તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
૨૩ વર્ષીય ભારતીય મૂળના સ્ટેનફોર્ડ ડ્રોપઆઉટ યશ પાટીલે પોતાનું એઆઈ સ્ટાર્ટઅપ ‘એપ્લાઇડ કોમ્પ્યુટ’ ૪.૫ અબજ ડોલર (આશરે ૩૮,૨૫૦ કરોડ રૂપિયા) માં સાયબર સિક્યોરિટી દિગ્ગજ પાલો અલ્ટો નેટવર્ક્સને વેચ્યું
નવેમ્બરની શરૂઆતમાં ૩.૨૫ અબજ ડોલરના વેલ્યુએશન પર ૩૫૦ મિલિયન ડોલર (આશરે ૨,૯૭૫ કરોડ રૂપિયા) નું ફંડિંગ મેળવ્યાના પખવાડિયામાં જ ઐતિહાસિક સોદો : યશ પાટીલ ૨૫૦ અબજ ડોલરની કંપની પાલો અલ્ટો નેટવર્ક્સમાં કો-ચીફ એઆઈ ઓફિસર તરીકે જોડાશે

સાન ફ્રાન્સિસ્કો: ૨૩ વર્ષીય ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક યશ પાટીલ માટે આ મહિનો ઐતિહાસિક સાબિત થયો છે. નવેમ્બરની શરૂઆતમાં તેમના માત્ર એક વર્ષ જૂના એઆઈ સ્ટાર્ટઅપ ‘એપ્લાઇડ કોમ્પ્યુટ’ એ ૧૦૦ મિલિયન ડોલર (આશરે ૮૫૦ કરોડ રૂપિયા) ની વાર્ષિક આવક (રન રેટ) હાંસલ કર્યા બાદ ૩.૨૫ અબજ ડોલર (આશરે ૨૭,૬૨૫ કરોડ રૂપિયા) ના વેલ્યુએશન પર ૩૫૦ મિલિયન ડોલર (આશરે ૨,૯૭૫ કરોડ રૂપિયા) નું ફંડિંગ મેળવ્યું હતું. તેના માત્ર પખવાડિયા બાદ હવે સાયબર સિક્યોરિટી ક્ષેત્રની દિગ્ગજ કંપની પાલો અલ્ટો નેટવર્ક્સે આ સ્ટાર્ટઅપને ૪.૫ અબજ ડોલર (આશરે ૩૮,૨૫૦ કરોડ રૂપિયા) માં હસ્તગત કરવાની જાહેરાત કરી છે. આ સોદાના ભાગરૂપે યશ પાટીલ અને એપ્લાઇડ કોમ્પ્યુટની સમગ્ર ટીમ ૨૫૦ અબજ ડોલરની કંપની પાલો અલ્ટો નેટવર્ક્સમાં જોડાશે, જ્યાં યશ પાટીલ કો-ચીફ એઆઈ ઓફિસરની જવાબદારી સંભાળશે.
ઓસ્ટિનથી ઓપનએઆઈ સુધીની સફર:
ભારતીય પ્રવાસી માતા-પિતાને ત્યાં જન્મેલા યશ પાટીલનો ઉછેર અમેરિકાના ઓસ્ટિનમાં થયો હતો, જ્યાં તેમણે લિબરલ આર્ટ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં અભ્યાસ કર્યા બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હતો. શરૂઆતના તબક્કામાં તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિનના વેબર એનર્જી ગ્રુપમાં ટેક્સાસ પાવર ગ્રિડના મોડેલિંગ અને વીજ ઉત્પાદન તથા ટ્રાન્સમિશનના સિમ્યુલેશન પર કામ કર્યું હતું. સ્ટેનફોર્ડના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન દ્વારા આયોજિત ડિનરમાં થયેલી મુલાકાતથી તેમની એઆઈ સફર શરૂ થઈ હતી. ૨૦૨૨માં ચેટજીપીટી લોન્ચ થયા બાદ પાટીલે ઓલ્ટમેનને ઈમેલ કરી કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પગલે ઓલ્ટમેને તેમને ઓપનએઆઈના રેસિડેન્સી પ્રોગ્રામમાં અરજી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વર્ષ ૨૦૨૩માં માત્ર ૨૦ વર્ષની વયે તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી રજા લઈ ટેકનિકલ સ્ટાફ તરીકે ઓપનએઆઈમાં જોડાયા હતા, જ્યાં તેમણે પોસ્ટ-ટ્રેનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રીઝનિંગ મોડેલ્સ અને કોડિંગ આસિસ્ટન્ટ કોડેક્સની ટેકનોલોજી પર કામ કર્યું હતું. અહીં જ તેમની મુલાકાત સ્ટેનફોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રિધમ ગર્ગ અને લિન્ડેન લી સાથે થઈ હતી.
એપ્લાઇડ કોમ્પ્યુટની શરૂઆત અને કામગીરી:
જાન્યુઆરી ૨૦૨૫માં લેક તાહો ખાતે સ્કીઇંગ ટ્રિપ દરમિયાન ચાઈનીઝ સ્ટાર્ટઅપ ડીપસીકના આર૧ મોડેલની સફળતા જોઈને ત્રણેય સંશોધકોને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો વિચાર આવ્યો જેનાથી કંપનીઓ પોતાના ડેટાનો ઉપયોગ કરીને ઓપન-વેઈટ એઆઈ મોડેલ્સને કસ્ટમાઈઝ અને બહેતર બનાવી શકે. મે ૨૦૨૫માં ત્રણેયે ઓપનએઆઈ છોડીને સ્ટેલ્થ મોડમાં એપ્લાઇડ કોમ્પ્યુટ શરૂ કર્યું, જેમાં યશ પાટીલ સીઈઓ, રિધમ ગર્ગ સીટીઓ અને લિન્ડેન લી ચીફ આર્કિટેક્ટ બન્યા. આ કંપની વ્યવસાયોને તેમના પોતાના ડેટાની મદદથી હાલના એઆઈ મોડેલ્સને વિશિષ્ટ અને એન્ટરપ્રાઇઝ-રેડી સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે. કંપનીના ગ્રાહકોમાં એનવીડિયા, ડોરડેશ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ સામેલ છે. એપ્લાઇડ કોમ્પ્યુટે ડોરડેશ માટે રેસ્ટોરન્ટ મેનુ તૈયાર કરતું એઆઈ મોડેલ બનાવ્યું છે અને એનવીડિયા સાથે તેના નેમોટ્રોન મોડેલ્સના પોસ્ટ-ટ્રેનિંગ પર કામ કરી રહી છે.
એક વર્ષમાં યુનિકોર્નથી ૪.૫ અબજ ડોલર સુધીની છલાંગ:
સાન ફ્રાન્સિસ્કો સ્થિત આ સ્ટાર્ટઅપે જૂન ૨૦૨૫માં બેન્ચમાર્કની આગેવાનીમાં ૧૦૦ મિલિયન ડોલર (આશરે ૮૫૦ કરોડ રૂપિયા) ના વેલ્યુએશન પર ૨૦ મિલિયન ડોલર (આશરે ૧૭૦ કરોડ રૂપિયા) નું ફંડિંગ મેળવ્યું હતું. ચાર મહિના બાદ સિકોયા કેપિટલ, લક્સ કેપિટલ અને બેન્ચમાર્કના ૬૦ મિલિયન ડોલર (આશરે ૫૧૦ કરોડ રૂપિયા) ના રોકાણથી તેનું વેલ્યુએશન ૫૦૦ મિલિયન ડોલર (આશરે ૪,૨૫૦ કરોડ રૂપિયા) થયું હતું. ઓક્ટોબર ૨૦૨૫માં સ્ટેલ્થ મોડમાંથી બહાર આવ્યા ત્યારે કંપનીની વાર્ષિક આવક ૧૨.૮ મિલિયન ડોલર (આશરે ૧૦૮.૮ કરોડ રૂપિયા) હતી. એપ્રિલ ૨૦૨૬માં ક્લાઈનર પર્કિન્સની આગેવાનીમાં ૮૦ મિલિયન ડોલર (આશરે ૬૮૦ કરોડ રૂપિયા) ના ફંડિંગ સાથે ૧.૩ અબજ ડોલર (આશરે ૧૧,૦૫૦ કરોડ રૂપિયા) ના વેલ્યુએશન પર તે યુનિકોર્ન બની હતી.
પાલો અલ્ટો નેટવર્ક્સે કેમ ખરીદ્યું?
૧૮ નવેમ્બરના રોજ સોદાની જાહેરાત કરતા પાલો અલ્ટો નેટવર્ક્સે જણાવ્યું હતું કે આ એક્વિઝિશનથી કંપનીઓને ઓપન-વેઈટ અને પ્રોપરાઇટરી ફ્રન્ટિયર મોડેલ્સમાં સુરક્ષિત રીતે એઆઈ અપનાવવામાં મદદ મળશે. પાલો અલ્ટો નેટવર્ક્સના સીઈઓ નિકેશભાઈ અરોરાએ જણાવ્યું હતું કે એપ્લાઇડ કોમ્પ્યુટે મજબૂત પોસ્ટ-ટ્રેનિંગ અને ઇન્ફરન્સ પ્લેટફોર્મ વિકસાવ્યું છે, જેની સુરક્ષા ક્ષમતાની ચકાસણી અમારા યુનિટ ૪૨ ફ્રન્ટિયર એઆઈ એસેસમેન્ટ દ્વારા સંભવિત ગ્રાહક તરીકે પ્રત્યક્ષ રીતે કરવામાં આવી હતી.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
