<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં કોર્ટમાં 1,624 પાનાની ચાર્જશીટ દાખલ

હાઈ-પ્રોફાઈલ કેસમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગના કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ હવે એક મહત્વના તબક્કે પહોંચી ગઈ છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની સંભાવના છે. પોલીસ આ ઘટનાના દરેક પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

 

બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટી ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આશરે 1,624 પાનાની અત્યંત વિગતવાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ દસ્તાવેજમાં આખી ઘટનાનું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું, હુમલાખોરોની ભૂમિકા શું હતી અને ગુનાને અંજામ આપવા માટે કઈ પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી તેની સંપૂર્ણ કડીઓ જોડવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને એવા અનેક પુરાવા મળ્યા છે જે આ કેસના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. અત્યાર સુધીમાં આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

 

મુંબઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર્જશીટમાં એવા પણ તથ્યો સામે આવ્યા છે જે હુમલાખોરોના આંતરરાષ્ટ્રીય કનેક્શન અથવા કોઈ ચોક્કસ ગેંગ સાથેના જોડાણ તરફ ઈશારો કરે છે. જોકે, તપાસની ગુપ્તતા જાળવવા માટે પોલીસે હજુ તમામ વિગતો જાહેર કરી નથી. 1,600 થી વધુ પાનાની આ ચાર્જશીટમાં સાક્ષીઓના નિવેદનો, ટેકનિકલ પુરાવા અને ફોરેન્સિક રિપોર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ કેસની ગંભીરતાને જોતા, સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી. હવે આગામી દિવસોમાં કોર્ટમાં આ પુરાવાઓના આધારે કાયદાકીય કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે. રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર થયેલા આ હુમલાએ બોલિવૂડ અને સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચાવી દીધી હતી, અને હવે આ ચાર્જશીટ બાદ કેસમાં સામેલ મુખ્ય સુત્રધારોના નામ સ્પષ્ટ થવાની આશા છે.

(10:52 PM IST)