News of Wednesday, 9th September 2026
અમેરિકાના અબજોપતિ ઈમિગ્રન્ટ્સની યાદીમાં સૌથી વધુ ૧૯ ભારતીય
ફોર્બ્સની અમેરિકાઝ રિચેસ્ટ ઈમિગ્રન્ટ્સ ૨૦૨૬ની યાદીમાં કુલ ૧૪૪ ઇમિગ્રન્ટ્સનો સમાવેશ : વિદેશથી અમેરિકા જઈ વસેલા બિલિયોનેરની કુલ સંપત્તિ ૨.૨ ટ્રિલિયન ડોલર

વોશિંગ્ટન,તા.૯: અમેરિકાના પ્રમુખ પદે બીજી વખત બિરાજમાન થયાં ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન વિરોધી નીતિ અપનાવી છે. વિદેશીઓ અમેરિકન અર્થવ્યવસ્થા પર ભારણ વધારી રહ્યાં હોવાનું રટણ કરતાં ટ્રમ્પના દાવા કરતાં વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકામાં ૧૪૪ અબજોપતિઓ એવા છે જેમનો જન્મ અન્ય દેશમાં થયો હતો અને અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ તરીકે આવ્યાં બાદ પોતાની મહેનત અને કુશળતાના જોરે બિલિયોનેર બન્યાં હોય.
ફોર્બ્સની અમેરિકાઝ રિચેસ્ટ ઈમિગ્રન્ટ્સ ૨૦૨૬ની યાદીમાં ભારતમાં જન્મેલાં ૧૯ અબજોપતિઓનો સમાવેશ કરાયો છે, જેને પગલે આ યાદીમાં ભારતીયોનો દબદબો જોવાયો છે. ૨૦૨૫માં આ યાદીમાં ભારતમાં જન્મેલાં અને અમેરિકામાં જઈ વસેલાં ભારતીય બિલિયોનેરની સંખ્યા ૧૨ હતી.
ફોર્બ્સની અમેરિકાઝ રિચેસ્ટ ઈમિગ્રન્ટ્સ ૨૦૨૬ની યાદી પ્રમાણે વિશ્વના ૪૫ દેશોમાંથી અમેરિકામાં આવીને વસેલાં આ અબજોપતિઓની કુલ સંપત્તિ ૨.૨ ટ્રિલિયન જેટલી છે. ૨૦૨૫માં વિદેશમાં જન્મેલાં અમેરિકન અબજોપતિઓની સંખ્યા ૧૨૫ હતી, અને તેમની કુલ સંપત્તિ ૧.૩ ટ્રિલિયન ડોલર હતી.
આ પ્રતિષ્ઠિત યાદીમાં આ વર્ષે પ્રવેશ પામનારા ભારતીય મૂળના અબજોપતિઓમાં વેન્ચર કેપિટલિસ્ટ હેમંત તનેજા, સેમિકન્ડક્ટર કંપની એસ્ટેરા લેબ્સના સહસ્થાપક સંજય ગજેન્દ્ર તથા જિતેન્દ્ર મોહન તથા પેલેનટરના ચીફ ટેક્રોલોજી ઓફિસર શ્યામ સંકરનો સમાવેશ થાય છે.
આ યાદીમાં સ્થાન મેળવનાર એસ્ટેરા લેબ્સના જિતેન્દ્ર મોહને જણાવ્યું હતું કે, હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ ભારતમાં પૂર્ણ કર્યાં બાદ મેં અમેરિકા આવીને માસ્ટર્સ કર્યું હતું. તે વખતે મારો વિચાર અહીં આવીને માત્ર ડિગ્રી લઈ ૪-૫ વર્ષ નોકરી કર્યાં બાદ ભારત પરત ફરવાનો હતો. બધું જ મારી યોજના પ્રમાણે થયું હતું, પરંતુ ભારત પરત ફરવાની મારી યોજના પૂરી ના થઈ. આજકાલ કરતાં મને અહીં ૩૨ વર્ષ થઈ ગયાં.
ફોર્બ્સ અમેરિકાઝ રિચેસ્ટ ઈમિગ્રન્ટ્સ ૨૦૨૬
દેશ સંખ્યા
ભારત ૧૯
ઈરાન ૦૭
ઇઝરાયેલ ૧૧
જર્મની ૦૬
તાઈવાન ૧૧
ફ્રાંસ ૦૫
ચીન ૦૯
યુકે ૦૫
કેનેડા ૦૮
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
