News of Saturday, 1st August 2026
૧૫૦ વર્ષ જૂનું રહસ્ય અકબંધ: ઓસ્ટ્રેલિયાના પુસ્તકાલયમાં ૧૯મી સદીનું દુર્લભ પુસ્તક પરત મળ્યું, જેનો લેટ દંડ ગણીએ તો આશરે ૧૯ લાખ રૂપિયા થાય!
ઘરના નવીનીકરણ વખતે ચીમનીની દીવાલ પાછળથી ગુપ્ત બોક્સમાંથી મળી આવ્યું "એથેન્સના પ્રાચીનકાળ" નામનું ઐતિહાસિક પુસ્તક; લાઇબ્રેરીએ માફ કર્યો લાખોનો દંડ

સિડની : વર્ષો જૂની અને અજીબોગરીબ ઘટનાઓ ઘણીવાર લોકોને ચોંકાવી દેતી હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાંથી સામે આવેલો આ કિસ્સો ખરેખર અવિસ્મરણીય છે. સિડની નજીક આવેલા કિયામા શહેરના એક જૂના ઘરના નવીનીકરણ (રેનોવેશન) દરમિયાન એક વ્યક્તિને ચીમનીની દીવાલ પાછળથી લાકડાનું એક ગુપ્ત બોક્સ મળી આવ્યું હતું. જ્યારે તે બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે તેમાં ૧૮૫૮માં પ્રકાશિત થયેલ "એથેન્સના પ્રાચીનકાળ" (Antiquities of Athens) નામનું દુર્લભ પુસ્તક મળી આવ્યું હતું, જે ૧૮૭૦ના દાયકામાં સ્થાનિક પબ્લિક લાઇબ્રેરીમાંથી ઉધાર લેવામાં આવ્યું હતું. આ પુસ્તક પૂરા ૧૫૦ વર્ષ પછી સુરક્ષિત રીતે તેના મૂળ સ્થાને પાછું ફર્યું છે.
૧૯ લાખ રૂપિયાનો દંડ અને રજિસ્ટર ગુમ થવાનું રહસ્ય
કિયામા લાઇબ્રેરીના મેનેજર મિશેલ હડસનના જણાવ્યા અનુસાર, જો વર્તમાન ફુગાવા અને નિયમો મુજબ આટલા લાંબા સમયના વિલંબનો લેટ દંડ ગણવામાં આવે, તો તેની રકમ આશરે ૨૮,૦૦૦ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ૧૮.૭ લાખ રૂપિયા જેટલી થાય છે. જો કે, પુસ્તકાલય વહીવટીતંત્રે આટલી જૂની ધરોહર પાછી મળવાની ખુશીમાં આ દંડ સંપૂર્ણપણે માફ કરી દીધો છે. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે ૧૮૭૦ના દાયકાનું સભ્ય નોંધણી રજિસ્ટર વર્ષો પહેલા ખોવાઈ ગયું હોવાને કારણે અને પુસ્તક પર કોઈનું નામ ન હોવાથી તે છેલ્લે કોણે ઇશ્યુ કરાવ્યું હતું તે આજ દિન સુધી રહસ્ય જ રહ્યું છે.
૧૮૭૦ના દાયકાના કડક નિયમો અને પુસ્તકનું ભવિષ્ય
તે સમયના પુસ્તકાલયના નિયમો પણ અત્યંત રસપ્રદ અને કડક હતા; ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં આવે તો તેને પુસ્તક આપવામાં આવતું ન હતું, અને જ્યાં સુધી જૂનું પુસ્તક પરત ન થાય ત્યાં સુધી નવું પુસ્તક જારી થતું ન હતું. કદાચ આ ભારે દંડ કે કડક નિયમોના ડરથી જ કોઈએ તે સમયે આ પુસ્તક પાછું ન આપ્યું હોય! લાંબો સમય ચીમની પાસે રહેવાને કારણે પુસ્તકને થોડું નુકસાન જરૂર થયું છે, પરંતુ તે હજુ પણ અકબંધ છે. હવે આ ઐતિહાસિક પુસ્તકને ક્યારેય બહાર ઇશ્યુ કરવામાં નહીં આવે, પરંતુ તેને સુરક્ષિત રીતે લાઇબ્રેરીના પ્રદર્શનમાં કાચની પાછળ સાચવીને રાખવામાં આવશે જેથી આવનારી પેઢીઓ તેને જોઈ શકે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
