News of Saturday, 7th November 2026
અમેરિકાના બોસ્ટનમાં તેલંગાણાની ૨૩ વર્ષીય છાત્રા શ્રીજા રેડ્ડી રહસ્યમય રીતે ગુમ: ભારતીય સમુદાય અને પરિવારમાં ભારે ચિંતા
બોસ્ટન પોલીસે ગુમ થયેલી વિદ્યાર્થીનીની શોધખોળ માટે જાહેર કર્યું એલર્ટ, તેલંગાણા સરકારે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય પાસે માંગી તાત્કાલિક મદદ

બોસ્ટન : અમેરિકાના બોસ્ટન સ્થિત યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ ખાતે માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરતી તેલંગાણાના નલગોંડા જિલ્લાની ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની શ્રીજા રેડ્ડી કોયા ૨ નવેમ્બરની રાતથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બોસ્ટનના ડોર્ચેસ્ટર વિસ્તારમાં અન્ય ભારતીય વિદ્યાર્થીઓ સાથે રહેતી શ્રીજા ૨ નવેમ્બરે રાત્રે આશરે ૯:૪૫ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી ચાલવા માટે બહાર નીકળ્યા બાદ પરત ફરી નહોતી અને તેનો મોબાઈલ ફોન પણ સતત બંધ આવી રહ્યો છે.
ઘટના અંગે તેના સહપાઠીઓએ બોસ્ટન પોલીસ વિભાગને જાણ કરતાં પોલીસે 'મિસિંગ પર્સન' એલર્ટ જાહેર કર્યું હતું અને તેના ચહેરા-મોહરા તથા છેલ્લે પહેરેલા કાળા જેકેટ તેમજ જીન્સના આધારે શોધખોળ સઘન બનાવી છે.
મળતી માહિતી મુજબ, ફોનનું છેલ્લું લોકેશન કાર્સન બીચ નજીકના વિસ્તારમાં મળ્યું હતું અને પેટ્રોલિંગ કરી રહેલા અધિકારીઓએ તે વિસ્તારમાં એક મહિલાને ખુલ્લા પગે ચાલતી જોઈ હોવાનું જણાવતા સત્તાવાળાઓએ તેની માનસિક સ્થિતિ અને સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
આ ઘટના અંગે તેલંગાણાના માર્ગ અને મકાન મંત્રી કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડીએ વિદેશ મંત્રાલય, અમેરિકામાં ભારતીય દૂતાવાસ અને સ્થાનિક તેલુગુ સંસ્થાઓ સાથે તાત્કાલિક સંપર્ક સાધીને શોધખોળની કામગીરી વેગવાન બનાવવાની અપીલ કરી છે.
ગુમ થયેલી છાત્રાના માતા-પિતા વતનમાં અત્યંત ચિંતાતુર સ્થિતિમાં તેની ભાલ મેળવવા માટે સમાચારની રાહ જોઈ રહ્યા છે, જ્યારે બોસ્ટન પોલીસ અને ભારતીય કાનૂની સંસ્થાઓ દ્વારા જનતાની મદદથી સઘન તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
