News of Thursday, 16th April 2026
૨૧ લાખ રોકડા, ૨૫ વીઘા જમીન અને સોના-ચાંદીના દાગીના
૪ ભાઈઓએ બહેનને ત્યાં દિલ ખોલીને દોઢ કરોડનું મામેરું ભર્યું

નાગૌર તા.૧૬: રાજસ્થાનના નાગૌર જિલ્લાના શ્યામસર ગામમાં ભાઈ-બહેનના સંબંધની એવી મિસાલ જોવા મળી છે, જેણે આખા મારવાડ જ નહીં પણ રાજસ્થાનભરમાં ચર્ચાની લહેર ફેલાવી છે. અહીં ચાર ભાઈઓએ પોતાની બહેન માટે એવું મામેરું ભર્યું છે, જે હવે ઈતિહાસ બની ગયું છે. આ મામેરું ન ફક્ત ધન-દોલતનું પ્રદર્શન છે, પણ ભાવનાઓ, પરંપરાઓ અને સંસ્કારોનો અનોખો સંગમ બનીને સામે આવ્યું છે.
શ્યામસરના રહેવાસી સુરજારામ સિયાગની દીકરી રામી દેવીના પરિવારમાં લગ્નનો અવસર હતો. તેમના સંતાનોના વિવાહમાં મામેરાની રસમ દરમિયાન તેમના ચાર ભાઈઓ ગંગારામ, શિવલાલ, ખીયારામ અને શ્રવણરામે મળીને દિલ ખોલીને મામેરું ભર્યું છે.
૨૧ લાખ ૫૧ હજાર રૂપિયા રોકડા, ૨૫ વીઘા ખેતીની જમીન, સોના-ચાંદીના દાગીના, ૫૧ હજાર રૂપિયાનો ચાંદલો. કુલ મળીને આ મામેરું ૧ કરોડ ૫૧ લાખ રૂપિયાનું થયું. જેણે આ પરંપરાને એક નવી ઊંચાઈ આપી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આટલું મોટું મામેરું તેમના ગામમાં પહેલાં ક્યારેય નથી જોયું. ગામના વડીલો કહે છે કે આ આયોજન ખાલી આર્થિક સંપન્નતા નથી, પણ ભાઈ-બહેનનો અતૂટ પ્રેમ અને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આ ઘટના એવું પણ દેખાડે છે કે જ્યાં કેટલીય જગ્યાએ મામેરું ખાલી ઔપચારિકતા બનીને રહી ગયું છે, ત્યાં શ્યામસરના આ ભાઈઓએ ફરીથી આ ભાવના અને જવાબદારીનો ઉત્સવ બનાવી દીધો છે.
સમગ્ર વિસ્તારમાં આ અનોખા મામેરાની ચર્ચા થઈ રહી છે. આજુબાજુના ગામના લોકો આ આયોજન જોવા અને તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. સામાજિક સ્તર પર પણ આ ખબર ઝડપથી ફેલાઈ રહી છે અને લોકો તેને રાજસ્થાની પરંપરાનું સ્વર્ણિમ ઉદાહરણ ગણાવી રહ્યા છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
