News of Friday, 29th May 2026
કેન્યામાં ફાટી નીકળેલી ગંભીર આગ દુર્ઘટનામાં ૧૬ વિદ્યાર્થિનીઓના કરુણ મોત પર પૂ. મોરારિબાપુએ વ્યક્ત કરી ઊંડી સંવેદના : દિવંગત દીકરીઓના પરિવારો માટે આર્થિક સહાય જાહેર
લાતુરના કિલ્લારીમાં ચાલતી રામકથા દરમિયાન દુઃખદ સમાચાર મળતા જ પૂ. બાપુએ હનુમંત સંવેદના રૂપે કુલ રૂ. ૨,૪૦,૦૦૦ ની રાશિ અર્પણ કરી : નાઇરોબીના શ્રોતાઓ દ્વારા સ્થાનિક ચલણમાં અપાશે સહાય

તલગાજરડા: આફ્રિકાના કેન્યા દેશમાં બનેલી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી આગ દુર્ઘટનામાં માસૂમ દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના પગલે દેશ-વિદેશમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. કેન્યાના નકુરુ ખાતે આવેલી એક કન્યા છાત્રાલય (ગર્લ્સ હોસ્ટેલ) માં મધ્ય રાત્રિએ જ્યારે તમામ વિદ્યાર્થિનીઓ નિદ્રાધીન હતી, ત્યારે અચાનક જ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ ભીષણ અગ્નિકાંડમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ૧૬ જેટલી આશાસ્પદ અને તેજસ્વી દીકરીઓ જીવતી ભડથું થઈ ગઈ હતી અને તેઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
વૈશ્વિક સ્તરે બનેલી આ અત્યંત દુઃખદ ઘટનાના સમાચાર જ્યારે પ્રખ્યાત કથાકાર પૂ. મોરારિબાપુ સુધી પહોંચ્યા ત્યારે તેઓ ઊંડા સદમામાં ડૂબી ગયા હતા. હાલ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં આવેલા કિલ્લારી મુકામે પૂજ્ય બાપુની ભવ્ય રામકથા ચાલી રહી છે. કથા દરમિયાન જ કેન્યાની આ અતિ દુઃખદ હોનારતની વિગતો મળતા જ પૂ. બાપુનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. તેઓએ વ્યાસપીઠ પરથી જ આ તમામ દિવંગત દીકરીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
હનુમંત સંવેદના રૂપે આર્થિક રક્ષણ:
પૂ. મોરારિબાપુ તરફથી હંમેશની જેમ આવી આપત્તિના સમયે માનવતાવાદી અભિગમ અપનાવીને ત્વરિત સહાય જાહેર કરવામાં આવી છે. અકસ્માતનો ભોગ બનેલી પ્રત્યેક દીકરીના આઘાતગ્રસ્ત પરિવારજનોને આર્થિક સાંત્વના આપવાના હેતુથી પૂ. બાપુ દ્વારા 'હનુમંત સંવેદના' રૂપે પ્રત્યેક પરિવાર દીઠ રૂપિયા પંદર હજારની સહાય મંજૂર કરાઈ છે. આ મુજબ ૧૬ દીકરીઓના પરિવારો માટે કુલ મળીને રૂપિયા ૨,૪૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. આ આર્થિક ભંડોળ કેન્યાની રાજધાની નાઇરોબી ખાતે વસતા અને રામકથાના નિયમિત શ્રોતાઓ દ્વારા ત્યાંના સ્થાનિક ચલણમાં પરિવર્તિત કરીને પીડિત પરિવારો સુધી સીધું પહોંચાડવામાં આવશે.
પૂ. મોરારિબાપુએ અકાળે કાળનો કોળિયો બનેલી તમામ દિવંગત આત્માઓના કલ્યાણ અને મોક્ષ માટે પરમ પૂજ્ય હનુમાનજી મહારાજના ચરણોમાં ખાસ પ્રાર્થના કરી છે. આ સાથે જ આ અસહ્ય પરમ દુઃખની ઘડીમાં ભગવાન તેમના માતા-પિતા અને સમગ્ર પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી આંતરિક સાંત્વના પાઠવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
