News of Friday, 17th July 2026
૧૦ વર્ષમાં ૧૫૨ પેપર લીક અને ૭.૫ કરોડ વિદ્યાર્થીઓ બરબાદ: દેહરાદૂનમાં ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમમાં રાહુલ ગાંધીની સિંહગર્જના
.ઉચ્ચ શિક્ષણથી લઈને સરકારી ભરતી પરીક્ષાઓમાં માફિયા રાજ સામે વિપક્ષી નેતાનો પ્રચંડ પ્રહાર, મંચ પર રડી પડ્યા આત્મહત્યા કરનાર પીડિત વિદ્યાર્થિનીના પિતા અને આખી સિસ્ટમ ભ્રષ્ટાચારમાં ડૂબેલી હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ

દેહરાદૂન: દેશની શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીને ઘેરી વળેલા પેપર લીકના કેન્સર સામે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની ધરતી પરથી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. દેહરાદૂનમાં આયોજિત 'છત્રોં કી ગૂંજ' નામના વિશેષ સંવાદ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં રાહુલ ગાંધીએ આંકડાકીય પુરાવાઓ સાથે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પર્દાફાશ કર્યો કે છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં ૧૫૨ જેટલી મહત્વપૂર્ણ પરીક્ષાઓના પેપર લીક થયા છે, જેના કારણે અંદાજે ૭.૫ કરોડ (૭૫ મિલિયન) હોનહાર યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે. આ કોઈ સામાન્ય વહીવટી ખામી નથી પરંતુ કરોડો વિદ્યાર્થીઓની દિવસ-રાતની સખત મહેનત અને તેમના સપનાઓનું સરેઆમ અપમાન છે.
આ કાર્યક્રમ દરમિયાન ત્યારે અત્યંત ગમગીન અને ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા જ્યારે પેપર લીકના આઘાતમાં આવીને આત્મહત્યા કરી લેનાર કમનસીબ વિદ્યાર્થિની રિયા થાપાના પિતા મંચ પર પહોંચ્યા હતા. પોતાની વહાલસોયી દીકરીનો ન્યાય માંગતા-માંગતા પિતા સ્ટેજ પર જ ચોધાર આંસુએ રડી પડ્યા હતા, જે જોઈને સમગ્ર સભાખંડ સ્તબ્ધ થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ પીડિત પિતાને સાંત્વના આપતા આકરા શબ્દોમાં કહ્યું કે ભારતમાં પેપર લીક કરવા માટે હાઈ-ટેકનોલોજી અને સંગઠિત ગુનાખોરીનો આશરો લેવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયા ખર્ચીને અભ્યાસ કરતા ૯૯ ટકા વિદ્યાર્થીઓ પ્રામાણિક છે, પરંતુ માત્ર ૧ ટકા જેટલી ભ્રષ્ટ માફિયા ગેંગ આખી સિસ્ટમનું શોષણ કરીને લાયક ઉમેદવારોના હક છીનવી રહી છે.
તેમણે આરોપ લગાવ્યો કે પેપર લીકની આ કાળાબજારીમાં કોઈ એકાદ વ્યક્તિ દોષિત નથી, પરંતુ ઉપરથી લઈને નીચે સુધી આખી સરકારી મશીનરી આ પાપમાં ભાગીદાર છે. સૌથી નીચલા સ્તરેથી શરૂ કરીને ખાનગી કોચિંગ સેન્ટરો, ત્યારબાદ પેપર લીક કરનારા સ્થાનિક માફિયાઓ, અને ટોચના સ્તરે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) થી લઈને મંત્રાલય સુધીના લોકો આ કરોડો રૂપિયાના રેકેટમાં સંડોવાયેલા છે, જેના કારણે જ આજ સુધી ભારતમાં એક પણ મોટા ગુનેગારને કડક સજા થઈ શકી નથી. દેશના ૯ કરોડ ઉમેદવારોમાંથી માત્ર ૬ લાખ યુવાનોને જ માંડ રોજગારી મળે છે તેવા કપરા સમયમાં પરીક્ષાઓની આ નબળી વિશ્વસનીયતા દેશના ભવિષ્યને બરબાદ કરી નાખશે તેવી ગંભીર ચેતવણી વિપક્ષી નેતાએ આપી હતી.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
