિસ્ટમનો ઉપયોગ થતો હતો. AN કોલેજ પાસે બનેલા બોરવેલમાંથી સ્ટીમ એન્જિન દ્વારા આશરે ૧૦૦,૦૦૦ ગેલન પાણી આ ટાંકીમાં ખેંચવામાં આવતું હતું અને ખાસ રસપ્રદ વાત તો એ હતી કે ટાંકી ભરાઈ જતાં જ લાલ બત્તીનો સિગ્નલ આપીને એન્જિન બંધ કરી દેવામાં આવતું હતું.

સમયના વહેણ સાથે આધુનિક ટેકનોલોજી આવતા આ ઐતિહાસિક ટાવરની ઉપયોગિતા ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ હવે બિહાર સરકારના ₹૪ કરોડના આ ખાસ સુંદરીકરણ પ્રોજેક્ટ હેઠળ તેની આસપાસના ૧,૪૪૦ ચોરસ ફૂટ વિસ્તારને નવો જ રૂપ-રંગ આપવામાં આવશે. આ યોજના હેઠળ ટાવરના જીર્ણોદ્ધાર ઉપરાંત આકર્ષક કાફેટેરિયા અને પ્રવાસીઓ માટે સુંદર સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી વૈશ્વિક સ્તરના અન્ય હેરિટેજ પ્રોજેક્ટ્સની જેમ પટનાનું આ સ્મારક પણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે.

(10:17 PM IST)